ડોલર સામે રૂપિયામાં નબળાઈથી સોનુ ઊંચકાઈને રૂપિયા 46000ની ઉપર બંધ

ડોલર સામે રૂપિયામાં નબળાઈથી સોનુ ઊંચકાઈને રૂપિયા 46000ની ઉપર બંધ

અમેરિકામાં ક્ડ ઓઈલનો સ્ટોકસ વધવાને બદલે ઘટીને આવતા ભાવ ઊંચકાયા

(વાણિજ્ય પ્રતિનિધિ)   મુંબઈ, તા.14 મે 2020, ગુરુવાર

સ્થાનિક સોનાચાંદી બજારમાં બન્ને કિંમતી ધાતુના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ડોલર વધવાને કારણે સોનાચાંદીની પડતર કિંમત વધતા ભાવ ઊંચકાયા હતા. અમેરિકામાં સ્ટોક ઘટતા ક્ડ ઓઈલમાં સુધારો જળવાઈ રહ્યો છે. બેરોજગારીના આંકડામાં વધારો ચાલુ રહેતા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો. જો કે ઘરઆંગણે ડોલરમાં સુધારો જોવાયો હતો. 

સ્થાનિકમાં ગોલ્ડ ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૫૭૧૦ બંધ રહ્યા હતા તે આજે વધીને રૂપિયા ૪૬૧૩૬ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ ગોલ્ડ રૂપિયા ૪૫૮૯૪વાળું વધી ૪૬૩૨૨ બંધ રહ્યું હતું. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ગોલ્ડની સાથે .૯૯૯ ચાંદીમાં પણ સુધારો જોવાયો હતો. ચાંદી એક કિલોના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૨૯૧૫ રહ્યા હતા તે આજે જીએસટી વગરના રૂપિયા ૪૨૯૮૫ બંધ આવ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૭૦૯ ડોલર પરથી વધી મોડી સાંજે ૧૭૧૫ ડોલર બોલાતા હતા જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૫.૫૬ ડોલર વાળી ટકેલી રહી હતી. 

પ્લેટિનમ ઔંસ દીઠ ૭૬૮.૫૦ ડોલરવાળું ૭૬૪.૫૦ ડોલર જ્યારે પેલેડિયમ ૧૮૪૦ ડોલરવાળું ૧૮૧૧ ડોલર બોલાતું હતું. અમેરિકામાં બેરોજગારીના દાવામાં ૨૯.૮૦ લાખનો નવો ઉમેરો થતાં ડોલર ઈન્ડેકસ દબાણ હેઠળ આવ્યો છે. 

ઘરઆંગણે શેરબજાર તૂટતા તેની અસર રૂપિયા પર પડી હતી. ડોલર ૭૫.૬૧ રૂપિયા થઈ ૭૫.૫૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગઈકાલની સરખામણીએ ૧૦ પૈસા ઊંચો બંધ આવ્યો છે. પાઉન્ડ ૩૯ પૈસા ઘટી ૯૨.૨૨ રૂપિયા જ્યારે યુરો ૧૭ પૈસા ઘટી ૮૧.૬૩ રૂપિયા બંધ રહ્યો હતો. 

અમેરિકામાં ક્ડ તેલનો સ્ટોક વધીને આવવાની અપેક્ષા રખાતી હતી પરંતુ તેમાં ૭.૪૫ લાખ બેરલનો ઘટાડો જોવાયો છે જેની અસર ક્ડ તેલના ભાવ પર જોવા મળી છે. સ્ટોકમાં ૪૧ બેરલનો વધારો થવાની ધારણાં રખાતી હતી. સ્ટોકસ ઘટીને ૫૩.૧૫ કરોડ બેરલ રહ્યો છે. સ્ટોકસમાં ઘટાડા ઉપરાંત માગ વધવા લાગતા ન્યુયોર્ક ક્ડ તેલ પ્રતિ બેરલ વધીને ૨૫.૯૫ ડોલર જ્યારે બ્રેન્ટ ૨૯.૮૦ ડોલર બોલાતું હતું.