અમદાવાદ / લૉ-ગાર્ડન હેપી સ્ટ્રીટમાં ફૂડ કોર્ટનું માસિક ભાડું 1.67 લાખ
- 24ની ક્ષમતા ધરાવતી 31 મોટી ફૂડવાનની જગ્યાની હરાજી
- 9 નાની ફૂડવાનની જગ્યાનું ભાડું 90 હજાર નક્કી થયું
અમદાવાદ: લૉ ગાર્ડન હેપી સ્ટ્રીટ ખાતે ફૂડવાન ઊભી રાખવા કરાયેલી 42 જગ્યાની હરાજીમાં મોટી જગ્યા માટે મહત્તમ રૂ. 1.67 લાખની બોલી બોલાઈ હતી. 9 નાની ફૂડવાન માટે મહત્તમ રૂ.90 હજારનું બીડ મંજૂર થયું હતું. હરાજીથી મ્યુનિ.ને વાર્ષિક રૂ. 4 કરોડની આવક થશે. 9 મોટી ફૂડવાન માટે કોઈએ બોલી લગાવી ન હતી. હરાજીમાં અપાયેલી 31 મોટી ફૂડ વાનની ક્ષમતા 24 લોકો બેસી શકે તેટલી છે. જ્યારે 9 નાની ફૂડ વાનની ક્ષમતા 8 અને તેથી નાની 2 ફૂડવાનની ક્ષમતા 4ની છે. મ્યુનિ.એ મોટી વાનની જગ્યા માટે મહત્તમ રૂ. 90 હજાર ભાડું, નાની ફૂડવાન માટે રૂ.30 અને 20 હજારના બે સ્લોટ રાખ્યા હતાં. ગુરુવારે હરાજીમાં 131 ટેન્ડરમાંથી અમાન્ય ઠરેલા 5ને બાદ કરતાં 126 વેપારીએ બોલી લગાવી હતી. 31 મોટી ફૂડવાન માટે 22 બોલી મળી હતી.
6 નંબરની જગ્યા રૂ. 1.38 લાખના માસિક ભાડાની બોલી
ખાસ કરીને મોટી ફૂડવાન માટે 1 નંબરની જગ્યા રૂ. 96 હજારમાં, 9 નંબરની જગ્યા રૂ. 1.67 લાખની મહત્તમ બોલીમાં અપાઇ હતી. સાથે 13 નંબરની વાનને રૂ. 1.26 લાખ, 6 નંબરની જગ્યા રૂ. 1.38 લાખના માસિક ભાડાની બોલીમાં અપાવામાં આવી હતી. તે રીતે નાની 9 ફૂડવાન માટેની જગ્યા માટે પણ રૂ. 90 હજારની બોલી લગાવાઇ હતી. 2 બીજી નાની ફૂડવાન માટે પણ રૂ. 73 હજારની બોલી લગાવાઇ હતી. હેવમોર, વાડીલાલ, અસરફી સહિતના આઇસ્ક્રીમ વિક્રેતાઓએ બોલીમાં ભાગ લીધો હતો. ઓનેસ્ટ, સહિતના અન્ય કેટલાક અગ્રણી ફૂડ ચેન ધારકોએ પણ બોલીમાં જોડાયા હતા.
