પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ LIVE:ઈમરાને કહ્યું- ભારત એક ખુદ્દાર દેશ, આજે દુનિયામાં તેમના પાસપોર્ટની વેલ્યૂ; આપણે પૈસા માટે આમતેમ ભટકી રહ્યાં છીએ

પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ LIVE:ઈમરાને કહ્યું- ભારત એક ખુદ્દાર દેશ, આજે દુનિયામાં તેમના પાસપોર્ટની વેલ્યૂ; આપણે પૈસા માટે આમતેમ ભટકી રહ્યાં છીએ

પાકિસ્તાનના લોકોને ગુરુવારે 40 મિનિટ સુધી સંબોધિત કર્યા બાદ ઈમરાન ખાને આજે પાકિસ્તાની મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતને ખુદ્દાર દેશ ગણાવ્યો છે. આ સાથે જ તેમને પાકિસ્તાનની વિદેશ નીતિ પર કટાક્ષ કરતા કહ્યું- જ્યાં સુધી રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોર ચાલતું રહ્યું ભારત સંપૂર્ણ રીતે કોઈની સાઈડ લીધી ન હતી. આજે હિન્દુસ્તાનની ફોરેન પોલિસીના કારણે દુનિયાભરમાં તેમના પાસપોર્ટનું માન છે. જ્યારે તમે ખુદ્દાર છો ત્યારે લોકો તમારું સન્માન કરે છે.

ઈમરાને આગળ કહ્યું- પાકિસ્તાન પૈસા માટે કોઈની પણ સાઈડ લેતું રહ્યું છે. આજે આપણાં એટલે કે પાકિસ્તાનના પાસપોર્ટની કોઈ જ વેલ્યૂ નથી. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો આઝાદ વિદેશ નીતિ ઈચ્છતા હતા, પરંતુ ત્યારના મીર ઝાફર અને મીર સાદિકે વિદેશી લોકોની સાથે મળીને તેમને મારી નખાવ્યા.

તાલિબાન વિરૂદ્ધ પાકિસ્તાનના યુદ્ધને લઈને ઈમરાને શું કહ્યું
જ્યારે તાલિબાન રશિયા વિરૂદ્ધ લડી રહ્યું હતું ત્યારે આપણે કહી રહ્યાં હતા વિદેશી કબજા સામે લડાઈ કરવી જિહાદ છે. હવે અમેરિકા અફઘાનિસ્તાન પહોંચ્યો તો આપણે કહેવા લાગ્યા કે તેઓ આતંકીઓ વિરૂદ્ધ લડાઈ લડી રહ્યાં છે. આવા નિવેદન પછી દેશની શું ઔકાત રહી જાય. દુનિયા આપણને અપમાનિત કર્યા.

પાકિસ્તાન રાજકારણના અન્ય મોટા અપડેટ્સ
મંત્રી ફવાદ ચૌધરીના જણાવ્યા મુજબ, સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે ઈમરાનને મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, જે બાદ તેમની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
આજે વિપક્ષ પોતાની રણનીતિ પર ફરીથી ચર્ચા કરશે. ઝરદારીના ઘરે શહબાઝ શરીફ અને મૌલાના રહેમાન સહિતના નેતાઓ એકઠાં થશે.
ઈમરાન પંજાબ પ્રાંતમાં પરવેઝ ઈલાહીને મુખ્યમંત્રી બનાવવાનો દાંવ નિષ્ફળ ગયો છે. ઈમરાનની પાર્ટીના ધારાસભ્ય આ વાતથી નારાજ છે કે કઈ રીતે 5 સીટવાળી પાર્ટીના નેતાને સૌથી મહત્વના પ્રાંતમાં CM પદ આપી શકાય, જ્યારે 158વાળી પાર્ટી તેમને સમર્થન આપી રહી છે.

ચર્ચા અને વોટિંગ ક્યારે
આ પહેલા પાકિસ્તાની સંસદમાં ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ન થઈ શકી. હવે 3 એપ્રિલે પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ થઈ શકે છે. જો કે સ્પીકર તેમાં કોઈ અડચણ ઊભી પણ કરી શકે ચે. જો એવું થયું તો વિપક્ષ સુપ્રિમ કોર્ટ જશે અને પછી મામલો ટળી શકે છે. ઈમરાન સરકાર પણ એવું જ ઈચ્છે છે કે કોઈ પણ રીતે વોટિંગ ટળી જાય, કેમકે તેમને કારમી હારનો સામનો કરવો પડી શકે છે.વિપક્ષ પણ સરકારની રણનીતિ સમજે છે, તેથી તેઓ વોટિંગ પર જોર આપી રહ્યાં છે.

ઈમરાનનું દેશને સંબોધન
ગુરુવાર રાત્રે ઈમરાને નક્કી કરેલા સમયથી લગભગ એક કલાક બાદ પોતાના દેશવાસીઓને સંબોધન કરવા આવ્યા. જેમાં અડધો સમય ધર્મની વાતોમાં કાઢી. બે વખત ભારત અને એક વખત આપણાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કર્યો. અમેરિકાનું એક વખત સ્પષ્ટ નામ ઉચ્ચાર્યું અને બાદમાં સુધારો કરતા પણ જોવા મળ્યા. તેમને સીક્રેટ લેટર પર ઘણો ભાર આપ્યો જે કથિત રીતે અમેરિકાએ મોકલ્યો છે. વિપક્ષના ત્રણ મોટા નેતાઓ શહબાઝ શરીફ, આસિફ અલી ઝરદારી અને મૌલાના ફઝલ-ઉર-રહમાનને ત્રણ ઉંદર ગણાવ્યા.

કાઠમાંડૂમાં મોદીને છુપાઈ છુપાઈને મળતા હતા નવાઝ
ગુરુવારની સ્પીચમાં ઈમરાને એક ભારતીય પત્રકારના પુસ્તકનો ઉલ્લેખ કરીને કહ્યું- નવાઝ શરીફ કાઠમાંડૂમાં મોદીને છુપાઈ છુપાઈને મળતા હતા. જનરલ રાહિલ શરીફને મોદીએ આતંકી ગણાવ્યા હતા. તેમ છતાં મોદી અહીં શરીફના ઘરમાં લગ્નમાં આવે છે. મેં ભારતનો ક્યારેય વિરોધ નથી કર્યો પરંતુ જ્યારે તેઓએ કાશ્મીરમાં ફેરફાર કર્યા તો દરેક પ્રસંગે અને દરેક પ્લેટફોર્મ પર તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો.

ઈમરાને ખોલ્યો લેટરનો સીક્રેટ
ઈમરાને કહ્યું કે સીક્રેટ લેટરમાં લખ્યું હતું કે ઈમરાન જતો રહેશે તો અમે પાકિસ્તાનને માફ કરી દઈશું. પરંતુ આ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો તો અમે પાકિસ્તાનને જોઈ લઈશું. આ ઓફિશિયલ લેટર છે. આ 22 કરોડ લોકોના દેશને ડરાવવાનું ષડયંત્ર છે.

( Source - Divyabhaskar )