આતંકવાદીઓને બચાવવા હાઇકોર્ટ જશે જમિયત:મદનીનો હુંકાર; અક્ષરધામ મંદિરના દોષિતોની જેમ જ અમદાવાદ વિસ્ફોટ કેસના દોષિતોને પણ છોડાવીશું

આતંકવાદીઓને બચાવવા હાઇકોર્ટ જશે જમિયત:મદનીનો હુંકાર; અક્ષરધામ મંદિરના દોષિતોની જેમ જ અમદાવાદ વિસ્ફોટ કેસના દોષિતોને પણ છોડાવીશું

મદનીએ કહ્યું- જમિયત ઉલમા-એ-હિંદે કાયદાકીય લડાઈ લડી અત્યારસુધીમાં એકપણ આરોપીને ફાંસી થવા દીધી નથી

જમિયત ઉલેમા-એ-હિંદનો અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અમદાવાદ બોમ્બવિસ્ફોટ કેસમાં કોર્ટે આપેલા ચુકાદાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટનો આ ચુકાદો અવિશ્વાસથી ભરેલો છે. મૌલાના અરશદ મદનીએ 38 દોષિતને મોતની સજા અને 11 દોષિતને આજીવન કારાવાસની સજા અંગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમે આ સજા સામે હાઈકોર્ટમાં જઈશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખીશું.

દેશના દિગ્ગજ વકીલો દોષિતોને ફાંસીથી બચાવવા માટે ખૂબ જ મજબૂતીથી કાયદાકીય લડાઈ લડીશું. તેણે કહ્યું હતું અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે. અગાઉ પણ અનેક કેસોમાં નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કે સુપ્રીમકોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને તેમને છોડી મૂકવામાં આવેલા છે.

મોલાનાએ કહ્યું- ગુજરાત પોલીસની કોર્ટે ઝાટકણી કાઢેલી
મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે આ અંગે અક્ષરધામ મંદિર હુમલા કેસનું એક મોટું ઉદાહરણ આપણી પાસે છે જ. એમાં નીચલી કોર્ટે મુફ્તી અબ્દુલ કય્યુમ સહિત 3 લોકોને ફાંસીની સજા આપેલી. 4 વ્યક્તિને આજીવન કારાવાસની સજા આપી હતી. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો, પણ જ્યારે આ કેસ સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો અને ત્યાં વાતને રજૂ કરવામાં આવી તો કોર્ટે તમામ લોકોને નિર્દોષ છોડી દીધા હતા. સુપ્રીમકોર્ટે નિર્દોષ લોકોને ખોટી રીતે બોમ્બવિસ્ફોટમાં ફસાવવાના ષડયંત્ર કરવા બદલ ગુજરાત પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી.

જમિયત ઉલમા-એ-હિંદે ​​​​​​ એકપણ આરોપીને ફાંસી થવા દીધી નથી
મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે બોમ્બવિસ્ફોટ જેવા મોટા ભાગના ગંભીર કેસોમાં નીચલી કોર્ટો કઠોર ચુકાદા આપે છે. આરોપીને હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાંથી હંમેશાં રાહત મળે છે. અમને આશા છે કે આ કેસમાં પણ આરોપીઓને રાહત મળશે. તેણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમે સુપ્રીમકોર્ટમાં જઈશું. આ અગાઉના કેસોનો ઉલ્લેખ કરતાં મૌલાના મદનીએ કહ્યું હતું કે અગાઉ જે 11 આરોપીને નીચલી કોર્ટો અને હાઈકોર્ટ દ્વારા મોતની સજા આપવામાં આવી હતી.

ત્યાર બાદ જમિયત ઉલમા-એ-હિંદે સુપ્રીમકોર્ટમાં કેસ લડ્યા અને એકપણ આરોપીને ફાંસી થવા દીધી નથી. તેણે કહ્યું કે અગાઉ અક્ષરધામ મંદિર અમદાવાદ કેસમાં નીચલી કોર્ટે 3 લોકોને મોતની સજા આપી હતી. અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર હુમલા કેસમાં 7 લોકોને મોતની સજા અને 1 આરોપીને મુંબઈ સત્ર કોર્ટે મોતની સજા આપી હતી. જમિયત ઉલમા-એ-હિંદના પ્રયત્નોથી 7 આરોપી સન્માનપૂર્વક છૂટી ગયા હતા.

આ ઉપરાંત 2 વ્યક્તિની સજાને 7 વર્ષની કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે મને આશા છે કે આ વખતે પણ અમદાવાદ વિસ્ફોટ કેસમાં આરોપીઓને સુપ્રીમકોર્ટથી ફાંસી તથા આજીવનકેદની સજાથી બચાવવા તથા મુક્ત થવામાં સફળતા મળશે.