કોઈ કાયદો તોડે, પથ્થરમારો કરે, બસ સળગાવે અને અમે પોલીસને રોકીએ એ કેવી રીતે શક્ય બને: સુપ્રીમ
- સોનિયાના નેતૃત્વમાં 12 પક્ષના નેતાઓ બિલના વિરોધ માટે રાષ્ટ્ર્પતિને મળ્યા
- યુનિ. કેમ્પસ સ્વતંત્ર અભિવ્યક્તિ અને વિચારોને પોષનારા બને: રાષ્ટ્રપતિ કોવિંદ
- સીજેઆઈએ સોમવારે કહ્યું હતું- પહેલાં વિરોધ પ્રદર્શન રોકો, આ ચાલુ રહેશે તો કોર્ટ કઈ નહીં કરે
- ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું- આ મામલે કોઈ પક્ષપાત નહીં, પરંતુ જો કોઈ કાયદો તોડે તો પોલીસ શું કરશે?
નવી દિલ્હી: હિંસક દેખાવો પછી જામિયા અને અલીગઢ યુનિવર્સિટીમાં થયેલી પોલીસ કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. તપાસ સમિતિ બનાવવા અને વિદ્યાર્થીઓની ધરપકડ પર રોક મૂકવાની અરજી પણ ફગાવી દેવાઈ છે. અરજદારોને હાઈકોર્ટ જવાનું સૂચન કરતા ચીફ જસ્ટિસ એસ.એ. બોબેડેએ કહ્યું કે, જો કોઈ કાયદો તોડે છે, પથ્થરમારો કરે છે કે બસો સળગાવે છે તો પોલીસ શું કરશે? અમે તેમને કેસ દાખલ કરતા કેવી રીતે રોકી શકીએ?
ગુવાહાટીમાંથી કરફ્યૂ હટાવાયો, શિલોંગમાં પણ કરફ્યૂમાં ઢીલ અપાઈ
આ દરમિયાન દિલ્હીના સિલમપુરમાં પણ સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસા ભડકી હતી. તોફાનીઓએ 3 બસ અને 2 પોલીસ ચોકીમાં તોડફોડ કરી. બીજી તરફ, આસામમાં સ્થિતિ કાબૂમાં આવતા ગુવાહાટીમાંથી કરફ્યૂ હટાવાયો. શિલોંગમાં પણ કરફ્યૂમાં ઢીલ અપાઈ હતી. જોકે, પ. બંગાળમાં તોફાનીઓએ અનેક જગ્યાએ રેલવે ટ્રેક જામ કરી દીધા. રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીએ જિલ્લા તંત્ર અને રેલ અધિકારીઓને આદેશ કર્યો કે, રેલવે સહિત કોઈ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારને ગોળી મારી દેજો.
કેરળમાં પથ્થરમારો કરતા 200ને અટકાયતમાં લેવાયા
એએમયુ અને આસપાસના વિસ્તારોમાં થયેલી હિંસા અંગે ઉ. પ્રદેશ પોલીસે આઠ વિદ્યાર્થી સહિત 26ની ધરપકડ કરી હતી. બાદમાં તેમને પર્સનલ બોન્ડ પર મુક્ત કરાયા. મઉમાં સોમવારે રાતે થયેલી હિંસામાં 19ની ધરપકડ કરાઈ છે, જ્યારે કેરળમાં પથ્થરમારો કરતા 200ને અટકાયતમાં લેવાયા છે. જામિયા હિંસાના મામલામાં ગુનાઈત પૃષ્ઠભૂમિના 10 લોકોની ધરપકડ કરાઈ, તેમાંથી 6ને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં જેલ મોકલી દેવાયા. જામિયા વિસ્તારમાં મંગળવારે પણ માહોલ તણાવભર્યો રહ્યો. વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ યુનિવર્સિટી સામે તિરંગો લઈને દેખાવો કર્યા. સીલમપુર અને જામિયા સહિત દિલ્હીના પાંચ વિસ્તારમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા.
કેમ્પસમાં ફૂટેલા કારતૂસ મળ્યા, પરંતુ પોલીસે ફાયરિંગ નથી કર્યું
બીજી તરફ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે નાગરિકતા કાયદાના સમર્થનમાં દિલ્હી યુનિવર્સિટીમાં પ્રદર્શન કર્યા. જામિયામાં ત્રણ વ્યક્તિને ગોળી વાગી હોવાના અહેવાલો અંગે ગૃહ મંત્રાલયના એક અધિકારીએ સ્પષ્ટતા કરી કે, કેમ્પસમાં ફૂટેલા કારતૂસ મળ્યા છે, પરંતુ પોલીસે ફાયરિંગ નથી કર્યું. હોલી ફેમિલી હોસ્પિટલમાં ભરતી ત્રણને ગોળી વાગી હોવાના દાવાની પણ તપાસ થઈ રહી છે.
દિલ્હી: સિલમપુરમાં 5 કલાક સુધી હોબાળો; સાંકડી ગલીઓમાંથી તોફાનીઓ પથ્થરમારો કરતા રહ્યાં
સિલમપુરમાં પથ્થરમારામાં 21 લોકોને ઇજા થઈ હતી. 12 પોલીસકર્મી અને આરએએફના 3 જવાન પણ ઘાયલ થયા હતા. 5 તોફાનીઓની ધરપકડ કરાઈ હતી. સાંકડી ગલીમાં 5 કલાક સુધી સંતાકુકડીનો ખેલ ચાલતો રહ્યો. તોફાનીઓએ અનેક ઠેકાણે પોલીસ પર હુમલો કર્યો હતો. કેટલાક પોલીસકર્મી પણ વાહનોમાં તોડફોડ કરતા નજરે પડ્યાં હતાં.
કોંગ્રેસ ગુમરાહ કરવાની ગેરીલા રાજનીતિ છોડે: મોદી
ઝારખંડમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસમાં હિંમત હોય તો પાકિસ્તાનના તમામ નાગરિકોને નાગરિકત્વ આપે. કલમ 370 લાગુ કરવા અને ત્રણ તલાક કાયદો રદ કરવાની જાહેરાત કરે. કોંગ્રેસ લોકોને ડરાવીને ગુમરાહ કરવાની ગેરીલા રાજનીતિ બંધ કરે.
ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર નાગરિકત્વ કાયદો લાગુ કરવા અડગ છે. તેમાં પાછા હટવાનો સવાલ જ ઊભો થતો નથી.
સામાન્ય લોકો અને વિપક્ષનો અવાજ દબાવાઈ રહ્યો છે
નાગરિકત્વ કાયદા વિરુદ્ધ 12 વિપક્ષી દળોના નેતાઓએ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદન પત્ર આપ્યું હતું. પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યું હતું. તેમણે કહ્યું કે મોદી સરકાર સામાન્ય લોકો અને વિપક્ષનો અવાજ દબાવી રહી છે. હિંસક દેખાવોને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમને રાષ્ટ્રપતિને દખલ દેવા માંગ કરી હતી. સોનિયાએ કહ્યું કે પોલીસકર્મી જામિયામાં છોકરીઓની હોસ્ટેલમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક ફટકાર્યા હતા.
વિદેશોમાં પણ વિદ્યાર્થીઓનો વિરોધ
જામિયા અને એએમયુમાં વિદ્યાર્થીઓ પર કરાયેલી કાર્યવાહી સામે વિદેશની ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ દેખાવો યોજાયા હતા. તેમાં ઓક્સફર્ડ, હાર્વર્ડ, યેલ, એમઆઈટી, કોલંબિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. દરમિયાનમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા અને ઇઝરાયેલે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરીને ભારતમાં સાવચેતી રાખવા જણાવ્યું છે. બીજીબાજુ કેન્દ્રએ કહ્યું છે કે જામિયા, એએનયુને બાદ કરતા 40 સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પરિસ્થિતિ સામાન્ય છે.
પોલીસે તપાસ કરવી જોઈએ કે હિંસા: વકીલ
સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલ નિઝામ પાશાએ કહ્યું- હીંસા કરનાર વિદ્યાર્થીઓ નહતા. પોલીસે આ વિશે તપાસ કરવી જોઈએ કે હિંસા? વીડિયોમાં એવું પણ આવી રહ્યું છે કે, પોલીસે ગાડીઓના કાચ તોડ્યા અને તેમા આગ પણ લગાડી. આ તપાસનો વિષય છે. ત્યારપછી ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું- અંતે બસમાં આગ કોણે લગાવી? બસોને આગ પ્રદર્શનકારીઓએ લગાવી છે તેવી ઘણી તસવીરો પણ જોવા મળી છે. સીજેઆઈએ સોમવારે કહ્યું હતું કે, પહેલાં ઉપદ્રવ રોકવામાં આવે. જ્યાં સુધી ધરણાં પ્રદર્શન ચાલુ રહેશે ત્યાં સુધી કોર્ટ કોઈ સુનાવણી નહીં કરે. જ્યારે દિલ્હી પોલીસે જામિયા હિંસા વિશે બે એફઆઈઆર પણ દાખલ કરી છે.
દિલ્હી હાઈકોર્ટે સોમવારે તુરંત સુનાવણીનો ઈનકાર કર્યો હતો
બીજી બાજુ દિલ્હી હાઈકોર્ટે સોમવારે જામિયામાં પોલીસની કાર્યવાહી વિરુદ્ધ દાખલ અરજી પર તુરંત સુનાવણીનો ઈનકાર કર્યો હતો. અરજી કરનારે જામિયામાં થયેલી હિંસાની ન્યાયિક તપાસ કરવાની માંગણી કરી હતી. તે સાથે એવું પણ કહ્યું હતું કે, અટકાયતમાં લેવામાં આવેલા 52 ઘાયલ વિદ્યાર્થીઓને મેડિકલ સુવિધા અને વળતર આપવામાં આવે. જોકે દિલ્હી હાઈકોર્ટે અરજી કરનારને કહ્યું હતું કે, કોર્ટ સુધી રજિસ્ટ્રી માધ્યમ સુધી પહોંચો.
પથ્થરમારા પછી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો
નાગરિકતા કાયદા વિરોધમાં રવિવારે રાતે જામિયા યુનિ.માં ઉગ્ર પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓએ 4 બસ સહિત 8 વાહન ફૂંકી દીધા હતા. આ સિવાય અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિદ્યાર્થીઓના પથ્થરમારા પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેમાં 60થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. એએમયુ અને જામિયા પ્રશાસને 5 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દીધી છે.
