અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં મેક્સિકો સરહદેથી ઝડપાયેલા ભારતીયને કોરોના

અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં મેક્સિકો સરહદેથી ઝડપાયેલા ભારતીયને કોરોના

ભારતીય નાગરિકને પાછા મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર

મેક્સિકોની સરહદેેથી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસ દરમિયાન ઝડપાયેલા ૩૧ વર્ષના ભારતીયને કોરોના થયો હતો. બોર્ડર પ્રોટેક્શન એજન્સીની કસ્ટડી દરમિયાન કોઈ ભારતીયને કોરોના થયો હોય એવો આ પહેલો બનાવ છે. અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને એક નિવેદનમાં કહ્યું હતું કે ૨૩મી એપ્રિલે પેટ્રોલિંગ દરમિયાન સૈનિકોએ ત્રણ મેક્સિકન અને એક ભારતીયને કેલિફોર્નિયા નજીકની સરહદેથી ઘૂસવાના પ્રયાસમાં ઝડપી લીધા હતા. ત્રણ મેક્સિકન નાગરિકોને સ્વદેશ મોકલી દેવાયા હતા. જ્યારે ભારતીય નાગરિકને પાછા મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ એ દરમિયાન તેને તાવના લક્ષણો જણાયા હતા. એ પછી તેની સારવાર કરાઈ હતી અને તેને ક્વોરન્ટાઈન કરાયો હતો. એ ભારતીય નાગરિકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમેરિકન એજન્સીએ આ ભારતીયનું નામ જાહેર  કર્યું ન હતું. ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું કહ્યું હતું.