રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઉઠતા શહેર ટ્રાફિક શાખા ખાતે ઓટોરિક્ષા યુનિયનની મીટિંગ યોજાઈ
કોરોના વાયરસના વધતા કેસોના કારણે AMC દ્વારા શહેરમાં ATMS અને BRTS બસોને બંધ કરવામાં આવી છે. પરિણામે રોજના નોકરી-ધંધા તથા અન્ય કામો માટે બસનો ઉપયોગ કરતા લોકોને રિક્ષામાં જવાની ફરજ પડી હતી. બીજી તરફ રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એવામાં અમદાવાદ શહેર ટ્રાફિક શાખા ખાતે 20 માર્ચના રોજ શહેરના વિવિધ ઓટોરિક્ષા યુનિયનની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં ઓટોરિક્ષા ડ્રાઈવર યુનિયનની સર્વ સંમતિથી સંયુક્ત નિર્ણય પ્રમાણે પ્રવર્તમાન કોરોનાલક્ષી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી અમુક ઓટોરિક્ષા ચાલકો કાયદાથી વધુ રિક્ષાભાડું ઉઘરાવે છે તો તે કાયદાકીય અને અનૈતિક દ્રષ્ટિએ ખોટું અને અયોગ્ય છે તેવી ચર્ચા કરાઈ હતી.
વધુ ભાડૂ વસૂલનારા રિક્ષાચાલક સામે થશે કાર્યવાહી
આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જો રિક્ષાચાલક કાયદેસરના ભાડાના નિયમોનો ભંગ કરશે તો તે ગુનેગાર રિક્ષા ડ્રાઈવર સામે કડક પગલાં ભરવામાં આવશે. તથા આ પ્રકારના અનૈતિક કામ કરનાર રિક્ષા ચાલકને કોઈ પણ ટેકો આપશે નહીં તથા આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ કરનાર રિક્ષા ચાલક કોઈ નાગરિક/પેસેન્જરોના ધ્યાનમાં આવે તો ટ્રાફિક હેલ્પ લાઈન નંબર 1095 પર જાણ કરવા વિનંતી છે.
રિક્ષા ચાલક યુનિયનો પણ પેસેન્જરોના સમર્થનમાં
આ ઉપરાંત તમામ રિક્ષા ચાલકો સંપૂર્ણ રીતે સમાજ અને નીતિ-નિયમોને ટેકો આપે છે પણ અમુક ખોટા લોકોને કારણે રિક્ષા ચાલક યુનિયનોએ પોતાના સભ્યો અને સમર્થકોને આ બાબતે શિક્ષીત કરવા માટે અપીલ કરી છે. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ચૂંટણી બાદથી જ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. એવામાં લોકોની ભીડા રાત્રિના સમયે જમા ન થાય તે માટે કર્ફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યું છે.
શનિવારે અમદાવાદમાં 400થી વધુ કેસ
શનિવારે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ 401 કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીના મૃત્યુ નીપજ્યા હતા. 270 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. શુક્રવારે શહેરમાં 335 કેસની સરખામણીએ શનિવારે એક જ દિવસમાં 20 ટકાની ગતિએ કેસ વધ્યા હતા. કોર્પોરેશનની ચૂંટણી અને મેચના કારણે શહેરમાં કોરોનાના વિકાસ થયો છે. હજુ પણ શહેરમાં 866 એક્ટિવ કેસ છે.
( Source – Divyabhaskar )