ભારત જ નહીં એશિયાનાં 23 દેશો સાથે ચીનનો જમીનનો ઝગડો, ડ્રેગનનો 43% જમીન પર ગેરકાયદે કબજો

ભારત જ નહીં એશિયાનાં 23 દેશો સાથે ચીનનો જમીનનો ઝગડો, ડ્રેગનનો 43% જમીન પર ગેરકાયદે કબજો

લા ટ્રોબે યુનિવર્સિટીના એશિયા સિક્યુરિટી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો

નવી દિલ્હી, 20 જુન 2020 શનિવાર

ચીને જે રીતે અક્સાઇ ચીન પર કબજો જમાવ્યો અને હવે તે પૂર્વી લદ્દાખમાં ગલવાન ખીણ પર કબજો મેળવવા માટે  નિરર્થક રીતે પ્રયાસ કરી રહ્યું છે તે નવી વાત નથી. ભારત જ નહીં, તે લગભગ બે ડઝન દેશોની જમીનો પર કબજે કરવા માંગે છે.

ચીનની સરહદ 14 દેશો સાથે સંકળાયેલી છે, તે ઓછામાં ઓછા 23 દેશોની જમીન અથવા સમુદ્ર સરહદો પર દાવો કરે છે. લા ટ્રોબે યુનિવર્સિટીના એશિયા સિક્યુરિટી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.

ચીન અત્યાર સુધીમાં અન્ય દેશોની 41 લાખ ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી ચુક્યું છે, જે હાલના ચીનનાં 43% જેટલો ભાગ છે. એટલે કે, તેની વિસ્તારવાદી નીતિને કારણે ડ્રેગન છેલ્લા 6-7 દાયકામાં તેનું કદ લગભગ બમણું કરી ચૂક્યું છે અને તેની જમીનની ભુખ હજી સમી નથી.

1949 માં સામ્યવાદી શાસનની સ્થાપના પછીથી ચીને જમીન પચાવી પાડવાની નીતિ શરૂ કરી હતી. 2013 માં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સત્તા પર આવ્યા ત્યારથી, ચીને ભારતની સરહદે મોરચાબંધી બનાવી દીધી હતી.

પરંતુ, પહેલીવાર તેને આટલા સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલો તેના કેટલાક ગેરકાયદેસર કબજા પર એક નજર કરીએ.

1.ઇસ્ટ તુર્કીસ્તાન

16.55 લાખ ચોરસ કિ.મી.નો જમીન વિસ્તાર. 1934માં પ્રથમ હુમલા પછી , ચીને 1949 સુધીમાં પૂર્વ તુર્કિસ્તાન પર કબજો કર્યો હતો. 45% વસ્તી ધરાવતા ઉઇગુર મુસ્લિમોના આ ક્ષેત્ર પર ચીન દમન કરી રહ્યું છે.

2. તિબેટ

07 ઓક્ટોબર 1950 ના રોજ 12.3 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા આ સુંદર પ્રાકૃતિક દેશ પર ચીને કબજો કર્યો હતો. 80% બૌદ્ધ વસ્તી ધરાવતા તિબેટ પર હુમલો કરીને તેણે ભારત સુધી તેનો વિસ્તાર વધાર્યો. આ ઉપરાંત તેમને અહીં પુષ્કળ ખનીજ, સિંધુ, બ્રહ્મપુત્રા, મેકોંગ જેવી નદીઓનો સ્ત્રોત મળી ગયો.

3. ઇનર મોંગોલિયા

11.83 લાખ ચોરસ કિલોમીટરના ભુભાગ ધરાવતાં ઇનર મોંગોલિયા પર ચીને ઓક્ટોબર 1945માં કબજો જમાવી દીધો, 13 ટકા વસ્તી ધરાવતાં મોગલોની આઝાદીની માંગને ખરાબ રીતે કચડી નાખવામાં આવી, અહીં વિશ્વનો 25 ટકા કોલસા ભંડાર છે.અને તેની વસ્તી 30 કરોડ છે.

4. ભારત

ચીને ભારતનો 38 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કર્યો છે. તે અક્સાઇ ચીનના 14,380 ચોરસ કિલોમીટરને આવરે છે.પાકિસ્તાને 5180 ચોરસ કિલોમીટરનો POKનો વિસ્તાર પણ ચીનને આપી દીધો.

5 રશિયા સાથે પણ સરહદી વિવાદ

રશિયાથી 52 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તાર પર 1969 માં ચીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, રશિયાએ ધુળ ચટાવી દીધી.

6 પૂર્વ ચીનનો સમુદ્ર

જાપાન સાથે પણ સંઘર્ષ. ચીનની નજર 81 હજાર ચોરસ કિલોમીટરના આઠ ટાપુઓ પર છે. 2013માં ચીને એર બોર્ડર ઝોન બનાવ્યા ત્યારથી આ વિવાદ વધી ગયો હતો.

7 દક્ષિણ ચાઇના સમુદ્ર

આ વિસ્તારનાં 7 દેશો તાઇવાન, બ્રુનેઇ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ, સિંગાપોર સાથે પણ તંગદીલી છે, 35.5 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં દક્ષિણ ચીન સમુદ્રનાં 90% વિસ્તાર પર ચીન દાવો ધરાવે છે. ચીને પાર્સલે, સ્પાર્ટલે ટાપુ પર કબજો કર્યો  અને સૈન્ય મથકો બનાવ્યા. અહીંથી 33% એટલે કે 3.37 લાખ કરોડનાં વાર્ષિક વૈશ્વિક વેપાર, 77 અબજ ડોલરનો તેલ ભંડાર તથા 266લાખ કરોડ ક્યુબિક ફિટ ગેસનો અનામત ભંડાર છે.

ચીનની મુશ્કેલી

ચીનનો દાવો છે કે ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ સંકટમાં છે, 40 ટકા યોજનો પર ખરાબ પ્રભાવ પડ્યો છે, 20 ટકા પ્રોજેક્ટ બંધ થવાનાં આરે છે, 3.7 લાખ કરોડનાં આ પ્રોજેક્ટ સાથે 100 દેશ જોડાયેલા હતા.