ફાઈઝર વેક્સિન લીધા પછી રિએક્શનના બે કેસ આવતા બ્રિટને લોકોને ચેતવ્યા, કહ્યું- ગંભીર એલર્જી હોય તો વેક્સિન લેવાનું ટાળો
બ્રિટનમાં ફાઈઝરની વેક્સિન લીધા પછી બે વ્યક્તિને એલર્જિક રિએક્શન આવ્યું હતું અને તેઓને સારવારની જરૂર પડી હતી. આથી બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે ચેતવણી આપી હતી કે કોઈ પણ એવી વ્યક્તિ કે જે નોંધપાત્ર પ્રમાણમાં એલર્જીક રિએક્શન્સનો પૃષ્ઠભૂમિ ધરાવે છે તેમણે અત્યારના સમયે Pfizer-BioNTech લેવાનું ટાળવું જોઈએ. સરકાર હસ્તકની નેશનલ હેલ્થ સર્વિસના બે સભ્યોને વેક્સિન આપવામાં આવ્યા બાદ કેટલીક એલર્જીક રિએક્શનથી પિડાતા તથા સારવારની જરૂર પડતા સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે.

UAEમાં ચાલી રહેલા ટ્રાયલમાં ચીનની વેક્સિન 86% ઈફેક્ટિવ રહી, મોરક્કોમાં 80% વૃદ્ધોને તેનો ડોઝ અપાશે
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ બુધવારે કહ્યું કે પોતાને ત્યાં ચાલી રહેલા ટ્રાયલમાં ચીનની વેક્સિનની ઈફેક્ટિવનેસ 86 ટકા આવી છે. આ દાવો ટ્રાયલના શરૂઆતી ડેટાના આધારે કરવામાં આવ્યો છે. UAEના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ પ્રિવેન્શને કહ્યું છે કે આ વેક્સિન ચીન સરકારના નિંયંત્રણ હેઠળ કામ કરતી કંપની સાઈનોફર્મ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં આ વેક્સિન 86 ટકા સુધી અસરકારક સાબિત થઈ છે.
UAEના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ સહિત અનેક મંત્રી અને હસ્તિઓએ સાઈનોફર્મની વેક્સિન લગાવી ચુક્યા છે. હવે એ બાબત સ્પષ્ટ નથી કે UAE પોતાને ત્યાં મોટાપાયે વેક્સિનેશન શરૂ કરશે કે નહીં.સરકાર સપ્ટેમ્બરમાં જ ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વેક્સિનના ઈમર્જન્સી યુઝને મંજૂરી આપી ચુકી છે. મોરક્કોએ પણ કહ્યું છે કે તે પોતાને ત્યાં 80 ટકા વૃદ્ધોને આ વેક્સિન આપવા તૈયારી કરી રહ્યું છે.
વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.87 કરોડને પાર પહોંચી ગયો છે. 4 કરોડ 76 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 15 લાખ 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. બ્રિટનના સાયન્સ ચીફે કહ્યું છે કે ભલે દેશમાં વેક્સિન આવી ગઈ હોય, પરંતુ આગામી ઠંડીની સીઝનમાં પણ બ્રિટનના લોકોએ માસ્ક પહેરવું પડી શકે છે. ઈટાલી અને જર્મનીમાં સંક્રમણ હાલ પણ કાબૂમાં આવ્યું નથી. ઈટાલીમાં તો મૃત્યુનો આંકડો 60 હજારને વટાવી ગયો છે.
એનએચએસ ઈંગ્લેન્ડ મેડિકલ ડિરેક્ટર સ્ટેફન પોવિસે જણાવ્યું હતું કે રિએક્શનનો ઈતિહાસ ધરાવતી બન્ને વ્યક્તિમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. સ્વતંત્ર મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ નિયમનકારી એજન્સી (MHRA)એ હવે લોકોને એવી સલાહ આપી રહી છે કે એલર્જીક રિએક્શનનો નોંધપાત્ર ઈતિહાસ ધરાવતા લોકોએ સાવચેતીના ભાગરૂપે આ વેક્સિન લેવી જોઈએ નહીં.
એલર્ટ રહે બ્રિટનના લોકો
બ્રિટન સરકારના ચીફ સાયન્સ એડવાઈઝર પેટ્રિક વાલેન્સે દેશના લોકોને બેદરકારીથી બચવાની સલાહ આપી છે. ધ ટેલિગ્રાફ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં પેટ્રિકે કહ્યું- એ વાત સાચી છે કે આપણો દેશ વેક્સિન લગાવનારો પ્રથમ દેશ બની ગયો છે. આ ખૂબ મોટી સફળતા છે. જોકે એનો અર્થ એ નથી કે આપણે બેદરકાર થઈ જઈએ. મારું માનવું છે કે આપણે અગામી ઠંડીમાં પણ માસ્ક પહેરવું પડી શકે છે અને એના માટે તૈયાર રહેવું જોઈએ. વેક્સિનની સાથે જો લોકો સાવધાની રાખશે તો એ તેમના માટે સારું રહેશે. તેની સાથે જ પ્રતિબંધ લાગુ રહેશે, કારણ કે એનો કોઈ વિકલ્પ નથી.

ઈટાલીમાં પણ સ્થિતિ બગડી
યુરોપના વધુ એક દેશ ઈટાલીમાં પણ સ્થિતિ સુધરી નથી. મંગળવારે મૃત્યુ પામનારાઓનો આંકડો 60 હજારથી વધુ થઈ ગયો. મંગળવારે અહીં એક જ દિવસમાં 564 લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન લગભગ 19 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં સોમવારે 21 હજાર કેસ પ્રકાશમાં આવ્યા હતા. કોરોનાનાં મૃત્યુના મામલામાં ઈટાલી વિશ્વમાં હાલ છઠ્ઠા સ્થાને છે.

ટ્રમ્પના વકીલની સ્થિતિ સારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી ગિઉલાની સંક્રમણ પછી હવે સ્વસ્થ છે અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. 76 વર્ષના રૂડી ન્યૂયોર્કના મેયર પણ રહી ચૂક્યા છે.
જર્મની પ્રતિબંધ સખત કરશે
ફ્રાન્સમાં લોકડાઉનને મળેલી સફળતા પછી જર્મન સરકારે આ મામલામાં પોતાનું વલણ બદલ્યું છે. જર્મનની હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે રાતે કહ્યું હતું કે હાલ જે સ્થિતિ છે એને ગંભીરતાથી લેવી પડશે. અમારી પાસે હવે પ્રતિબંધોને સખત કરવા સિવાય વિકલ્પ નથી. દેશમાં ઝડપથી તમામ સ્કૂલોને બંધ કરવામાં આવી શકે છે. આ સિવાય બિનજરૂરી દુકાનો બંધ પણ કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર ફરી લોકડાઉન પણ જાહેર કરી શકે છે.
વેક્સિનેશનને અનિવાર્ય ન કરો
WHOએ કહ્યું છે કે કોવિડ-19 વેક્સિનને અનિવાર્ય કે મેન્ડેટરી ન કરવી જોઈએ. સંગઠને કહ્યું છે કે એનો ઉપયોગ મેરિટના આધારે કરવામાં આવે. અનિવાર્ય કરવાથી કોઈ ફાયદો નથી. જેને એની જરૂર છે તેને જરૂર આપવી જોઈએ. હવે અમારે એ જોવું પડશે કે દેશ આ વેક્સિનનો ઉપયોગ કઈ રીતે કરે છે. બીજી તરફ યુએનની હેલ્થ એજન્સીએ એને મેન્ડેટરી કરવાનું કહ્યું છે.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ
દેશ | સંક્રમિત | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 1,55,91,596 | 2,93,398 | 90,87,057 |
ભારત | 97,35,975 | 1,41,398 | 92,14,806 |
બ્રાઝિલ | 66,75,915 | 1,78,184 | 58,54,709 |
રશિયા | 25,15,009 | 44,159 | 19,81,526 |
ફ્રાન્સ | 23,09,621 | 56,352 | 1,71,868 |
ઈટાલી | 17,57,394 | 61,240 | 9,58,629 |
યુકે | 17,50,241 | 62,033 | ઉપલબ્ધ નથી |
સ્પેન | 17,15,700 | 46,646 | ઉપલબ્ધ નથી |
આર્જેન્ટીના | 14,69,919 | 40,009 | 13,05,587 |
કોલંબિયા | 13,84,610 | 38,158 | 12,78,326 |
(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)