વેક્સિન જ કોરોનાનો એકમાત્ર ઇલાજ નથી, સ્વદેશી સહિત 7 દવા પર ટ્રાયલ ચાલી રહી છે – ડૉ. શેખર માંડે

વેક્સિન જ કોરોનાનો એકમાત્ર ઇલાજ નથી, સ્વદેશી સહિત 7 દવા પર ટ્રાયલ ચાલી રહી છે – ડૉ. શેખર માંડે

  • CSIRના ડાયરેક્ટર જનરલે કહ્યું- એક હજાર જીનોમ સિક્વન્સિંગ બાદ દવા-વેક્સિન બનાવવામાં મદદ મળશે
  • દેશની 37 લેબમાં રિસર્ચ માટે વિજ્ઞાનીઓ સક્રિય

નવી દિલ્હી. કોરોના વિરુદ્ધ દેશની ટોચની સાયન્ટિફિક રિસર્ચ સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની 37 લેબમાં લૉકડાઉન દરમિયાન વિજ્ઞાનીઓ વિવિધ રિસર્ચમાં અને ટેક્નિકલ ડેવલપમેન્ટમાં વ્યસ્ત છે. CSIRના ડાયરેક્ટર જનરલ ડૉ. શેખર માંડેએ કહ્યું કે વેક્સિન જ કોરોનાનો એકમાત્ર ઇલાજ હોવાની એક ગેરસમજ છે. કોરોનાનો ઇલાજ દવા પણ હોઇ શકે છે. તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ…
સવાલ: સીએસઆઇઆરની લેબ સતત કોવિડ-19 વાઇરસ પર નજર રાખી રહી છે. અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું? શું સ્થિતિ છે?
ડૉ. શેખર: 
કોવિડ-19 વાઇરસના સર્વેલન્સ માટે અમારી 3 લેબ- સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (હૈદરાબાદ), ઇન્સ્ટિ. ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (દિલ્હી) અને ઇન્સ્ટિ. ઑફ માઇક્રોબિયલ ટેક્નોલોજી (ચંડીગઢ)માં દેશના જુદા-જુદા ભાગોમાંથી દર્દીઓના 100થી વધુ સેમ્પલમાંથી મળેલા વાઇરસનું જીનોમ સિક્વન્સિંગ કરાયું. તેમાં વાઇરસના અલગ-અલગ સ્ટ્રેન્ડ તો મળ્યા પણ હજુ સુધી ભારત વિશેષ મ્યૂટેશન નથી મળ્યું. જે સ્ટ્રેન્ડ મળ્યા તેમનાથી જાણવા મળે છે કે તે યુરોપ, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાથી ભારત પહોંચ્યો છે. મેના અંત સુધીમાં 1 હજાર વાઇરસ સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવાનું લક્ષ્ય છે. સીએસઆઇઆર આ ડેટા ગ્લોબલ ઇનિશ્યેટિવ ઓન શેરિંગ ઓલ ઇન્ફ્લૂએન્ઝા ડેટા સાથે શૅર કરશે. જીનોમ સિક્વન્સિંગથી વાઇરસની ઉત્પત્તિ સમજવામાં મદદ મળે છે તેમ જ દવા કે રસી બનાવવામાં પણ તે મદદરૂપ થાય છે.
સવાલ: કોરોનાનો ઇલાજ માત્ર વેક્સિન જ છે?
ડૉ. શેખર: 
આ એક ગેરસમજ છે કે વેક્સિન જ કોવિડ-19નો ઇલાજ છે. ઇલાજ દવા કે વેક્સિનમાંથી કંઇ પણ હોઇ શકે છે. કોવિડ-19 અંગે પ્રારંભિક સંશોધનથી અમારી સમજ વધી રહી છે.
સવાલ: સીએસઆઇઆરએ કોવિડ-19ની કોઇ દવા શોધી કે કોઇ દવાની ટ્રાયલ ચાલી રહી છે?
ડૉ. શેખર: સીએસઆઇઆરએ કોરોનાની સારવારમાં નવેસરથી ઉપયોગ માટે બે ડઝનથી વધુ દવાઓ પસંદ કરી છે, જેમાંથી માઇક્રોબેક્ટેરિયમ ડબલ્યુની ટ્રાયલ શરૂ કરી દેવાઇ છે. તદુપરાંત, ફેવિપીરાવિર અને એચસીક્યુએસની ટ્રાયલની પણ મંજૂરી મળી છે. દિલ્હી અને ભોપાલની એઇમ્સ તથા પીજીઆઇ ચંડીગઢમાં આજકાલમાં બન્ને ટ્રાયલ સાથે શરૂ થશે. ફેવિપીરાવિરની પેટન્ટ ખતમ થઇ ચૂકી છે, જેથી તેની ટ્રાયલ સફળ રહી તો દવા સસ્તી પણ હશે. આ દવાઓ પહેલેથી ઉપયોગમાં લેવાતી હોવાથી તેમના મોલેક્યૂલ સેફ છે. તેથી તેમની મર્યાદિત ટ્રાયલ કરવી પડશે. એક-બે મહિનામાં દેશને ખુશખબરી મળી શકે છે. હાલ આ ત્રણ દવા ઉપરાંત આયુષની ચાર દેશી દવાની ટ્રાયલ પણ શરૂ કરાઇ છે. 
સવાલ: સીએસઆઇઆર વેક્સિન ડેવલપ કરવાની દિશામાં પણ કંઇ કરી રહી છે?
ડૉ. શેખર:
 સીએસઆઇઆઇએ મોનોક્લોનલ એન્ટીબૉડી વિકસાવવાના પ્રોજેક્ટ માટે ફન્ડિંગ કર્યું છે, જેમાં નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ-પૂણે, આઇઆઇટી ઇન્દોર, પ્રેડોમિક્સ અને ભારત બાયોટેક સામેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ એવું એન્ટીબૉડી તૈયાર થશે કે જે કોવિડ-19ના દર્દીના શરીરમાં વાઇરસને ન્યૂટ્રલાઇઝ કરી શકશે.
સવાલ: શું આ જ પ્લાઝમા ટ્રીટમેન્ટ છે કે જેનો દિલ્હીની હોસ્પિટલમાં પણ કેટલાક દર્દીઓ પર સફળ પ્રયોગ કરાયો? 
ડૉ. શેખર: 
ના, મોનોક્લોનલ એન્ટીબૉડી વિકસાવવું એ પ્લાઝમા ટ્રીટમેન્ટથી અલગ છે. પ્લાઝમા ટ્રીટમેન્ટમાં સાજા થઇ ચૂકેલા અન્ય દર્દીના શરીરમાં સીધા નાખી દેવાય છે. પ્લાઝમામાં રહેલા એન્ટીબૉડી વાઇરસને ન્યૂટ્રલાઇઝ કરી પણ શકે કે ન પણ કરી શકે પરંતુ મોનોક્લોનલવાળી પદ્ધતિમાં વાઇરસને ન્યૂટ્રલાઇઝ કરનાર એન્ટીબૉડીની ઓળખ કરીને તેને ક્લોન કરીને તૈયાર કરાય છે. તે વધુ અક્સીર છે. જોકે, પ્લાઝમા ટ્રીટમેન્ટમાં સીએસઆઇઆરની ઇન્ડિયન ઇન્સ્ટિ. ઑફ કેમિકલ બાયોલોજી (કોલકાતા)માં રિસર્ચ જારી છે અને ટ્રાયલ શરૂ કરાઇ છે.
સવાલ: લેબ ઉપકરણો કે મેડિકલ સ્ટાફની સેફ્ટી માટે સીએસઆઇઆર લેબએ શું યોગદાન આપ્યું?
ડૉ. શેખર: 
સીએસઆઇઆરની નેશનલ એરોસ્પેસ લેબએ મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે પીપીઇ કવરઑલ તૈયાર કરી. બેંગલુરુની એક ખાનગી કંપનીને તેની ટેક્નોલોજી ટ્રાન્સફર કરાઇ અને તે રોજ 5 હજાર કવરઑલ તૈયાર કરે છે. 15 મેથી તેનું ઉત્પાદન દૈનિક 30 હજાર કવરઑલ થઇ જશે. આ જ લેબમાં બાઇપેપ વેન્ટીલેટર પણ ડેવલપ કરાયું છે. એક-બે દિવસમાં તેની ટેક્નોલોજીને મંજૂરી માટે મોકલાઇ રહી છે. તમામ કંપનીઓએ પહેલેથી જ તે બનાવવામાં રસ દાખવ્યો છે. ટેક્નિકલ ટ્રાન્સફરમાં અમને બસ એક દિવસ લાગે છે. કંપનીઓને પ્રોડક્ટના ઉત્પાદન અગાઉ કાચો માલ ભેગો કરવામાં બે-ત્રણ અવાડિયા લાગે તેવું બની શકે. ચોથા અઠવાડિયા સુધીમાં પ્રોડક્ટ ઉપયોગ માટે ઉપલબ્ધ થવા લાગશે. તદુપરાંત, ચેન્નઇની લેબએ કોવિડ-19ની ઇમરજન્સીની સ્થિતિમાં 5-7 દિવસમાં 100થી 200 બેડનો આઇસોલેશન વોર્ડ કે હોસ્પિટલ ઊભી કરવાની ટેક્નિક અને મોડલ વિકસાવ્યા છે. 
પેપર બેસ્ટ ટેસ્ટિંગ કિટ 1 મહિનામાં બજારમાં હશે
કોવિડ-19ના ટેસ્ટિંગ માટે આરટીપીસીઆર સૌથી ચોક્કસ છે. તેમાં સીએસઆઇઆરએ સેમ્પલ પુલિંગની ટેક્નિક વિકસાવી. એક વારમાં એકના બદલે 5 ટેસ્ટ થવાથી ટેસ્ટિંગ સસ્તું થશે અને તેની ચોકસાઇ પણ ઘટતી નથી. બીજું, અમે ફેલુદા નામની પેપર બેઝ્ડ ટેસ્ટિંગ કિટ વિકસાવી, જેની ટેક્નોલોજી તાતા સન્સને ટ્રાન્સફર કરાઇ ચૂકી છે. તે 3-4 અઠવાડિયામાં બજારમાં ઉપલબ્ધ હશે.