અનામત માત્ર કાયદો, મૂળભૂત અધિકાર નથી : સુપ્રીમ

અનામત માત્ર કાયદો, મૂળભૂત અધિકાર નથી : સુપ્રીમ

। નવી દિલ્હી ।

તામિલનાડુની મેડિકલ કોલેજોમાં ઓબીસી ઉમેદવારો માટેના ક્વોટા પર અરજીઓનો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, અનામત માત્ર કાયદો છે, મૂળભૂત અધિકાર નથી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, કોઈ ભારતીય નાગરિક અનામતને મૂળભૂત અધિકાર હોવાનો દાવો કરી શકે નહીં. જો કોઈ નાગરિકને અનામતનો લાભ આપવામાં ન આવે તો તેના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થાય છે તેમ ગણી શકાય નહીં. તામિલનાડુની મેડિકલ કોલેજોમાં ઓબીસી વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત નહીં રાખીને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરાતું હોવાનો દાવો કરતી અરજીઓની સુનાવણી કરતાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવે જણાવ્યું હતું કે, અનામત મૂળભૂત અધિકાર નથી.

સીપીઆઇ, ડીએમકે દ્વારા ૨૦૨૦-૨૧માં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમો માટે ઓલ ઇન્ડિયા ક્વોટામાં તામિલનાડુ દ્વારા સરન્ડર કરાયેલી બેઠકોમાં ૫૦ ટકા ઓબીસી અનામતની માગ કરતી પિટિશન દાખલ કરાઈ હતી. અરજકર્તાઓએ જણાવ્યું હતું કે, તામિલનાડુમાં ઓબીસી અનામત ૫૦ ટકા થવા જાય છે. તેથી તામિલનાડુ દ્વારા સરન્ડર કરાયેલી બેઠકોમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ સમયે ઓબીસી ઉમેદવારોને ૫૦ ટકા અનામતનો લાભ મળવો જોઈએ. ઓબીસી ઉમેદવારોને અનામત અંતર્ગત પ્રવેશનો ઇનકાર તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. તેથી NEET અંતર્ગતના કાઉન્સેલિંગ પર મનાઇહુકમ આપવામાં આવે.

અનામત મૂળભૂત અધિકાર નથી તેથી આર્ટિકલ ૩૨ અંતર્ગત અરજી કરી શકાય નહીં : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, અનામતના લાભ મૂળભૂત અધિકાર નથી ત્યારે આર્ટિકલ ૩૨ અંતર્ગત કરાયેલી અરજી કેવી રીતે ટકી શકે? કોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય ત્યારે જ આર્ટિકલ ૩૨ અંતર્ગત પડકાર આપી શકાય. તામિલનાડુની વિવિધ રાજકીય પાર્ટીઓએ સાથે મળીને આ મુદ્દો ઉઠાવ્યો તેને સુપ્રીમ કોર્ટ બિરદાવે છે પરંતુ તે આ અરજી ધ્યાન પર લઈ શકે તેમ નથી. અરજકર્તાઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તામિલનાડુ સરકાર દ્વારા અનામતના મુદ્દે થઈ રહેલું કાયદાનું ઉલ્લંઘન આ અરજીઓનો આધાર છે. સુપ્રીમ કોર્ટે અરજકર્તાઓને જણાવ્યું હતું કે, આ માટે અરજકર્તાઓ મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અરજકર્તાઓને તેમની અરજીઓ પાછી ખેંચી કોઈપણ રાહત માટે મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવા પરવાનગી આપી હતી. જેના પગલે તામિલનાડુની પાર્ટીઓએ સુપ્રીમમાંથી અરજીઓ પાછી ખેંચી લીધી હતી. જોકે અરજકર્તાઓની દલીલોની સુપ્રીમ કોર્ટ પર કોઈ અસર થઈ નહોતી.

NEET પસાર કરનારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને મેડિકલમાં અનામત : તામિલનાડુ

તામિલનાડુના મુખ્યમંત્રી ઔઇ. કે. પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંકસમયમાં NEETપસાર કરનાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે જસ્ટિસ પી કલૈયારાસન પંચ દ્વારા કરાયેલી ભલામણોના આધારે મેડિકલ કોલેજોમાં અનામતની જાહેરાત કરશે. સરકારી શાળાના વિદ્યાર્થીઓને મેડિકલમાં શા માટે પ્રવેશ મળતો નથી તેની સમીક્ષા કરવા કલૈયારાસન પંચની નિયુક્તિ કરાઈ હતી.