જીવલેણ મહામારી સામે ‘કોરોના કવચ’ સાબિત થશે આ વીમા પોલિસી! સરકારી બેંકે કરી લોન્ચ
કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં રોગચાળાથી સંક્રમિત દર્દીઓનો આંકડો 17 લાખને પાર 17,50,723 એ પહોંચ્યો છે. જ્યારે કોરોનાની ઝપટમાં આવવાથી અત્યાર સુધીમાં 37,364 દર્દીના મોત થયા છે. આ રોગચાળાના ફેલાવ બાદ લોકો હવે પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેવા માટે વધુ રસ દાખવી રહ્યા છે.
એવી ગંભીર પરિસ્થિતિઓમાં IRDAIએ ઇન્શ્યોરન્સ કંપનીઓને શોર્ટ-ટર્મ કોવિડ સ્પેસિફિક હેલ્થ પ્લાન રજૂ કરવા માટે મજબૂર કરી છે. જે COVID-19ની સારવાર સંબંધિત હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ખર્ચને કવર કરી શકે. આને ધ્યાનમાં રાખીને હવે જાહેર ક્ષેત્રની કેનરા બેંકે કોરોના કવચ વીમા પોલિસી(Corona Kavach Insurance policy) ના વેચાણ માટે 3 વીમા કંપનીઓ સાથે સમજૂતી કરી છે. આ વીમા પોલિસી કોવિડ19થી જોડાયેલ સ્વાસ્થ્ય ખર્ચાઓ પર વીમા સુરક્ષા પ્રદાન કરશે.
3 ઇન્શ્યોરન્સ કપંનીઓ સાથે કર્યો કરાર:
મીડિયા રિપોર્ટ મુજબ કેનરા બેંકે ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ(New India Assurance Company ltd), બજાજ આલિયાંજ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ(Bajaj Allianz General Insurance Co. ltd) અને HDFC અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ(HDFC ERGO Health Insurance Co. ltd) સાથે સમજૂતી કરી છે.
મિનિમમ 300 રૂપિયાથી શરૂ થશે પ્રીમિયમ:
રિપોર્ટ પ્રમાણે બેંકે જણાવ્યું કે આ વીમા પોલિસી માટે ન્યૂનતમ 300 રૂપિયાથી પ્રીમિયમ શરૂ થશે. બેંક સાથે સમજૂતી કરનારી વીમા કંપનીઓ ‘કોરોના કવચ’ નામથી આ વીમા સ્વાસ્થ્ય પોલિસીની રજૂઆત કરશે. આ પોલિસી હેઠળ શખ્સ ન્યૂનતમ 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો વીમો કરાવી શકશે. આ વ્યક્તિગત અથવા પરિવાર માટે પણ ખરીદી શકાશે.
