મફત રાશનની લાલચમાં ફસાતા નહીં, તમારા ડૉક્યુમેન્ટનો ઉપયોગ કરી આ રીતે થાય છે છેતરપિંડી
સરકાર છેલ્લા ઘણા સમયથી ગરીબોને મફત રાશન આપી રહી છે. સરકારનો દાવો છે કે લગભગ 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જો કે, હવે કેટલાક છેતરપિંડી કરનારાઓ પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
ઉત્તરાખંડનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઠગ ટોળકી લોકોના દસ્તાવેજો ભેગા કરીને તેનો નવા સિમ કાર્ડ ખરીદવામાં ઉપયોગ કરતી હતી. આ તમામ નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરીને લોકો સાથે સાયબર છેતરપિંડી કરવામાં આવતી હતી. તાજેતરમાં આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.
ગૃહ મંત્રાલય અને ઉત્તરાખંડ પોલીસે મળીને આ આખી ગેંગનો ભાંડો ફોડ્યો છે. આ સિમ કાર્ડ ફ્રોડ દ્વારા 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આથી એવું કહી શકાય કે આ છેતરપિંડીનો ભોગ હજારો લોકો બન્યા છે. આ નવા પ્રકારના ફ્રોડમાં સિમ કાર્ડ ખરીદવાની પદ્ધતિ પણ ઘણી રસપ્રદ છે.
નવું સિમ કાર્ડ ખરીદવા માટે આઇડી અથવા ફોટોગ્રાફની જરૂર પડે છે. તેમજ એક વ્યક્તિના આધાર કાર્ડ પર કુલ 9 સિમ ખરીદી શકાય છે. આથી આ ઠગનો ધંધો ધીમો ન પડે તે માટે ઠગ લોકોના ઘરે જઈને સરકારી યોજનાઓના નામે તેમની પાસેથી આઇડી કાર્ડ લેવા લાગ્યા. આ માટે લોકોને કહેવામાં આવ્યું કે તેમને મફત રાશન આપવામાં આવશે, જેના લોભમાં તેમના આધાર કાર્ડ અને ફોટો પણ લેવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લોકોના બાયોમેટ્રિક્સ પણ લેવામાં આવ્યા હતા.
સિમ કાર્ડ ખરીદ્યા પછી તેને એક્ટિવ કરાવવામાં આવતા અને ત્યારબાદ તેની બોલી લગાવવામાં આવતી. ચીનથી મલેશિયા સુધીના સાયબર ઠગ આ સિમની ખરીદી કરતા.
પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ સિમ કાર્ડ વિદેશ મોકલવામાં આવ્યા છે. જેના બદલામાં આ ગેંગના લોકોએ લાખો રૂપિયા છાપી લીધા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી ઘણા સિમ કાર્ડ, બાયોમેટ્રિક ઉપકરણો અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.