ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સની 4 કેટેગરીના લોકોને ભારત આવવાની પરવાનગી, વિદેશમાં જન્મેલા બાળકોને પણ લાવી શકશે

ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સની 4 કેટેગરીના લોકોને ભારત આવવાની પરવાનગી, વિદેશમાં જન્મેલા બાળકોને પણ લાવી શકશે

  • ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સને વિઝાની જરૂર હોતી નથી, પરંતુ લોકડાઉનને કારણે નિયમો બદલાયા છે
  • સરકાર પ્લેન અને શિપ દ્વારા ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે

સરકારે વિદેશમાં ફસાયેલા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ હોલ્ડર્સની ચાર કેટેગરી વાળા લોકોને નિયમોમાં છૂટ આપી છે. આનાથી તેઓ ભારત પાછા આવી શકશે. ગૃહ મંત્રાલયે શુક્રવારે તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ઓસીઆઈ કાર્ડ વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોને આપવામાં આવે છે. આનાથી તેમને વિઝા વગર આવવા-જાવાની પરવાનગી મળે છે. જોકે, કોરોનાવાયરસને કારણે સરકારે તાજેતરમાં નિયમો કડક કર્યા હતા.

ઓસીઆઈ કાર્ડહોલ્ડરને આ 4 કેટેગરીમાં રાહત
1. જેઓ સગીર બાળકો સાથે ભારત આવવા માંગે છે, પછી ભલે તે બાળકોનો જન્મ વિદેશમાં થયો હોય.
2. કુટુંબમાં કોઈની મૃત્યુ જેવી ઇમરજન્સીના કારણે આવવા માંગે છે.
3. પતિ અથવા પત્નીમાંથી કોઈ એક પાસે ઓસીઆઈ કાર્ડ છે અને પાર્ટનર ભારતમાં રહેતા હોય અને અહિયાં તેમનું કાયમી ઘર છે.
4. વિદેશોમાં ભણતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમના માતા-પિતા ભારતમાં રહે છે.

ઓસીઆઈ કાર્ડહોલ્ડર્સે નિયમોમાં રાહતની અપીલ કરી હતી
સરકાર ફસાયેલા ભારતીયોને દરિયાઇ જહાજો અને વિમાન દ્વારા વિદેશમાંથી પાછા લાવી રહી છે. જોકે લોકડાઉનમાં નિયમોમાં ફેરફારને કારણે ઘણા ઓસીઆઈ કાર્ડહોલ્ડર્સ ટિકિટ મેળવવામાં અસમર્થ છે. કેટલાક પરિવારો એવા છે કે જેમાં પતિ-પત્નીને ટિકિટ મળી, પરંતુ બાળકોને વિદેશમાં જન્મેલા હોવાને કારણે મંજૂરી નહોતી મળતી. આવા લોકોએ સરકારને નિયમોમાં છૂટછાટ આપવા અપીલ કરી હતી.