ન્યુયોર્કમાં ફટાકડાથી પરેશાન લોકોએ મેયરના ઘર બહાર રાતભર હોર્ન વગાડ્યા, સવારે નવા નિયમ બની ગયા

ન્યુયોર્કમાં ફટાકડાથી પરેશાન લોકોએ મેયરના ઘર બહાર રાતભર હોર્ન વગાડ્યા, સવારે નવા નિયમ બની ગયા

આતશબાજીથી ત્રસ્ત ન્યુયોર્કના લોકોએ અનોખો રસ્તો કાઢ્યો

ન્યુયોર્ક. અમેરિકાનાં ઘણાં શહેરોના લોકો આખી રાત જુદી-જુદી જગ્યાએ થતી આતશબાજીથી પરેશાન છે. હાલત એ છે કે તેઓ સૂઇ નથી શકતા. સૌથી વધુ પરેશાની ન્યુયોર્ક સિટીમાં છે. ગેરકાયદે ફટાકડા પર પ્રતિબંધ છતાં અહીં બહુ જ આતશબાજી થઇ રહી છે. કેલિફોર્નિયા, બ્રુકલિન, બાલ્ટીમોર અને ઓકલેન્ડમાં પણ આ જ હાલત છે. ફરિયાદો છતાં કોઇ નિવેડો ન આવતાં ન્યુયોર્કના લોકોએ શહેરના મેયર બિલ ડી બ્લાસિયોના ઘરની બહાર આખી રાત હોર્ન વગાડ્યા. 

લોકોએ પોતાની તકલીફો તેમની સાથે શૅર કરતા કહ્યું કે અમે શાંતિથી નથી સૂઇ શકતા તો તમને પણ નહીં સૂવા દઇએ. ત્યાર બાદ મેયરે સવાર થતાં જ કડક નિર્ણયો લીધા. તેમણે 42 જણાની ટાસ્ક ફોર્સ બનાવી, જેમાં 10 પોલીસ અધિકારી, 12 ફાયર માર્શલ અને 20 ઇન્વેસ્ટિગેટર્સ સામેલ છે. આ ટીમ તપાસ ઉપરાંત સ્ટિંગ ઓપરેશનો પણ કરીને એ શોધી કાઢશે કે પ્રતિબંધ છતાં ગેરકાયદે ફટાકડા ક્યાંથી આવે છે, કોણ તેનો વેપાર કરે છે અને સપ્લાયની પદ્ધતિ શું છે? ત્યાર બાદ કસૂરવારો સામે 
કડક કાર્યવાહી કરાશે.

ઇમરજન્સી નંબર પર 1 મહિનામાં 12,500થી વધુ ફરિયાદો થઇ
લોકો એટલા પરેશાન છે કે એકલા ન્યુયોર્ક સિટીમાં ઇમરજન્સી નંબર પર 1 મહિનામાં 12,500થી વધુ ફરિયાદો નોંધાઇ છે, જે ગત વર્ષે જૂન સુધીમાં થયેલી ફરિયાદોથી 12 ગણી છે. બ્રુકલિનમાં તો જૂનમાં જ અત્યાર સુધીમાં 4,500થી વધુ ફરિયાદો થઇ ચૂકી છે.