ગોધરા કાંડની 20મી વરસી:20 વર્ષથી કોર્ટ કસ્ટડીમાં રહેલો સામાન લેવા કોઇ આવ્યું જ નહીં; આજે પણ તેના માલિકની રાહ જુએ છે!

ગોધરા કાંડની 20મી વરસી:20 વર્ષથી કોર્ટ કસ્ટડીમાં રહેલો સામાન લેવા કોઇ આવ્યું જ નહીં; આજે પણ તેના માલિકની રાહ જુએ છે!

 
 • સાબરમતી ટ્રેનમાં અફરાતફરીના માહોલમાં મુસાફરો સામાન છોડી જીવ બચાવીને ભાગ્યા હતા
 • ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ગોઝારી ઘટના એટલે કે ગોધરા ટ્રેન હત્યાકાંડને શનિવારે 20 વર્ષ પૂર્ણ થયા છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર બનેલી સાબરમતી ટ્રેન હત્યાકાંડને લઈને સૌં કોઈ પરિચિત છે જ પરંતુ આ ઘટનાને લઈને એવી પણ વિગતો છે જેના પર હજુ સુધી કોઈનું ધ્યાન ગયું જ નથી. ગુજરાતી કહેવત પ્રમાણે કહીએ તો સાપ જતો રહ્યો પણ લીસોટા રહી ગયા. સાબરમતી ટ્રેન હત્યાકાંડને લઈને અનેક રાજકીય બિન રાજકીય વાતો અનેક વખત વીતેલા વર્ષોમાં સામે આવતી રહી છે.

  આ ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા ઇસમો સામે પણ ન્યાય પાલિકા દ્વારા સજાનું પણ ફરમાન કરવામાં આવ્યું. આ ટ્રેન હત્યાકાંડ બાદ ગુજરાતભરમાં થયેલા તોફાનોને લઈને પણ અનેક વાતો સમયાંતરે સામે આવી.પરંતુ એક વાત જે હજુ સુધી સામે નથી આવી તે વાત એ છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી ટ્રેનમાં બનેલી ઘટના બાદ આ ટ્રેનમાં અફરાતફરીના માહોલમાં ટ્રેનમાં રહેલા મુસાફરો પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા .તેઓ પોતાનો સામાન ટ્રેનમાં રહી ગયો હતો.રેલવે પોલીસે ટ્રેન નો સામાન કબ્જે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ નો કેસ કોર્ટ ચાલી ગયો અને તેઓને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પણ 20 વર્ષ પહેલાં ટ્રેનમાંથી જીવ બચાવવા ભાગેલા મુસાફરોનો સામાન પણ હજુ કોર્ટ કસ્ટડીમાં રખાયો છે.

  ઘટના બન્યા બાદ ટ્રેનના ડબ્બાઓમાંથી મુસાફરોના વાસણો, કપડાં, ગાદલા અને ઓઢવાના ચોરસા કબજે કર્યા હતાં. રેલ્વે દ્વારા આ ઘટના બાદ સમગ્ર મામલો ન્યાયપાલિકા આધીન હોઇ તેને કોર્ટમાં મુદ્દમાલ તરીકે રાખવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા આજે પણ આ સર સમાનને ગોધરા સ્ટેશન ખાતે સંપૂર્ણ જવાબદારી સાથે સાચવવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા આ સામાનને સૌથી જૂના દાગીનાના ક્રમાંક LPO/LOT.NO.47 DT:20-03-2002 થી સાચવવામાં આવી રહ્યો છે. આ ઘટનાને વર્ષો વીત્યા બાદ પણ હજુ પણ આ સામાનના માલિક અંગેની ઓળખ વણઉકેલાયેલી છે.

  S-6 ડબ્બો હજુ ગોધરા રેલ યાર્ડમાં જ છે
  વર્ષ 2002ના 27 ફ્રેબ્રુઆરીએ સાબરમતી ટ્રેનના S-6ને તોફાની તત્વોએ સળગાવી દીધો હતો. તે એસ 6 ડબ્બાને કોર્ટ કસ્ટડીમાં લીધો હતો. એ ડબ્બો હાલ પણ ગોધરાના રેલવે યાર્ડમાં પોલીસ બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. ડબ્બાની આસપાસની સફાઈ કરવામાં આવે છે. આ ડબ્બો આવતી જતી ટ્રેનમાંથી મુસાફરો આજે પણ જોઇ શકે છે.

  ગોધરામાં વિશ્વહિંદુ પરિષદ દ્વારા સુંદરકાંડનું અાયોજન
  ગોધરા ખાતે વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસમાં આયોધ્યાથી કારસેવા કરી પરત ફરી રહેલા કારસેવકો પર નિંદનીય ઘટના બની હતી. જેમાં 59 કારસેવકોને જીવતા સળગાવી દેવાયા હતા. આ વર્ષે પણ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 20મી વરસી નિમિત્તે શ્રી સ્વામીનારયણ શીખરબદ્ધ મંદિર, વૃતાલય વિહારમ્ આનંદનગર પાસે રાત્રે 9 કલાકે પ.પૂ.અશ્વિનભાઇ પાઠકના કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું.

  સામાન કોર્ટ કસ્ટડીમાં છે, બીજી કંઇ જાણ નથી
  ગોધરા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરના જણાવ્યા અનુસાર ઘટના બાદ ટ્રેનના મુસાફરોનો સામાન કોર્ટે પોતાની કસ્ટડીમાં રાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે એના સિવાય બીજું હું કશું જાણતો નથી.