‘ફોટો વાઇરલ કરીશ’ કહી યુવતી પાસે 15 લાખ માગતો કોન્સ્ટેબલ ઝડપાયો

‘ફોટો વાઇરલ કરીશ’ કહી યુવતી પાસે 15 લાખ માગતો કોન્સ્ટેબલ ઝડપાયો

ઓઢવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું કરતૂત
કોન્સ્ટેબલને મદદ કરનારી પીડિતાની બહેનપણીની પણ ધરપકડ કોન્સ્ટેબલ અને તેની સ્ત્રી મિત્ર અંગે પોલીસનું ભેદી મૌન

અમદાવાદ,તા.26 મે 2020 મંગળવાર

પૈસાની જરૂર પડતા હવે પોલીસ પણ ઘાંઘી થઈને ગેરકાયદે કૃત્ય કરતા થઈ ગઈ છે. નરોડા રોડ વિસ્તારમાં રહેતી ગ્રેજ્યુએટ યુવતીને તેણે કોલેજમાં કેવા ધંધા કર્યા છે તેના ફોટા અને ક્લિપો મારી પાસે છે કહીને 15 લાખની ખંડણી માંગનારા ઓઢવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. રસ્તામાંથી મળેલા મોબાઈલનો કોન્સ્ટેબલે તેની બહેનપણી સાથે મળીને દુરૂપયોગ કર્યો હતો અને પિડીતાના પિતાને ફોન કરીને પૈસા નહી આપો  અને પોલીસના લફડામાં પડશો તો ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. નવાઈની વાત એ છે કે કોન્સ્ટેબલની બહેનપણી પિડીતાની જુની બહેનપણી છે. પરંતું કોન્સ્ટેબલ અને તેની બહેનપણી કેવી રીતે સંપર્કમાં આવ્યા તે અંગે પોલીસ ભેદી મૌન સેવી રહી છે.

આ બનાવમાં ક્રાઈમ બ્રાંચે ઓઢવ પોલીસ સ્ટેશનમાં  કોન્સ્ટેબલ દશરથસિંહ નવલસિંહ  તથા તેની બહેનપણી  રૂપલ પી.મહેસુરીયાની ધરપકડ કરી હતી.  લોકડાઉનને પગલે સામાન્ય માણસ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. આવી જ આર્થિક તંગી અનુભવતા કોન્સ્ટેબલે પૈસા માટે નરોડામાં રહેતી ગ્રેજ્યુએટ થયેલી યુવતીના પિતાને મિસકોલ કર્યો હતો. તેમણે સામે ફોન કરતા કોન્સ્ટેબલે  તેમનું નામ પુછ્યું હતું. યુવતીના પિતાએ નામ જણાવતા જ કોન્સ્ટેબલ દશરથસિંહે  ફોન ક્ટ કરી દીધો હતો.

બાદમાં કોન્સ્ટેબલે યુવતીના પિતાને વોટ્સએપ મેસેજ કરીને કહ્યું હતું કે તારી દિકરી કોલેજ કરતી હતી ત્યારે કોની કોની સાથે ફરતી હતી અને તેણે કેવા કેવા ધંધા કર્યા છે તે બધા ફોટા અનલ્ક્લિપો મારી પાસે છે. તમે મારા સુધી પહોંચવાની કોશિષ કરશો તો હું તેના ફોટા અને કિલ્પો વાઈરલ કરી દઈશ, મારે 15 લાખ રૂપિયાની જરૂર છે. રાતના 11 વાગ્યા સુધી મળ્યા તો ઠીક બાકી બધુ જાહેર કરી દઈશ. તે સિવાય પોલીસના લફડા ના જોઈએ હું તો પકડાઈ જઈશ પછી બધુ  જાહેર કરી દઈશ. કોન્સ્ટેબલના આવા ધમકીભર્યા મેસેજથી ગભરાયેલા પિતાએ તેમની દિકરીને આ અંગે વાત કરીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પહોંચીને અરજી આપી હતી.

સાયબર ક્રાઈમની તપાસ ચાલુ હતી ત્યારે ફરીથી કોન્સ્ટેબલનો ફોન આવ્યો હતો અને પૈસાનું શું થયું એમ પુછતા પિડીતાના પિતાએ તેમની પાસે આટલી મોટી રકમ નથી, એમ કહ્યું હતું. જોકે પિડીતાના પિતાએ ફોનનું રેકોર્ડિંગ કરીને પોલીસને આપ્યું હતું.

સાયબર ક્રાઈમે તપાસ કરતા ફોન કરનાર ઓઢવ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર અને તેને મદદ કરનારી તેની બહેનપણી રૂપલ મહેસુરીયા હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને બન્ને આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં ફોન લાલુ મચ્છેલા નામાન શખ્સનો હોવાનું અને 8 એપ્રિલના રોજ પોલીસની બોલેરો જીપ આવતા તેનો મોબાઈલ પડી ગયો હોવાનું બહાર આવ્યું હતું.ઉપરાંત લાલુ 15 મેથી ઉત્તરપ્રદેશ તેના વતન ગયો હોવાનું પણ જણાયું હતું.

પોલીસે તપાસ કરતા આ મોબાઈલ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ દશરથસિંગ લઈ ગયો હોવાનું ખુલ્યું હતું. દશરથસિંહ અને તેની બહેનપણી રૂપલને પૈસાની જરૂર હોવાથી તેમણે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. દશરથસિંહની બહેનપણી આ બનાવની પિડીતાની જુની બહેનપણી હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે દશરથસિંહને રૂપલ સાથે કેવી રીતે અને ક્યાં ઓળખ થઈ તે અંગે પોલીસ ભેદી મૌન સેવી રહી છે.