- ગત 2015ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 576 માંથી ભાજપને કુલ 385 બેઠકો અને કોંગ્રેસને માત્ર 183 બેઠકો મળી હતી
- 2014થી ભાજપના ચાણક્ય શાહની કોર ટીમમાં રહેલા પાટીલે ગુજરાતમાં પણ સપાટો બોલાવી દીધો
ગુજરાત ભાજપના પ્રમુખ પદે મોદી અને શાહના ખાસ અને સંગઠનના માહેર સી.આર.પાટીલની નિમણૂંકના માત્ર 6 મહિનામાં યોજાયેલી 8 વિધાનસભાની પેટાચૂંટણીઓ અને 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો હતો. શાહની નજીક ગણાતા સી.આર.પાટીલ 2014થી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની ચૂંટણીઓમાં રણનિતીકાર તરીકે કામ કરી રહ્યાં હતાં. દેશના અન્ય રાજ્યોમાં ભાજપના વિજય પાછળ ભાજપના ચાણક્ય અમિત શાહની કોર ટીમમા પાટીલ સતત સક્રિય રહ્યાં હતાં. ત્યાર બાદ તેમને ગુજરાત ભાજપના પ્રમુખ બનાવતાં જ વિવિધ ચૂંટણીઓમાં અને સંગઠનના નિર્ણયોમાં છોટે ચાણક્ય જેવી નીતિ અપનાવી ભાજપને ટોચ પર પહોંચાડી રહ્યા્ં છે.
ભાજપ 500 બેઠકની નજીક પહોંચ્યું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે કુલ 500 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ આ ટાર્ગેટ પુરો થવામાં માત્ર 11 બેઠકો જ બાકી રહી ગઈ હતી.હવે આ પરિણામના આધારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાનો ઇતિહાસ રચવાની વ્યૂહરચના ગોઠવાશે. 2015ની ચૂંટણીમાં રાજ્યની છ મહાનગર પાલિકામાં ભાજપને 576 માંથી 385 બેઠકો મળી હતી, જયારે કૉંગ્રેસ ને 183 બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસે શહેરી વિસ્તારમાં અત્યંત કંગાળ દેખાવ કર્યો છે. તેમજ આમ આદમી પાર્ટીએ સુરતમાં થોડો સારો દેખાવ કર્યો છે. જેથી હવે આગામી વિધાનસભાની ફાઈનલમાં ભાજપ કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા માટે હવે કટિબદ્ધ થઈ ગયો છે.

વિધાનસભામાં 150 બેઠકો મેળવવાનો ભાજપનો ટાર્ગેટ
સ્થાનિક ચૂંટણીના પરિણામો પરથી વિધાનસભાની 2022ની ચૂંટણીનું ભાવિ નક્કી થશે તેવું પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું છે. હાલમાં રાજ્યની છ મહાનગર પાલિકાઓ ભાજપના કબજામાં આવી ગઈ છે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેનો ટારગેટ પૂર્ણ કરી શકશે. આ વખતે પાર્ટીનું મિશન 150 પ્લસનું એટલા માટે છે કે માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસે ગુજરાતની 182 પૈકી 149 બેઠકો કબજે કરી હતી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ટાર્ગેટ 150 પ્લસ બેઠકોનો રહ્યો છે.
2015માં ભાજપને ગ્રામ્ય વિસ્તારમાં ઓછા મત મળ્યા હતાં
ગુજરાતમાં 2015માં યોજાયેલી ચૂંટણીના પરિણામ જોઈએ તો તે સમયે નરેન્દ્ર મોદીનો કરિશ્મા હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના શાસનમાં નબળા પરિણામ સામે આવ્યા હતા.ખાસ કરીને ગામડાના મતદારોએ ભાજપને જાકારો આપ્યો હતો. 2015ની સ્થાનિક ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી ઉંચી આવી હતી, જ્યારે શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ બહેતર રહ્યો હતો. ભાજપ માટે ગ્રામ્ય વિસ્તારના મતદારો ખતરાની ઘંટી છે. હાલમાં શહેરી વિસ્તારના પરિણામોમાં કોંગ્રેસ સાવ ફેંકાઈ ગઈ છે. ત્યારે વિધાનસભાની ફાઈનલમાં 150 બેઠકો મેળવવાનો ભાજપનો ટાર્ગેટ પુરો કરવાની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.

મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20 ટકાનું અંતર હતું
રાજ્ય ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 2015 રાજ્યના છ મહાનગરોમાં મોટાભાગના મતદારોએ ભાજપની તરફેણમાં મતો આપ્યા હતા. નગરપાલિકામાં ભાજપને દત ચૂંટણીમાં 44.69 ટકા અને કોંગ્રેસને 39.59 ટકા મતો મળ્યા હતા. જ્યારે મહાનગરમાં ભાજપને મળેલા મતોની ટકાવારી 50.13 હતી. ત્યારે કોંગ્રેસનો વાવટો 41.12 ટકામાં સમેટાઇ ગયો હતો. 2010માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ હતી ત્યારે મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20 ટકાનું અંતર હતું.

આભાર ગુજરાત! મોદીએ એકપછી એક 3 પોસ્ટ કરી
રાજ્યભરની મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ રીતે બતાવે છે કે જનતાને વિકાસની રાજનીતિ તથા સારા શાસન પ્રત્યે અતૂટ વિશ્વાસ છે. ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ કરવા બદલ રાજ્યની જનતાનો આભાર. હંમેશાં ગુજરાતની સેવા કરવાનું ગૌરવ છે. ભાજપ ગુજરાતના તમામ કાર્યકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરું છું. કાર્યકર્તાઓ જનતા સુધી પહોંચ્યા અને પાર્ટીનું વિઝન સવિસ્તાર સમજાવ્યું. ગુજરાત સરકારની લોક તરફી નીતિઓએ સમ્રગ રાજ્યને હકારાત્મક અસર કરી છે. આજની જીત આખા ગુજરાત માટે ખાસ છે. આ અસાધારણ જીતને રેકોર્ડ કરવા માટે છેલ્લાં બે દાયકાથી રાજ્યની સેવા કરતી પાર્ટી માટે આ નોંધપાત્ર છે. સમાજના તમામ વર્ગ અને તેમાંય ખાસ કરીને ગુજરાતના યુવાનોનું ભાજપ તરફી વ્યાપક સમર્થન જોઈને આનંદ થયો.
( Source – Divyabhaskar )