સોનાએ તોડી દીધા તમામ રેકોર્ડ, 51 હજારની ઓલ ટાઈમ હાઈ સપાટીએ

સોનાએ તોડી દીધા તમામ રેકોર્ડ, 51 હજારની ઓલ ટાઈમ હાઈ સપાટીએ

હાલ કોરોનાની મહામારી વચ્ચે સોનાનાં ભાવે ઈતિહાસ રચી દીધો છે. ઈન્ટરનેશનલ લેવલે આવેલી તેજી અને રૂપિયો નબળો પડતાં સોનામાં ભારે તેજી જોવા મળી રહી છે. તેવામાં આજે સોનું ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. અમદાવાદમાં આજે સોનું 51 હજારની સપાટી નજીક પહોંચી ગયું છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 50,000 રૂપિયાને વટાવીને રૂ. 50,900એ પહોંચ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ રોકાણના સ્વર્ગની માંગ, કોરોનાના વધી રહેલા કેસની ચિંતામાં વધી રહ્યા છે તેના ટેકે ભારતમાં ભાવ આજે નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. ભારતમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા ભાવમાં વધારે તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. અમદાવાદ માર્કેટમાં 900 રૂપિયાના ઉછાળા સાથે સોનું 51,000 રૂપિયાની નવી સપાટી નજીક બંધ રહ્યું હતું. અમદાવાદ સોના ચાંદી બજારમાં દિવસ દરમિયાનના કારોબાર બાદ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ રહ્યું હતું. આમ સોનામાં પાછલા બંધ ભાવની તુલનાએ 900 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

આ ઉપરાંત ચાંદીમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદી ચોરસા 50,500 રૂપિયા અને ચાંદી રુપું 50,300 રૂપિયા પ્રતિ એક કિલોના ભાવે બંધ રહી હતી. જેમાં પાછલા બંધ ભાવથી એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો હતો. આ સાથે હોલમાર્ક દાગીનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 49,880 રૂપિયા રહ્યો હતો. દિલ્હી બજારમાં સોના-ચાંદીનો ભાવ દિલ્હી સરાફા બજારમાં બુધવારે 99.9 સોનાની કિંમત 49,898 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી વધીને 49,126 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યું હતું. જ્યાંરે પ્રતિ કિલો ચાંદીની કિંમત 50,520 રૂપિયાથી ઘટીને 50,822 રૂપિયા થઈ હતી.