મોનસૂન 2020 / ગોતા, રાણીપ, બોડકદેવમાં 1 કલાકમાં જ 3 ઈંચ સુધી વરસાદ, SG હાઈવે પર 2 કલાક સુધી જામ

મોનસૂન 2020 / ગોતા, રાણીપ, બોડકદેવમાં 1 કલાકમાં જ 3 ઈંચ સુધી વરસાદ, SG હાઈવે પર 2 કલાક સુધી જામ

8થી વધુ જગ્યાએ પાણી ભરાયાં, અખબારનગર અંડરપાસ બંધ કરવો પડ્યો, 10 ઝાડ તૂટી પડ્યાં

અમદાવાદ. સોમવારે શહેરમાં બપોરે 3 પછી વાતાવરણ એકદમ પલટાયું અને ભારે વરસાદ તૂટી પડ્યો હતો. લગભગ એક કલાકમાં ગોતા, રાણીપ, બોડકદેવમાં 3 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. શહેરમાં સરેરાશ દોઢ ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો. આ સિઝનમાં અત્યાર સુધી અમદાવાદમાં સરેરાશ 3 ઈંચ સુધી વરસાદ થઈ ગયો છે. 132 ફૂટ રિંગ રોડ પર તો પાણી ભરાવાને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એસજી હાઈવે પર પાણી ભરાતા એક સાઈડનો રોડ બંધ થઈ ગયો હતો. બીજી બાજુ બધા વાહનો સામસામે આવી જતાં લગભગ 2 કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. શહેરમાં 8થી વધુ સ્થળે પાણી ભરાયા હતા. હેલ્મેટ સર્કલ પાસે મેટ્રો બ્રિજની નીચે ઢીંચણ સુધીનું પાણી ભરાતા વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને સંખ્યાબંધ પાણીમાં બંધ પડી ગયા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 વૃક્ષ ધરાશાયી થયા હતા. પાણી ભરાવાને કારણે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ અમદાવાદની નીચાણવાળી કેટલીક સોસાયટીઓમાં પણ ઢીંચણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. 
વાસણા બેરેજના દરવાજા 2 ફૂટ ખોલી 3722 ક્યુસેક પાણી છોડાયું
અચાનક પડેલા ભારે વરસાદથી નદીમાં વધુ પાણી એકત્ર ન થાય અને સ્થિતિ વણસે નહીં તે માટે વાસણા બેરેજના દરવાજા 2 ફૂટ ખોલીને 3722 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું હતું. નીચાણવાળા ગામોને ડાઉન સાયરનથી એલર્ટ કરવામાં આવ્યા હતા. નારણપુરામાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ પાસે આસોપાલવ ફ્લેટમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 
ગોમતીપુરમાં ઝાડ પડતાં 13 વર્ષના બાળકને માથામાં 10 ટાંકા
ગોમતીપુરના સુથારવાડામાં સોમવારે સાંજે ભારે પવનને કારણે એક મોટા ઝાડની ડાળ પડતાં 13 વર્ષના બાળકના માથામાં ગંભીર ઇજા થઇ હતી. કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું કે, વારંવારની રજૂઆત બાદ પણ ઝાડના ટ્રિમિંગની કામગીરી નહીં થતાં આ સ્થિતિ ઊભી થઇ છે.
વિસ્તાર મુજબ આટલો વરસાદ
વિસ્તાર- વરસાદ

ગોતા- 74.0 મી.મી
રાણીપ- 69.0 મી.મી
બોડકદેવ- 66.5 મી.મી
કોતરપુર- 65.5 મી.મી
ચાંદખેડા- 59.0 મી.મી
દૂધેશ્વર- 50.5 મી.મી
ઉસ્માનપુરા- 44.5 મી.મી
ટાગોર હોલ- 20.5 મી.મી
ઓઢવ- 11.5 મી.મી

ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ
ઉત્તર પશ્ચિમ- 70.25 મી.મી
પશ્ચિમ- 48.26 મી.મી
મધ્ય3- 1.75 મી.મી
ઉત્તર- 43.83 મી.મી
દક્ષિણ- 13.75 મી.મી
પૂર્વ- 7.34 મી.મી

વાળીનાથ ચોક: ભારે વરસાદને કારણે 132 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ફસાયેલા વાહન આગળ ન જઈ શકતાં પાછળ લાંબી લાઈન લાગી હતી. 

132 ફૂટ રિંગ રોડ: રોડ પર પાણી ભરાતા લોકો ટૂ-વ્હીલર પરથી પડી ગયા હતા.

અખબારનગર: લગભગ એક કલાકથી વધુ સમય ચાલેલા વરસાદને કારણે અખબારનગર અંડરપાસ ભરાઈ જતાં તકેદારીના પગલાં તરીકે બંધ કરાયો હતો.