૧૨૦ કરોડ યૂઝર્સના સોશિયલ મીડિયા પ્રોફાઇલનો ડેટા લીક થયાનો દાવો

૧૨૦ કરોડ યૂઝર્સના સોશિયલ મીડિયા પ્રોફાઇલનો ડેટા લીક થયાનો દાવો

। નવી દિલ્હી ।

વધુ એકવાર મોટા પાયા પર યૂઝર્સના ડેટા લીક થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ડેટા લીકમાં ફેસબુક, લિન્ક્ડઇન અને ટ્વિટરના પ્રોફાઇલ સામેલ હોવાનું માનવામાં આવે છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચર વિન્ની ટ્રોઇઆએ જણાવ્યું છે કે જે સર્વર પર આ ડેટા સ્ટોર કરાયા હતા તે સિક્યોર્ડ નથી. આ સર્વર પર કુલ ૪ટીબી પર્સનલ ડેટા છે જેમાં ૧૨૦ કરોડ લોકોની પર્સનલ ડિટેલ્સ સંગ્રહ થયેલી છે. જોકે આ ડેટામાં પાસવર્ડ, ક્રેડિટ કાર્ડની ડિટેલ જેવી સંવેદનશીલ માહિતી સામેલ નથી, પરંતુ પ્રોફાઇલની ડિટેલ અને ફોન નંબર સામેલ હોવાથી તેનો ઉપયોગ હેકિંગ માટે થઇ શકે છે. અહેવાલ મુજબ આ ડેટામાં કરોડો યૂઝર્સની પ્રોફાઇલ છે જેમાં નામ, ફોન નંબર અને તેમની સાથે જોડાયેલા સોશિયલ મીડિયા પ્રોફાઇલનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇનથી માંડીને ગિટહબનો સમાવેશ થાય છે. અન્ય સંવેદનશીલ વિગતો આ ડેટામાં ન હોવા છતાં આ લીક આમ યૂઝર માટે જોખમરૂપ છે કારણ કે યૂઝર્સને ટાર્ગેટ કરવા માટેની બેઝિક માહિતી હેકર્સને આ ડેટામાંથી મળી શકે છે.

વિન્ની ટ્રોઇઆના રિસર્ચરે જણાવ્યું હતું કે, કોઇની પાસે મારી આટલી માહિતી પણ અત્યંત જોખમી છે. મેં પહેલીવાર જોયું છે કે એક સિંગલ ડેટાબેઝમાં આટલી મોટી માત્રામાં ડેટાનો સંગ્રહ કરાયો છે. ૧૨૦ કરોડ યૂઝર્સમાં ભારતના કેટલા યૂઝર્સ હશે તેની હાલ કોઈ જાણકારી નથી, પરંતુ સંભાવના છે કે ભારતના યૂઝર્સ પણ આ ડેટા લીકના કારણે પ્રભાવિત થયાં હશે.

ગૂગલ ક્લાઉડ સર્વિસનું સર્વર હોવાની સંભાવના

એ સ્પષ્ટ નથી કે આ ડેટા સર્વર પર કોણે સંગ્રહ કર્યો છે પરંતુ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સર્વરની આઇપી ટ્રેસ કરતાં તે સર્વર ગૂગલ ક્લાઉડ સર્વિસનું હોવાનું જાણવા મળ્યું હતું. આ ડેટાને કોણે અને કેટલા લોકો ડાઉનલોડ કરી લીધો છે તેની પણ અત્યારે કોઈ જાણકારી મળી શકી નથી.

ભારતીય સેનાને વોટ્સએપ સેટિંગ બદલવા આદેશ

આઈએસઆઈ દ્વારા સુરક્ષાજવાનોનું સોશિયલ મીડિયા હેક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેઓ વોટ્સએપ થકી માહિતી મેળવવા મથી રહ્યા છે. તાજેતરમાં જ આઈએસઆઈ દ્વારા સૈન્યના એક ઓફિસરને પાકિસ્તાનના સંદિગ્ધ વોટ્સએપ ગ્રૂપમાં જોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સૈન્ય અધિકારીને વોટ્સએપ સેટિંગ બદલવાનો આદેશ આપવામાં આવ્યો હતો.