પાકિસ્તાનમાં પણ ધોનીનો ક્રેઝ:PAK ક્રિકેટરે પોતાના ઘરમાં ધોનીની તસવીર લગાવી, ફોટો વાઇરલ થતા ઈન્ડિયન ફેન્સના દિલ જીત્યા
બાબરે રમીઝ રાજા સાથે વાતચીત દરમિયાન ઈન્ડિયન ટીમને પડકારી હતી
પાકિસ્તાની ક્રિકેટર ફહીમ અશરફે પોતાના ઘરમાં ધોની સાથેની સેલ્ફીની તસવીર મઢાવીને રાખી છે. તેવામાં અત્યારે સોશિયલ મીડિયામાં આ તસવીર વાઇરલ થતા ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઈન્ડિયા સિવાય પાકિસ્તાનમાં પણ અઢળક ફેન્સ છે.
ડિનર પાર્ટી દરમિયાન ફોટો વાઇરલ
પાકિસ્તાની ક્રિકેટર ફહીમ અશરફે પોતાના ઘરે કેટલાક સાથી ક્રિકેટર્સને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં હસન અલી, હેરિસ રાઉફ અને શાદાબ ખાન સહિત અન્ય સાથીઓએ હાજરી આપી હતી. આ પાર્ટી દરમિયાન તેમણે એકબીજા સાથે ઘણા ફોટોઝ પણ ક્લિક કર્યા હતા, જેમાંના એક ફોટોના બેકગ્રાઉન્ડમાં ફહીમ અને ધોનીની તસવીર તેના ઘરે મઢાવીને વોલ પર ટિંગાડેલી જોવા મળી હતી. બસ પછી તો સોશિયલ મીડિયામાં ધોની પ્રત્યેનો આવો પ્રેમ જોઇને ફહીમ રાતો રાત છવાઈ ગયો હતો.
પાકિસ્તાની ટીમનો ઓલરાઉન્ડર છે ફહીમ અશરફ
ફહીમે 2017માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પાકિસ્તાની ટીમનો ઓલરાઉન્ડર છે, અત્યારસુધી ફહીમે 11 ટેસ્ટ, 31 વનડે અને 42 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને તેણે 78 વિકેટ્સ લીધી છે. વળી ફહીમે ટેસ્ટ મેચમાં 594 રન, વનડેમાં 218 રન અને T20માં 259 રન કર્યા છે. (2021 સુધીના આંકડા)
ધોનીના તોલે કોઇ ન આવે
ધોનીની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમ ICC વર્લ્ડ T-20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (2013) પણ જીતી ચૂકી છે. આના સિવાય 2009માં ઈન્ડિયન ટીમ પહેલી વાર ટેસ્ટ ફોર્મેટમાં નંબર.1 પણ ધોનીની કેપ્ટનશિપમાં બની હતી. તેવામાં 15 ઓગસ્ટ 2020એ ધોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ 2008માં કેપ્ટનશિપની જવાબદારી ઉઠાવી હતી. આ સમયે તેની સામે યંગ ઈન્ડિયન ટીમ હતી, તેવામાં ધોનીએ આ પડકારની તકને ઝડપીને ઈન્ડિયન ક્રિકેટને નવી દિશા પ્રદાન કરી હતી.
બાબરે વિરાટ સેનાને પડકારી
ક્રિકેટજગતના એલ ક્લાસિકો એવા ઈન્ડિયા અને પાકિસ્તાન મહાસંગ્રામ પહેલાં જ બંને ટીમ વચ્ચે માહોલ ગરમાયો છે. બંને ટીમ વચ્ચે 24 ઓક્ટોબરે મેચ રમાવાની છે. એવામાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે અત્યારથી જ એવું નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે કે વર્લ્ડ કપમાં તેમની ટીમનું પલડું ભારે હશે. ઈન્ડિયન ટીમ પાકિસ્તાન સામે પ્રેશરમાં હોવાથી અમે સરળતાથી મેચ જીતીને ટૂર્નામેન્ટની શરૂઆત કરીશું. જોકે હજુ આ બંને ટીમ વચ્ચેની મેચમાં ઘણા દિવસો બાકી છે, પરંતુ પાકિસ્તાની કેપ્ટનના આવા નિવેદન બાદ કોહલીની શું પ્રતિક્રિયા હશે એ પણ જોવાજેવી થશે.
બાબરે રમીઝ રાજા સાથે વાતચીત દરમિયાન નિવેદન આપ્યું
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન રમીઝ રાજા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનું પલડું ભારે છે. અમારી સામે મેચ દરમિયાન ઈન્ડિયન ટીમ પ્રેશરમાં હશે. જેના કારણે પાકિસ્તાની ટીમ સરળતાથી દબાણ બનાવીને આ મેચને જીતી લેશે અને ટૂર્નામેન્ટમાં પોતાનો વિજયરથ આગળ વધારશે.
તમને જણાવી દઇએ કે બંને ટીમ વચ્ચે ગ્રુપ સ્ટેજની પહેલી મેચ 24 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે. આ બંને ટીમે 2019 વર્લ્ડ કપ પછી એકપણ મેચ એકબીજા સામે રમી નથી.