ચોમાસાનો પ્રારંભ, અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ચોમાસાનો પ્રારંભ, અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતમાં મેઘરાજાની સત્તાવાર ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે ચાર વાગ્યે પવન અને વીજળી કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો કેટલાંક વિસ્તારોમાં ઝાડ પડી ગયા છે. તેની સાથે જ રાજ્યમાં સત્તાવાર ચોમસાનું આગમાન થઇ ગયું. હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ 14મી જૂનના રોજ સમયસર ચોમાસું બેસી ગયું. સોશિયલ મીડિયામાં અમદાવાદ વરસાદના વીડિયો પણ વાયરલ થયા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેમકો, નરોડા, દૂધેશ્વર, શાહીબાગ, સરદારનગર, કોતરપુર, ઉસ્માનપુરા, રાણીપ, રખિયાલ, વાડજ, આશ્રમ રોડ વિસ્તારવિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા, નારોલ, રામોલ બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, ગોતા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ સહિત તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 23 અને 24 નંબરના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા છે. મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આગામી 3 દિવસની ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં 14 થી 16 જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસી શકે છે.