SBIની નકલી બેન્ક શરૂ કરી અનેકના ખાતા ખોલી લાખોની છેતરપિંડી

SBIની નકલી બેન્ક શરૂ કરી અનેકના ખાતા ખોલી લાખોની છેતરપિંડી

છત્તીસગઢમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નકલી બ્રાંચ ખોલીને અનેક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. એસબીઆઈ જેવું જ નવું ફર્નિચર, કેશ કાઉન્ટર અને તેના જેવા જ પેપરવર્ક સાથે ગામડાના લોકોને બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ નકલી બેંકના કર્મચારીઓને પણ છેતરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમને અસલી એસબીઆઈમાં કાયમી નોકરી મળી છે. આ મામલામાં પોલીસે છ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. 

ગામના એક વ્યક્તિએ એસબીઆઈ કિઓસ્ક માટે અરજીકરતા એસબીઆઈના અધિકારીઓ સાવચેત થયા હતા. મેનેજરો નવી બ્રાંચનો કોઈ કોડ કે અન્ય માહિતી ન શોધી શકતા પોલીસને જાણ કરવામાં આવી હતી. કૌભાંડનો ઉદ્દેશ કોરબા, બાલોદ, કબીરધામ અને શક્તિ સહિતના જિલ્લાઓના બેરોજગાર વ્યક્તિઓને ટારગેટ કરવાનો હતો. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય સુત્રધારે માત્ર નકલી દસ્તાવેજો અને નકલી ટાઈટલ જ નહીં પરંતુ, બેંકના તમામ કર્મચારીઓને બેંકમાં કાયમી નોકરી લાગી છે કહીને ટ્રેનિંગ આપી હતી. તેમની પાસેથી પણ નોકરીના બદલામાં ફી તરીકે રૂપિયા ૨-૬ લાખ પડાવવામાં આવ્યા હતા. એક કર્મચારીએ જણાવ્યું કે, તેની પાસે રૂ. ૫ લાખની માંગ કરવામાં આવી હતી. છેવટે તેણે રૂ. ૨.૫ લાખ આપીને નોકરી સ્વીકારી હતી.