અમેરિકામાં હેલોવીનની રજા સૌથી જોખમી ?

અમેરિકામાં હેલોવીનની રજા સૌથી જોખમી ?

ગ્લોબલ ટ્રેકર

રજા હોય એટલે આપણે કેવી ખાઇ-પીને મજા કરીએ છીએ. આનંદમાં રજા પૂરી કરીએ, કદાચ, માનવ સ્વભાવ જ એવો છે કે કામ કરતા રહીને રજામાં આનંદ માણી લેવો. અમેરિકનો પણ આપણાથી જુદા નથી. તેઓ પણ રજાઓમાં બસ આનંદ કરીને તાજા-માજા થઇ જતા હોય છે. પરંતુ તેમની આવી રજામાંની એક હેલોવીન આનંદ કરવા માટે મજાની તક ભલે પૂરી પાડે પણ એ રજા જોખમી પણ છે ! અમેરિકામાં સૌથી જોખમી રજા તરીકે એ કૂખ્યાત છે !

ગયા વર્ષે હેલોવીનની રજામાં એક બે નહીં ૪૫૦૦ લોકોને ઇજા થઇ હોવાના યુએસ કન્ઝયુમર પ્રોડક્ટ સેફ્ટી કમીશનનો હેવાલ કહે છે. ખાસ તો કોળુ કોતરવામાં જ મોટા ભાગના લોકો ઇજા પામતા હોય છે ! એ ઉપરાંત પણ કેટલાક કારણો છે, જે બાળકોને ઇજા તથા ક્યારેક મોતનું કારણ પણ બની જાય છે.

કેન્ડી ખાવી પણ જોખમી !

એ ખરું કે અહીં કેન્ડી ખૂબ ખવાય છે, પરંતુ એ કેન્ડી તમારા માટે જોખમી છે. આપણે ત્યાં પણ મેળામાં કેન્ડી ખવાતી હોય છે, પહેલાંના જમાનામાં અને હાલ પણ ગામડાઓમાં બરફની બનેલી કુલ્ફી ખવાતી રહે છે. એમ હેલોવીનમાં પણ કેન્ડીની બોલબાલા હોય છે. પરંતુ એ ખાવામાં પણ જોખમ છે. એ જોખમ પણ આજકાલનું નથી, ૧૯૭૦થી કેન્ડીમાં ડ્રગ્સ કે તેમાં રેઝર બ્લેડ છુપાવીને બાળકોને ઇજા કરાતી રહી છે, એવું એ વખતે ન્યૂયોર્ક ટાઇમ્સે માતા-પિતાઓને ચેતવણી આપી હતી. પરંતુ સોશ્યોલોજીના પ્રોફેસર ડો. જોએલ બેસ્ટ કહે છે કે ૧૯૫૮થી જ આવા બનાવો નોંધાતા રહ્યા છે. મતલબ કે કેન્ડી ખાવી હોય તો પણ જરા ચકાસીને જોઇ લેવું કે ક્યાંક કોઇ લોચો તો નથી ને ? ખરેખર તો કોઇ ઘર બનાવટની લાગે એવી ચીજો ખરીદવી જ ન જોઇએ. કેન્ડી સ્ટોરમાં મળતી હોય એ રીતે પેક કરેલી ન હોય અને સાદી ફોઇલમાં કે તેની લીસી સપાટીમાં કોઇ કરામત કરી હોય એવી હોય તો તે ફેંકી જ દેવી જોઇએસ એવી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ભલામણ કરે છે. બાળકોને કેન્ડી આપતા પહેલાં જ માબાપે એ કેન્ડીમાં કાંઇ ડ્રગ કે બ્લેડ ઘૂસાડયું છે કે કેમ તેની ચકાસણી કરી લેવી જોઇએ. સ્વાભાવિક છે કે હેલોવીનમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય ત્યારે બાળકો મા-બાપની નજર ચૂકવીને આવી કેન્ડી ખાઇ ન લે તેના ઉપર પણ નજર રાખવાની જરુર છે.

કાર ટક્કર મારી જાય એવા પણ બનાવો વધુ

હેલોવીનમાં બીજું સૌથી મોટું જોખમ કારોનું હોય છે. કેનેડામાંની બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટીએ ગયા વર્ષે બહાર પાડેલા અભ્યાસમાં જણાવાયું છે કે હેલોવીન તો બાળકો માટે વર્ષનો સૌથી જોખમી દિવસ છે, એ દિવસે બાળકોને કાર ટક્કર મારી જાય એવા બનાવો ઘણા નોંધાતા હોય છે. ખાસ કરીને સાંજે ૫થી રાત્રે ૧૦ દરમ્યાન બાળકો ઉપર કાર ફરી વળે એવું જોખમ દસ ઘણું વધી જાય છે.સંશોધકો કહે છે કે જ્યાં કાર ન ઘૂમતી ન હોય એવા પડોશના વિસ્તારમાં ઇજાના બનાવો સાવ ઓછા છે. માબાપે સંતાનોને શેરી કઇ રીતે સુરક્ષિત ક્રોસ કરવી એના પાઠ ભણાવવા જોઇએ. અમેરિકન ઓટોમોબાઇલ એસોસીએશનની વેબસાઇટ ઉપર વધારાની ટીપ્સ પ્રકાશિત કરી છે, તે મુજબ બાળકોને લાઇટ કલરના કપડાં પહેરાવવા જોઇએ, જેથી વાહનચાલકો તેને સરળતાથી જોઇ શકે, એવા કપડાં પણ ન હોવા જોઇએ કે જેથી વાહન ચાલકોની આંખ અંજાઇ જાય. સરવાળે માબાપે હેલોવીનમાં સંતાનોને લઇ જતાં ઘણી સાવચેતી રાખવાની જરુર છે.

૪૪ ટકા ઇજા કોળુ કોતરવામાં જ થાય !

જો કે ઇજાના બનાવોમાં ૪૪ ટકા બનાવો જેક ઓ લેન્ટર્ન્સની કોતરણી સબંધિત હોય છે. હેલોવીનમાં કોળાની કોતરણી એ સૌથી જોખમી પ્રવૃત્તિ હોય છે. પબ્લિક અફેર્સ ઓફિસર જોન હોલેવર્થ ઇજાથી કઇ રીતે બચવું એ અંગે ટીપ્સ આપી હતી. કોળું કાપતા હોય ત્યારે ખાસ કાળજી રાખવાની જરુર હોય છે. કોળી ઘણી વખત તો બાળક કરતાં પણ મોટું હોય છે, ત્યારે તેની કોતરણી કરવી બાળકો માટે બચ્ચા કો ખેલ નથી હોતો. કોળાની કોતરણી કરવામાં ઘણી વખત ચપ્પુ વાગી પડતું હોય છે. કોળુ કાચુ હોય તો તેને કાપવું બાળકો માટે મુશ્કેલ હોય છે. એમાં વળઈ ધારદાર ચપ્પુ હોય તો બાળકને ઇજા થવાની સંભાવના સૌથી વધુ રહે છે. માબાપના સુચન વિના જ ઉત્સાહમાં કોતરણી કરનારા બાળકો માટે એ કોતરણી સૌથી જોખમી બની જતી હોય છે. ખરેખર તો બાળક ઉપર કોળાની કોતરણી દરમ્યાન સતત ધ્યાન રાખવાની જરુર છે. ખાસ તો બાળકો કોળુ કોતરવા માટે ડિઝાઇન તૈયાર કરી આપે અને એ મુજબ વડિલો તે કોતરણી કરે એ સૌથી સુરક્ષિત માર્ગ છે. છતાં એમાં બાળકોને પોતે કંઇક કર્યાનો હરખ ન રહેતો હોય તો માબાપે તેમની બાજુમાં રહીને કોતરણી કરાવવી જોઇએ, જેથી બાળકોને ઇજા થાય નહીં.

૨૫ ટકા ઇજા પડી જવાને કારણે !

૨૫ ટકા ઇજા આ દિવસે પડી જવાથી અથવા પોશાક પર થતા ડેકોરેશનને કારણે થાય છે ! ડેકોરેશન અને પોશાક પરના વૈવિધ્યને એવી રીતે ઓપ આપવો જોઇએ, જેથી પડી ન જવાય, એ કાળજી પણ રખાવી જોઇએ.કોમ્યુનિટી પેડિયાટ્રીશ્યન અને અમેરિકન અકાદમી ઓફ પેડિયાટ્રીશ્યનના પ્રવક્તા ડો. સ્ટીફની લીએ જણાવ્યું કે, ફક્ત લાઇટ મૂકો એટલે જ આ પ્રકારની ઇજા નિવારી શકાય એમ છે. અંધારુ દૂર થાય એટલે સ્વાભાવિક છે કે વાહન ચાલકોને બાળકોની અવરજવર જાણી શકે છે. પાંચથી નવ વર્ષના બાળકો વિશેષતઃ ઇજા પામતા હોય છે. ઘણી વખત તેઓ વાહનની અડફટે ચઢવાને બદલે કોઇ પ્રાણીની અડફટે ચઢી જતા હોય છે, તેને કારણે પ્રાણી બચકું ભરી લે એવા પણ બનાવો બનતા હોય છે. આ વયજુથના બાળકોમાંથી ૫ ટકા બાળકોને દર વર્ષે પ્રાણીઓ કરડી જતાં હોય છે.  આ ઘટના વિશ્વવ્યાપી છે પણ તેની કેટલીક આડ અસરો પણ જોવા મળતી હોય છે. લોકોને અનેક પ્રકારની ચેતવણીઓ અપાતી હોવા છતાં પણ તેઓ માનતા નથી.