યુટિલિટી ડેસ્ક: કેન્દ્ર સરકાર દેશમાં થિયેટરની સંખ્યા વધારવા ઈચ્છે છે અને આ માટે સરકાર નાના ગામમાં સિંગલ સ્ક્રીન સિનેમાઘર ખોલનારને આર્થિક સહાય કરશે. આર્થિક સર્વેક્ષણ અનુસાર, 2018માં દેશભરમાં કુલ 9601 સિનેમા સ્ક્રીન સંચાલિત થઇ રહી હતી. આ સ્કીમનો હેતુ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સીંગ સ્ક્રીનવાળા થિયેટર બનાવનારા લોકોને આર્થિક મદદ કરવાનો છે.
ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી અનુસાર, દેશમાં થિયેટરની સંખ્યા વધારવાના હેતુથી ચેમ્પિયન સર્વિસિઝ સેક્ટર્સ સ્કીમની દૃશ્ય-શ્રાવ્ય સેવાઓ નામની ઉપ સ્કીમ અંતર્ગત સિનેમાઘરોની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકારો/ સંઘ રાજ્ય ક્ષેત્રો માટે પ્રોત્સાહન સ્કીમ શરૂ કરવામાં આવશે.
આ સ્કીમનો ઉદ્દેશ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સીંગલ સ્ક્રીનવાળા થિયેટર બનાવનારા લોકોને આર્થિક મદદ કરવાનો રહેશે. મંત્રાલયનું કહેવું છે કે, આર્થિક મદદ લોકને સિનેમાઘર સ્થાપિત કરવામાં ઘણી મદદરૂપ થશે.
ટિકિટ પરના જીએસટીમાં ઘટાડો
મંત્રાલયે કહ્યું કે, દેશમાં સિનેમા લવર્સની સંખ્યા વધારવા માટે ટિકિટો પર જીએસટીના દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ સિનેમા ટિકિટ પર બે પ્રકારે જીએસટી લગાવવામાં આવે છે. 100 રૂપિયા અથવા તેનાથી ઓછા ભાવની કિંમતની ટિકિટ પર 12% અને 100 રૂપિયાથી વધુ કિંમતની ટિકિટ પર 18% જીએસટી લગાવવામાં આવે છે.