ગુજરાતની જેલોમાં કેદીઓના ભોજન પાછળ વર્ષમાં જાણો કેટલો ખર્ચ થાય છે, આંકડોઓ ચોંકાવશે
ગુજરાતની વિવિધ જેલો અને કેદીઓ પાછળ થતાં ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2015-16માં કુલ ખર્ચ 59.8 કરોડ થયો હતો, જે વર્ષ 2016/17માં વધીને 108.9 કરોડ અને એ પછી વધીને 2017/18માં 137.3 કરોડ થઈ ગયો છે. એકલા વર્ષ 2017/18ની વાત કરવામાં આવે તો જેલોમાં કેદીઓના ભોજન પાછળ 25 કરોડનો ખર્ચ થયો છે.
તદુપરાંત વસ્ત્રો, મેડિકલ, વેલફેર એક્ટિવિટી, વોકેશનલ-એજ્યુકેશનલ વગેરે પાછળ 27 કરોડનો ખર્ચ થયો હોવાનું વર્ષ 2017ના હમણાં જ જાહેર કરાયેલા નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના રિપોર્ટમાં કહેવાયું છે.
એનસીઆરબીના રિપોર્ટમાં કહેવાયું છે કે, વર્ષ 2017ના સમય ગાળામાં જેલમાં અંડર ટ્રાયલ કેદીઓની સંખ્યા 8,287 હતી, જ્યારે સજા પામેલા કેદીઓની સંખ્યા 4,278 હતી જ્યારે વિવિધ ગુનામાં વર્ષ દરમિયાન 77,060 આરોપીઓ દાખલ થયા હતા, જેમાંથી મોટા ભાગના જામીન પર છૂટયા હતા.
રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, દેશમાં સૌથી વધુ કેદીઓના ભોજન પાછળ ઉત્તર પ્રદેશમાં 150 કરોડ તો બીજા નંબરે બિહારમાં 112 કરોડનો ખર્ચ થયો હતો, અહીં કેદીઓની સંખ્યા પણ વધારે છે.
કેદી સુધારણા માટે કાર્યરત એનજીઓની સંખ્યામાં ગુજરાત પ્રથમ
કેદી સુધારણા માટે દેશભરમાં કુલ 1,008 એનજીઓ કામ કરે છે, જેમાં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 155 એનજીઓ કેદી સુધારણા માટે કામ કરે છે. વર્ષ 2017માં ગુજરાતમાં 13,296 કેદીઓએ મેડિકલ કાઉન્સેલિંગ તથા 1806 કેદીઓએ લીગલ કાઉન્સેલિંગનો લાભ લીધો હતો.
ગુજરાત બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ 143 એનજીઓ કાર્યરત છે. પશ્ચિમ બંગાળમાં 115, દિલ્હીમાં 106 એનજીઓ કાર્યરત છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહારમાં એનજીઓની જરૃર છે પરંતુ ઓછી છે, ઉત્તર પ્રદેશમાં 96 અને બિહારમાં માત્ર 21 જ એનજીઓ કાર્યરત છે.
