અરુણાચલમાં ચીનનો કબજો : 2 વર્ષમાં ભારતીય સરહદના 6 કિલોમીટર અંદર 60 બિલ્ડીંગ બનાવી, સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો થયો

અરુણાચલમાં ચીનનો કબજો : 2 વર્ષમાં ભારતીય સરહદના 6 કિલોમીટર અંદર 60 બિલ્ડીંગ બનાવી, સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો થયો

વિસ્તારવાદી ચીને ફરી ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારો પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે. મીડિયા અહેવાલ મુજબ, નવી સેટેલાઇટ તસવીરોમાં અરુણાચલ પ્રદેશમાં ચીનના વધુ એક એન્ક્લેવની રચનાનો ખુલાસો થયો છે. તેમાં લગભગ 60 ઈમારતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મીડિયાએ અમેરિકન સેટેલાઇટ કંપની મેક્સાર ટેક્નોલોજી દ્વારા જાહેર કરાયેલી તસવીરના આધારે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ મુજબ, 2019 સુધી આ વિસ્તારમાં એક પણ એન્ક્લેવ નહોતું, પરંતુ બે વર્ષ પછી ચીને તેને કબજે કરીને બનાવ્યું. થોડા દિવસો પહેલા પણ અરુણાચલના એક ભાગમાં ચીની સેનાના કબજાની માહિતી સામે આવી હતી. રિપોર્ટ અનુસાર, નવી 60 ઈમારતો જૂની બિલ્ડિંગથી 93 કિમી દૂર છે.

રિપોર્ટ અનુસાર, નવું એન્ક્લેવ ભારતીય સરહદથી 6 કિલોમીટરની અંદર છે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) વચ્ચે છે. ભારતે હંમેશા આ વિસ્તારને ભારતીય ક્ષેત્રમાં હોવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે ચીનના નવા એન્ક્લેવનું લોકેશન ભારત સરકારની ઓનલાઈન મેપ સર્વિસ ભારત મેપ્સ પર પણ જોઈ શકાય છે. તે ભારતના સર્વેયર જનરલની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ભારતીય સેના સાથે આ અંગે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે આ વિસ્તાર LACની ઉત્તરે છે.

ચીને પાડોશી દેશ ભૂતાનની સરહદમાં પણ ઘૂસણખોરી કરી છે. મીડિયા અહેવાલ મુજબ ચીને તેની સરહદે ભૂતાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આટલું જ નહીં ચીને ત્યાં 4 ગામો પણ વસાવી લીધા છે.

ચીનના સૈન્ય વિકાસ પર વૈશ્વિક સંશોધક @detresfaએ સેટેલાઇટ ફોટા દ્વારા આ નવો ખુલાસો કર્યો છે. આ તસવીરોમાં ચીની ગામડાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ જમીનને લઈને ભૂતાન અને ચીન વચ્ચે જૂનો વિવાદ છે. બંને દેશોનો દાવો છે કે આ જમીન તેમની છે.