ઊંઝા / કાલે માઁ ઉમિયા અખંડ જ્યોત શોભાયાત્રા, માઁ ઉમા લક્ષચંડી મહોત્સવને લઇ પાટીદારોમાં ઉત્સાહ
પ્રથમ તબક્કામાં ઉમિયાબાગમાં 1થી 17 ડિસેમ્બર સુધી 1100 ભૂદેવો દ્વારા 700 શ્લોકના દુર્ગા સપ્તસતિના એક લાખ પાઠનું પારાયણ કરાશે
ઊંઝાઃ ઊંઝામાં કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે માઁ ઉમા લક્ષચંડી યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે 1લી ડિસેમ્બરને રવિવારથી 17 ડિસેમ્બર સુધી ઉમિયાબાગમાં મા ઉમિયાની અખંડ જ્યોતની સાક્ષીમાં 1100 ભૂદેવો દ્વારા સતત 16 દિવસ 700 શ્લોકના દુર્ગા સપ્તસતિના એક લાખ પાઠનું પારાયણ થનાર છે. આ નિમિત્તે રવિવારે સવારે 7-30 વાગે ઉમિયા માતાજી મંદિરથી ઉમિયાબાગ પાઠશાળા સુધી 1100 ભૂદેવો સાથે 5100 જ્વારાકુંડની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં મા ઉમિયાની અખંડ જ્યોત, દિવ્ય રથ તેમજ હજારો મા ઉમાના ભક્તો જોડાશે. મૂડેઠીના વતનીને હાલ રહે મુંબઈ- કાંદિવલીના શાસ્ત્રી રાજેશભાઈ અનંતદેવ શુક્લ વેદોક્ત 1800 ભૂદેવોથી 1થી 22 ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય ગોર પદે ધર્મોત્સવ પાવનકારી બનશે.
150 ડબ્બા શુદ્ધ ઘી સહિત વિવિધ દિવ્ય દ્રવ્યો-ઔષધિની 700 બ્રાહ્મણો દ્વારા આહુતિ અપાશે
આ યજ્ઞશાળામાં 36 બાય 36ની નવ કુંડી તેમજ 24 બાય 24ની 99 કુંડીમાં બિલી ફળ 10 કોથળા, સુગંધીવાળો 50 કિલો, તલ 8 હજાર કિલો, જવ 250 કિલો, હવન સામગ્રી 500 કિલો, ડાંગર 4 હજાર કિલો, કમળ કાકડી 250 કિલો, શુધ્ધ ઘી 150 ડબ્બા, સરસવનું તેલ એક ડબ્બો દીવા માટે, ખડી સાકર 500 કિલો, ગૂગળ એક હજાર કિલો, ખારેક ટુકડી 100 કિલો, ટોપરા કાચલી 100 કિલો, કપૂર કાચલી 100 કિલો, સુખડ પાવડર 100 કિલો, જટામસ 50 કિલો, ભોજપત્ર 2 કિલો, ખીર 10 ચોખા, સામિ અને આંબા તેમજ પીપળાના 75 હજાર કિલો કાષ્ટ, સમિધા 110 જોડી, છાણાં 6 ટ્રેક્ટરનો ઉપયોગ થશે. જેની આહુતિ 700 બ્રાહ્મણો દ્વારા અપાશે.
માનુષી જીવનમાં વિદ્યાબળ, ધનબળ, મનોબળ, શરીરબળ, સત્તાબળ, પર્યાવરણ શુદ્ધિ ઉદ્દેશની પ્રાપ્તિ માટે લક્ષચંડી મહાયજ્ઞ કરવામાં આવે છે
માનુષી જીવનમાં વિદ્યાબલ, ધનબળ, મનોબળ, શરીરબળ, સત્તાબળ, પર્યાવરણ શુધ્ધિ ઉદ્દેશ પ્રાપ્તિ માટે લક્ષચંડી મહાયજ્ઞ કરવામાં આવે છે, કોઈપણ સંગઠનને પોતાની, સમાજની વિશ્વની ક્લ્યાણકારી ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે આ લક્ષચંડી મહાયજ્ઞ મહત્વપૂર્ણ સાબિત થાય. યજ્ઞનું તાત્પર્ય ત્યાગ, બલિદાન અને શુધ્ધ કર્મ બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના 700 શ્ર્લોકોનું એક લાખ વાર પારાયણ થાય છે, ત્યાર બાદ તેના દશમાં ભાગનો (દશાંશ) 10હજાર પાઠની યજ્ઞમાં આહુતિ અપાય છે.
પવિત્ર અને સુગંધિત પૌષ્ટિક દ્રવ્યો તલ-જવ-ખીર-ઔષધીઓ-ગાયનું ઘી દ્વારા યજ્ઞમાં આહુતિ અપાય છે. યજ્ઞ દ્વારા જે શક્તિશાળી તત્વ વાયુમંડળમાં ફેલાય છે, તે હવામાં રહેલા દૂષિત કીટાણુઓનો નાશ કરે છે, યજ્ઞનો વાયુ સર્વાંગ પહોંચે છે અને મનુષ્યો, પશુ-પક્ષી, વૃક્ષો-જંગલોનું આરોગ્ય સુધારે છે. જ્યાં આ યજ્ઞ થાય તે ભૂમિ પ્રદેશ સુસંસ્કારો ધારણ કરે છે.કુબુધ્ધિ, કુવિચાર, દુર્ભાગ્ય અને દુષ્કર્મોથી વિકૃત મનોભૂમિને સુસંસ્કૃત કરે છે.
યજ્ઞથી ઉત્પન્ન થતી ધુમ્રશેરો આકાશમાં વાદળ સાથે મળીને ખાતરનું કામ કરે છે, વરસાદ સાથે પૃથ્વી ઉપર આવે છે અને તેનાથી ઘાસ-વનસ્પતિઓનું ઉત્પાદન વધે છે. યજ્ઞ એ સામુહિકતાનું કર્મ છે. આની ઉપાસના ધર્મકારી માણસ એકલો કરી શકે છે. પણ યજ્ઞ એક એવું કાર્ય છે જેમાં વધુને વધુ મનુષ્યોનો સહકાર, સહયોગ જરૂરી થાય છે. યજ્ઞ શબ્દ યજ ધાતુ પરથી થયો છે, જેનો અર્થ દેવ-પૂજા સંગતિકરણ અને દાન છે, ધનનું એક માત્ર ફળ યજ્ઞાદી દ્વારા સમાજમાં ધનને વિતરણ કરવું, જેનાથી પરમાત્મા સંબંધી પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે.
આધુનિક સમયમાં કેટલાક એવું સમજે છે કે, જ્યારે લોકોને ખાવાનું મળતું નથી તેવા વખતમાં યજ્ઞોમાં ઘી હોમવું, ચોખા કે તલ હોમવા એ નિરર્થક વ્યયનું કંઈ પણ જોવામાં આવતું નથી. યજ્ઞકુંડમાં અગ્નિમાં વિધિ પુરાસર આપેલી આહુતિનું ફળ આદિત્યને પહોંચે છે અને તે આદિત્યના પ્રભાવથી વૃષ્ટિથી એન ઉત્પન્ન થાય છે અને અન્નથી પ્રજા ઉત્પન્ન થાય છે. > શાસ્ત્રી રાજેશભાઈ અનંતદેવ શુક્લ, મુખ્યગોર લક્ષચંડી મહાયજ્ઞ
