સરવે / ભારતમાં યુવા US-બ્રિટન કરતાં વધુ આશાવાદી
78% ભારતીયોએ કહ્યું- દેશ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ
Dec 14, 2019, 03:13 AM ISTટોકિયો: દેશના ભવિષ્ય અંગે ભારતના યુવાનો વિકસિત દેશો કરતા વધુ આશાવાદી છે. તેઓ માને છે કે દેશનું ભવિષ્ય આવનારા સમયમાં વધુ સારું થશે. સાથે જ તેઓ સામાજિક સમસ્યાઓ ખતમ કરવા માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે. તેઓ પોતાના પ્રયાસથી સમાજને બદલી શકે છે. જાપાનના નિપ્પોન ફાઉન્ડેશને કરેલા સરવેમાં આ વાત જાણવા મળી.
જાપાનના યુવા સૌથી હતાશ દેખાયા
18 વર્ષના 9 હજાર યુવા વચ્ચે કરાયેલા સરવેમાં ભારત, ચીન, જાપાન, અમેરિકા, બ્રિટન, ઇન્ડોનેશિયા, વિયેતનામ, જર્મની, દક્ષિણ કોરિયાને સામેલ કરાયો હતો. ભારતના 78 ટકા યુવાઓએ કહ્યું કે અમારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે. જ્યારે જાપાનના યુવા સૌથી હતાશ દેખાયા. માત્ર 10 ટકાએ માન્યું કે દેશનું ભવિષ્ય સારું છે. ચીનના યુવાનો સૌથી વધુ ઉત્સાહિત દેખાયા. 96 ટકા યુવાઓએ કહ્યું કે તેમનો દેશ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરશે. માત્ર 0.8 ટકા લોકોએ કહ્યું કે હાલત વધુ ખરાબ થશે. જ્યારે અમેરિકાના 30 ટકા યુવા જ્યારે બ્રિટનના 28 ટકા, વિયેતનામના 76 ટકા અને ઇન્ડોનેશિયાના 72 ટકા યુવાઓ જ પોતાના દેશનું ભવિષ્ય સારું માને છે.
84 ટકા ભારતીયો સમાજમાં બદલાવ લાવવા તૈયાર
સમાજ પ્રત્યે જવાબદાર થવાના સવાલ અંગે ચીન અને ભારત સૌથી આગળ રહ્યાં. ચીનના 96 ટકા અને ભારતના 92 ટકા યુવાનોએ માન્યું કે તેઓ પોતાના દેશ અને સમાજ પ્રત્યે એટલા જ જવાબદાર છે જેટલા તેઓ પોતાના માટે છે. સરવેમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ સામાજિક મુદ્દે વાતચીત કરે છે. શું તેઓ સમાજમાં બદલાવ લાવી શકે છે તે અંગે 84 ટકા ભારતીયોએ કહ્યું કે હા. તેઓ તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.
