ગાડીમાં ફેન્સી કે VIP નંબર પ્લેટનો શોખ હોય ચેતજો! ટેક્સ ઝીંકવાની તૈયારીમાં સરકાર

ગાડીમાં ફેન્સી કે VIP નંબર પ્લેટનો શોખ હોય ચેતજો! ટેક્સ ઝીંકવાની તૈયારીમાં સરકાર

તમે ખાસ નંબર અથવા ફેન્સી નંબર પ્લેટવાળા વાહન જોયા હશે. જો તમને પણ ફેન્સી નંબર લેવાનો શોખ છે તો હવે સરકાર તમારા પસંદના નંબર લગાવવા માટે 18 થી 28% GST વસૂલ કરી શકે છે.  20 ઓક્ટોબરે GST પર યોજનારી મંત્રીઓની બેઠકમાં આવી લગભગ 100 વસ્તુઓમાં GSTના રેટની સમીક્ષા થઈ શકે છે. સુત્રો અનુસાર આ બેઠકમાં VIP નંબર પ્લેટ પર GST લગાવવા પર ચર્ચા થઈ શકે છે. આ સૂચન ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

ફેન્સી નંબર પ્લેટ લગાવવા પર GST વસૂલવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં નાણા મંત્રાલયને પૂછવામાં આવ્યું છે કે શું ફેન્સી નંબરને લક્ઝરી વસ્તુઓની શ્રેણીમાં રાખી શકાય કે કેમ? આ સાથે પ્રસ્તાવમાં 28%ના ઊંચા દરે GST વસૂલવાની પણ વાત કરવામાં આવી છે. ફિલ્ડ ફોર્મેશન્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સને પત્ર લખીને સ્પષ્ટતા કરવા કહેવામાં આવ્યું હતું કે દેશમાં ફેન્સી નંબર પ્લેટ પર GST ચૂકવવાપાત્ર છે કે નહીં, આ બાબતે ફિલ્ડ ફોર્મેશન્સનું માનવું છે કે ફેન્સી નંબર પ્લેટ એ એક લક્ઝરી વસ્તુ છે. આ કારણે તેના પર  28% GST લાગુ થવો જોઈએ.

ફિલ્ડ ફોર્મેશન એ તમામ રાજ્યમાં આવતી કેન્દ્ર સરકારની એક ઓફિસ છે. જે ટેક્સ એકત્રિત કરવાનું અને ટેક્સ સંબંધિત નિયમોને લાગુ કરવા કરવાનું કામ કરે છે. જો આ પ્રસ્તાવ સરકાર સ્વીકારી લેશે તો ફેન્સી નંબર મેળવવા માટે હવે વધુ નાણા ખર્ચવા પડશે. વાહનોને નંબર પ્લેટ આપવાનું કામ રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, રાજ્ય સરકાર પોતે ફેન્સી નંબર આપવા માટે હરાજી કરે છે, જેના માટે વધારાના ચાર્જ ચૂકવવા પડે છે અને લોકો ફેન્સી નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે.