રાષ્ટ્રપતિ બાઈડેનની ડેમોક્રેટ પાર્ટીવાળાં રાજ્યોમાં કડક નિયમ લાગુ થતા અબજો ડોલરની ગન ઈન્ડસ્ટ્રી ટ્રમ્પ સમર્થિત રાજ્યોમાં શિફ્ટ થવા લાગી

રાષ્ટ્રપતિ બાઈડેનની ડેમોક્રેટ પાર્ટીવાળાં રાજ્યોમાં કડક નિયમ લાગુ થતા અબજો ડોલરની ગન ઈન્ડસ્ટ્રી ટ્રમ્પ સમર્થિત રાજ્યોમાં શિફ્ટ થવા લાગી

અમેરિકામાં બંદૂક પર પ્રતિબંધ માટે રાજ્યોમાં પ્રયાસ શરૂ પણ કંપનીઓને પસંદ ન આવ્યા

 

અમેરિકાની ગન ઈન્ડસ્ટ્રીમાં હાલના દિવસોમાં હડકંપ મચી ગયો છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટીવાળાં રાજ્યોમાં કડક કાયદો લાગુ થવાથી ટોચની બંદૂક નિર્માતા કંપનીઓ તેનું કામકાજ સમેટી અન્ય રાજ્યોમાં શિફ્ટ થઈ રહી છે. તે હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના શાસન હેઠળનાં રાજ્યોમાં ઠેકાણું બનાવી રહી છે.

આ ઈન્ડસ્ટ્રી તેની સાથે અબજો ડૉલરની મહેસૂલી આવક તથા હજારો નોકરીઓ પણ લઈ જઈ રહી છે. ઈન્ડસ્ટ્રી આવતી જોઈ રિપબ્લિકન શાસિત રાજ્યોએ ગન ઈન્ડસ્ટ્રીને છૂટ આપવાની શરૂઆત કરી દીધી છે.

ખરેખર અનેક ડેમોક્રેટિક રાજ્યોએ કડક બંદૂક નિયંત્રણ કાયદા પસાર કર્યા છે. તેનાથી આ રાજ્યોમાં બંદૂકોનું વેચાણ ગેરકાયદે જાહેર કરાયું છે. ગન ઈન્ડસ્ટ્રીના બીજાં રાજ્યોમાં સ્થળાંતરથી એ સ્પષ્ટ છે કે આ લૉબી કેટલી મજબૂત છે કેમ કે અમેરિકામાં બંદૂકોનું વેચાણ ઐતિહાસિક ઉચ્ચતમ સ્તરે યથાવત્ છે.

અમેરિકામાં 2020માં 2.3 કરોડ બંદૂકો વેચાઈ જે 2019ની તુલનાએ 70 ટકા વધુ છે. નિષ્ણાતો કહે છે કે 2021માં આ આંકડો બમણો થઈ શકે છે. સૌથી આકરા નિયમ ન્યુયોર્ક સિટી અને રાજ્યએ લાગુ કર્યા છે. નવા કાયદા મુજબ લોકો હવે બંદૂક લઈને ઘરેથી નીકળી નહીં શકે. કોઈ પણ વ્યક્તિ જાહેરમાં બંદૂક લઈ નહીં ફરી શકે.

અસૉલ્ટ રાઈફલ્સના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. હવે ત્યાં 21 વર્ષથી વધુ વયના લોકો કે અમેરિકી નાગરિક જ બંદૂક ખરીદી શકશે. એલિયન રજિસ્ટ્રેશન કાર્ડધારક લોકો જ બંદૂક ખરીદી શકશે. આ રીતે ન્યુયોર્ક સિટીનું ગન લાઈસન્સ બીજા શહેરમાં વાપરી નહીં શકાય. બીજી બાજુ ટેક્સાસ જેવા રાજ્યમાં ગન ખરીદવા માટે પરમિટની જરૂર નથી.

ગન પ્રતિબંધ નિયમથી કંપનીઓની આવક 60% ઘટી
ન્યુયોર્કની 205 વર્ષ જૂની ગન કંપની રેમિંગ્ટન એટલાન્ટા જ્યોર્જિયા શિફ્ટ થઈ રહી છે. તે ત્યાં 10 કરોડ ડૉલરનું રોકાણ કરશે. 1852માં સ્થાપિત ગન કંપની સ્મિથ એન્ડ વેસને મેસાચ્યુસેટ્સ છોડી ટેનેસી જવાનો નિર્ણય કર્યો છે. મેસાચ્યુસેટ્સમાં નવા નિયમ લાગુ થયા બાદથી તેની મહેસૂલી આવક 60 ટકા સુધી ઘટી ગઇ હતી. અન્ય ગન કંપનીઓ નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, કેન્ટુકી, પેન્સિલ્વેનિયા જઇ રહી છે.

( Source - Divyabhaskar )