સર્વે : અમેરિકામાં વસતા એશિયન્સ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં હોસ્પિટાલિટી બિઝનેસમાં પટેલોનો દબદબો
એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશને (AAHOA) ઓક્સફર્ડ ઇકોનોમિક્સ સાથે મળીને અમેરિકાની હોટેલ ઈન્ડસ્ટ્રીમાં એશિયનોના રોલ અંગે એક અભ્યાસ કર્યો છે. આ સ્ટડી મુજબ અમેરિકામાં જેટલી હોટેલ્સ આવેલી છે તેમાંથી 60% હોટેલ્સની માલિકી એશિયન પાસે છે. AAHOAના 34,260 મેમ્બર્સની હોટેલ્સ માં 31 લાખ રૂમ્સ આવેલા છે. સ્ટડીમાં જણાવ્યા મુજબ અમેરિકામાં વસતા એશિયન્સની હોટેલ અંદાજે 42 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે જેમાંથી 22 લાખ લોકો આ હોટેલ્સમાં ડિરેક્ટલી જોબ કરે છે.
અમેરિકાના આર્થિક વિકાસમાં એશિયન હોટેલિયર્સનું મહત્વનું યોગદાન
AAHOAના ચેરમેન બિરન પટેલે જણાવ્યું હતું કે, અમારા એસોસિએશનના સભ્યોની અમેરિકામાં સ્કેલ, પહોંચ અને આર્થિક અસરનું ચિત્ર આ અભ્યાસમાં સ્પષ્ટ થાય છે. 1989માં એસોસિએશનની સ્થાપના થઈ ત્યારથી AAHOA સભ્યો ઘણા આગળ આવ્યા છે. હોટેલિયર્સનો એક નાનો સમૂહ ભેદભાવ સામે લડવા માટે ભેગો થયો હતો. હોટેલિયરોને તેમનો વ્યવસાય વધારવા અને અમેરિકન ડ્રીમ સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા આજે જાહેર થયેલા પ્રભાવશાળી આંકડાઓમાં પ્રતિબિંબિત થાય છે. અમારા સભ્યોએ જે સિદ્ધ કર્યું છે તેનો અમને ગર્વ છે અને અમેરિકાના હોટેલ માલિકો માટે અગ્રણી સાધન અને હિમાયતી બનવા માટે પ્રતિબદ્ધ છીએ.
AAHOAના ચેરમેન બિરન પટેલ (ફાઇલ ફોટો).
અમેરિકાની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ગુજરતીઓનું પ્રભુત્વ
અમેરિકાની હોટેલ ઈન્ડસ્ટ્રીમાં ભારતીયોનીની હાજરી ઘણા બહોળા પ્રમાણમાં છે અને તેમાંય ગુજરાતીઓ હોસ્પિટાલિટી બિઝનેસમાં મોટા પ્રમાણમાં જોડાયેલા છે. હાઇવે પર આવેલી મૉટેલ હોય કે શહેરની ફાઇવ સ્ટાર રેટિંગ હોટેલની માલિકી તેમજ સંચાલનમાં ગુજરાતીઓ સંકડાયેલા છે. AAHOAના બોર્ડમાં મોટાભાગના સભ્યો મૂળ ગુજરાતનાં છે.
એશિયન સંચાલિત હોટેલ્સમાં દરવર્ષે 35 લાખ લોકો રોકાય છે
આ સ્ટડીમાં જણાવાયું છે કે AAHOAના જેટલા સભ્યો છે તેમની હોટેલમાં દરવર્ષે 35 લાખ લોકો રોકાય છે. એસોસિએશનની સભ્ય હોટેલ્સ દર વર્ષે 214.6 અબજ ડોલર (આજના હિસાબે રૂ. 16 લાખ કરોડ) પગાર, ભથ્થા તેમજ અન્ય વળતર પેટે ચૂકવે છે. હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ડેવલપમેન્ટ, રી-ડેવલપમેન્ટ ઉપર 24 અબજ ડોલર (અંદાજે રૂ. 1.78 લાખ કરોડ) રોકન કરેલું છે.
અમેરિકાની GDPમાં 368.4 અબજ ડોલરનું યોગદાન
બિરન પટેલે જણાવ્યું કે, અમેરિકાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP)માં એશિયાના હોટેલિયર્સનું કંટ્રીબ્યુશન 368.4 અબજ ડોલર (આશરે રૂ. 27.31 લાખ કરોડ)નું છે. એશિયનોની હોટેલ્સ દર વર્ષે 96.8 અબજ ડોલર (રૂ. 7.17 લાખ કરોડ)નો ફેડરલ, સ્ટેટ અને લોકલ ટેક્સ ચૂકવે છે.
AAHOA રોજગારી સર્જનમાં અગ્રેસર
AAHOAના ઇન્ટરીમ પ્રેસિડેન્ટ અને CEO કેન ગ્રીને જણાવ્યું કે, અમેરિકાની સ્થાનિક ઈકોનોમીમાં AAHOAના સભ્યોનું મહત્વનું યોગદાન છે. સભ્ય હોટેલ્સ 11 લાખથી વધુ અમેરિકન્સને રોજગારી પૂરી પડે છે અને તેઓને વાર્ષિક 47 અબજ ડોલર (રૂ. 3.48 લાખ કરોડ)ની આવક મેળવે છે. અમારા સભ્યોની હોટેલ્સમાં રોકાનારા મહેમાનો દરવર્ષે લાખો ડોલર્સ ખર્ચ કરે છે અને તેના કારણે સ્થાનિક ઈકોનોમીને બૂસ્ટ મળે છે.