વ્હાઈટ હાઉસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ અનફોલો કર્યું, 19 દિવસ અગાઉ ફોલો કરવાનું શરૂ કર્યું હતું

વ્હાઈટ હાઉસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ અનફોલો કર્યું, 19 દિવસ અગાઉ ફોલો કરવાનું શરૂ કર્યું હતું

વ્હાઈટ હાઉસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ અનફોલો કર્યું છે. 19 દિવસ અગાઉ જ્યારે ભારતે અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ કરી હતી ત્યારે વ્હાઈટ હાઉસે મોદીને ટ્વિટર પર ફોલો કરવાની શરૂઆત કરી હતી. વ્હાઈટ હાઉસે ભારતને લગતા કુલ છ અકાઉન્ટને અનફોલો કર્યા છે. તેમા મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટર હેન્ડલનો સમાવેશ થાય છે.

હવે ફક્ત 13 અકાઉન્ટ એવા છે કે જેને વ્હાઈટ હાઉસ ફોલો કરે છે. તેમા ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ, માઈક પેન્સ અને ટ્રમ્પ પ્રશાસન સંબંધિત લોકોનો સમાવેશ થાય છે. અમેરિકા અન્ય કોઈ પણ દેશ અથવા રાષ્ટ્ર અધ્યક્ષોના ટ્વિટર હેન્ડલને ફોલો કરતું નથી. આ પ્રથમ વખત એવું બન્યુ છે કે જ્યારે વ્હાઈટ હાઉસે ભારતના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને ફોલો કરવાની શરૂઆત કરી હતી.

આ ટ્વિટર અકાઉન્ટને ફોલો કરી અનફોલો કર્યાં

વ્હાઈટ હાઉસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દૂતાવાસ, ભારતમાં અમેરિકી દૂતાવાસ, ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરના ટ્વિટર અકાઉન્ટને ફોલો કર્યા બાદ અનફોલો કર્યા છે.

10 એપ્રિલના રોજ ફોલો કરવાની શરૂઆત કરી હતી

કોરોના વાઈરસની મહામારીનો સામનો કરવા માટે ભારત તરફથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવાનો નિર્ણય કર્યા બાદ વ્હાઈટ હાઉસે પ્રધાન મંત્રી, રાષ્ટ્રપતિ ભવન, પીએમઓને લગતા ટ્વિટર હેન્ડલને ફોલો કરવાની શરૂઆત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના સામેનું હથિયાર ગણાવ્યું હતું અને દવા આપવા ભારત સમક્ષ માંગ કરી હતી. ભારતે તે સમયે દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો.  આ અંગે ટ્રમ્પે જવાબી કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ભારતે મદદ માટે તમામ દેશોને હાઈડ્રોક્લોરોક્વીન આપવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ટ્રમ્પે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો અને વ્હાઈટ હાઉસે પીએમ મોદી તથા ભારત સંબંધિત અન્ય ટ્વિટર હેન્ડલ ફોલો કર્યા હતા.

વ્હાઈટ હાઉસના ટ્વિટર અકાઉન્ટનો આ સ્ક્રીન શોર્ટ તે સમયનો છે કે ક્યારે ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને ફોલો કરાવની શરૂઆત કરી હતી.