નાગરિકતા કાયદો ભારતના હિંદુ કે મુસ્લિમને લાગુ પડતો જ નથી : મોદી
। નવી દિલ્હી ।
દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે ભાજપ દ્વારા આયોજિત મહાકાય રેલીને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારા કાયદાથી દેશના કોઈ નાગરિકની નાગરિકતા છિનવાઈ જવાની નથી. આ કાયદા સાથે ભારતીય મુસ્લિમોને કોઈ લેવા દેવા નથી. સંસદમાં કહેવાયું છે કે નાગરિકતા સુધારા કાયદો ભારતના કોઈપણ હિંદુ કે મુસ્લિમને લાગુ પડતો નથી. ભારતમાં વસતા ૧૩૦ કરોડ ભારતીયોને આ કાયદા સાથે કોઈ સ્નાનસૂતક નથી. આ કાયદો નાગરિકતા છિનવી લેવા માટે નહીં પરંતુ નાગરિકતા આપવા માટે છે. મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, આ કાયદાનો કોઈ નવા શરણાર્થીને લાભ નહીં મળે. અમે સંસદમાં નાગરિકતા સુધારા કાયદો પસાર કર્યો છે. આ માટે સંસદને માન આપવું જોઈએ. જનતાએ સંસદ અને ચૂંટાયેલા સાંસદોને માન આપવું જોઈએ.
CAA પર બોલતા મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. ખોટા વીડિયો, અફવા અને જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યાં છે. વિપક્ષો અલગ અલગ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે. હું તેમને પૂછવા માગું છું કે, અમે તેમને પૂછવા માગીએ છીએ કે શું તમે નાગરિકોને એવો સવાલ કરીએ છીએ કે તમે કોને મત આપ્યો? અમે દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવાનો ખરડો પસાર કર્યો ત્યારે તેમના ધર્મ અંગે પૂછયું હતું? અમે આ કોલોનીઓના રહેવાસીઓ પાસે કોઈ દસ્તાવેજી પુરાવા માગ્યા? ના. કારણ કે અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસમાં માનીએ છીએ.
વડા પ્રધાને વિપક્ષોને સવાલ કર્યો હતો કે, શું અમે ઉજ્જ્વલા સહિતની કલ્યાણ યોજનાના લાભાર્થીઓને તેમના ધર્મ અને જાતિ પૂછીએ છીએ? ૫૦ કરોડ લોકોને મફત સારવાર આપતી આયુષમાન યોજનામાં અમે કોઈને તેના ધર્મ અંગે પૂછયું નથી. તેમણે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેવું જોઈએ. તેમણે યાદ રાખવું જોઈએ કે અમે યોજનાઓના લાભાર્થીઓને કોઈ દસ્તાવેજોની ફરજ પાડતાં નથી. અમે ધર્મ અને જાતિના ભેદભાવ વિના ગરીબોના લાભ સુનિશ્ચિત કરવા કામ કરી રહ્યાં છીએ. અમે તેમને પૂછતાં નથી કે તેઓ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અથવા ચર્ચમાં જાય છે. તો પછી વિપક્ષો શા માટે ધર્મના આધારે રાજનીતિ કરી રહ્યો છે?
વડા પ્રધાને જણાવ્યું હતું કે, ગ્દઇઝ્ર મુદ્દે પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી આસામમાં ગ્દઇઝ્રનો અમલ કરાયો હતો. દેશવ્યાપી ગ્દઇઝ્ર માટે હજુ કોઈ નિયમો ઘડાયા નથી. તેને હજુ સંસદમાં રજૂ કરાયો નથી. એનઆરસી કોંગ્રેસના શાસનકાળમાં લાવવામાં આવ્યું હતું. શું તે સમયે કોંગ્રેસના નેતાઓ સૂઈ રહ્યાં હતાં? અમે સંસદ કે કેબિનેટમાં એનઆરસી લાવ્યાં નથી. અમે સંસદમાં નાગરિકતા આપવાનો કાયદો ઘડતાં હોઈએ ત્યારે નાગરિકોને હાંકી કાઢવાનો કાયદો લાવીશું ખરાં?
પીએમ મોદીની જુબાની…
મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વસતા હિંદુ અને શીખને હંમેશાં ભારત આવકારશે. ૧૯૪૭માં ભારતની સરકારે આપેલા વચન પ્રમાણે આ કાયદો ઘડાયો છે. અમે દાયકાઓ પહેલાં આપેલા વચનને પૂરું કરી રહ્યાં છીએ. શા માટે તેનો વિરોધ થઈ રહ્યો છે?
- પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના સંખ્યાબંધ મુખ્યમંત્રી પણ એનઆરસીની તરફેણ કરી ચૂક્યાં છે. તો પછી હવે કોંગ્રેસના નેતાઓના પેટમાં ચૂંક કેમ મારી રહી છે
- તિરંગો ઉઠાવવો અધિકાર છે તો હાથમાં આવેલો તિરંગો જવાબદારી પણ છે. સીએએનો વિરોધ કરનારાના હાથમાં પથ્થર જોઇ તકલીફ થાય છે પરંતુ કેટલાકના હાથમાં તિરંગો જોઇને મને રાહત પણ મળે છે
પીએમ મોદીના ડિટેન્શન સેન્ટરના આરોપ પર કોંગ્રેસે કહ્યું, ગૂગલ સર્ચ કરો
કોંગ્રેસે જણાવ્યુ હતું કે, પીએમ મોદીના દાવાને ખોટો ઠેરવવા માટે ફક્ત ગૂગલ પર સર્ચ કરવાની જરૂર છે. શું મોદી એમ માને છે કે ભારતીયો તેમના જુઠ્ઠાણાને પકડી પાડવા માટે ગૂગલ સર્ચ કરી શક્તાં નથી? કોંગ્રેસે કરેલા ટ્વિટમાં ૩ મીડિયા રિપોર્ટ્સ પોસ્ટ કરાયાં છે જેમાંના એકમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે કે, આસામમાં આવેલા ડિટેન્શન સેન્ટરોમાં ૨૮ ગેરકાયદેસર સ્થળાંતરીઓનાં મોત થયાં છે.
કોણ સાચું અને કોણ ખોટું તે જનતા નક્કી કરશે : મમતા બેનરજી
પીએમ મોદીની ટિપ્પણીનો જવાબ આપતાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, મેં જે કહ્યું છે તે જનતા જાણે છે અને તમે જે કહો છો તે પણ જનતા સાંભળી રહી છે. પીએમ મોદી જાહેરમાં ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં આપેલા નિવેદનને જ ખોટું ઠેરવી રહ્યાં છે. કોણ ભારતના મૂળ વિચારને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું ? કોણ સાચુ અને કોણ ખોટું એ જનતા નક્કી કરશે.
અર્બન નક્સલો અને કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે, ડિટેન્શન સેન્ટર.. જૂઠ હૈ.. જૂઠ હૈ : મોદી
વડા પ્રધાન મોદીએ આરોપ મૂક્યો હતો કે, અર્બન નક્સલો અને કોંગ્રેસ મુસ્લિમો માટે ડિટેન્શન સેન્ટરના જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે. ભ્રમ અને ભય ફેલાવી રહ્યાં છે. તેઓ એમ કહી રહ્યાં છે કે, તમામ મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરોમાં મોકલી દેવાશે. તમારા જ્ઞાનનું સન્માન કરો. ડિટેન્શન સેન્ટર જૂઠ હૈ… જૂઠ હૈ… જૂઠ હૈ… નાગરિકતા સુધારા કાયદો અને એનઆરસી શું છે તે વાંચો. તમે લોકો ભણેલાગણેલા છો. નાગરિકતા સુધારા કાયદો ફક્ત એ લોકો માટે છે કે જે નિરાશ્રીતો વર્ષોથી ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. તેનાથી કોઈ નવા નિરાશ્રિતને લાભ થવાનો નથી.
વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા : વડા પ્રધાન
વડા પ્રધાને જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે. તેમણે વિવિધતામાં એકતા, ભારતની વિશેષતાના નારા લગાવડાવ્યા હતા.
નિરાશ્રિતો અને ઘૂસણખોરોમાં તફાવત છે : પીએમ મોદી
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નિરાશ્રિતો અને ઘૂસણખોરોમાં તફાવત છે. ઘૂસણખોર ક્યારેય તેની ઓળખ છતી કરતો નથી જ્યારે નિરાશ્રીત તેની ઓળખ ક્યારેય છુપાવતો નથી. આજે એજ ઘૂસણખોરો કાગારોળ મચાવી રહ્યાં છે.
ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે : વડા પ્રધાન
વડા પ્રધાને જણાવ્યું હતું કે, મોદીને ગાળો આપો, વિરોધ કરો, મોદીનાં પૂતળાં સળગાવો પરંતુ દેશની સંપત્તિ ન સળગાવો, ગરીબની ઝૂંપડી ન સળગાવો. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે.
મુસ્લિમ બહુલ દેશોના મને મળતા સમર્થનથી કોંગ્રેસ પરેશાન : મોદી
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મને રસ્તામાંથી હટાવવા માટે સતત કાવતરા ઘડાતા રહે છે. કોંગ્રેસ અને તેના સહયોગીઓ આજે પણ એ વાતથી પરેશાન છે કે, મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે અને મુસ્લિમ બહુલ દેશોને આટલું સમર્થન કેમ મળી રહ્યું છે? શા માટે આ દેશો મોદીને આટલા પસંદ કરે છે? સાઉદી અરબ, બહેરિન, યુએઇ સાથે ભારતના સંબંધો ઘણા ગાઢ છે.
મમતા દીદી કોલકાતાથી સીધા સંયુક્ત રાષ્ટ્ર પહોંચી ગયાં : મોદી
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મમતા દીદી નાગરિકતા સુધારા કાયદાના મુદ્દે કોલકાતાથી સીધા સંયુક્ત રાષ્ટ્ર પહોંચી ગયાં છે પરંતુ થોડા વર્ષ પહેલાં જ મમતા દીદી સંસદમાં ઊભા થઈને બોલી રહ્યાં હતાં કે, બાંગ્લાદેશમાંથી આવતા ઘૂસણખોરોને અટકાવવામાં આવે અને ત્યાંથી આવેલા પીડિત શરણાર્થીઓને મદદ કરો. દીદી તમને શું થઈ ગયું છે? તમે આટલાં બદલાઈ કેમ ગયાં છો? શા માટે અફવા ફેલાવી રહ્યાં છો? ચૂંટણી અને સત્તા તો આવતી જતી રહે છે પરંતુ તમે આટલા ડરો છો શા માટે?
