કેનેડામાં હિરલ પટેલના પૂર્વ પતિને લઈને મોટા ધડાકો, આગામી બે દિવસમાં આ રીતે ઉકેલાશે મોતનો ભેદ

કેનેડામાં હિરલ પટેલના પૂર્વ પતિને લઈને મોટા ધડાકો, આગામી બે દિવસમાં આ રીતે ઉકેલાશે મોતનો ભેદ

બોરસદ તાલુકાના પામોલ ગામની એક કોડભરી યુવતીની કેનેડામાં લાશ મળી આવતાં તેના પરીવારજનોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે. તેણીના પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તેણીની હત્યા કરાવવામાં આવી હોવાની આશંકા મૃતક યુવતીના પરીવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી બાજુ ટોરેન્ટો પોલીસે યુવતીના પતિની શોધખોળ શરૂ કરી હતી. હાલ તેના યુવતીના પતિને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ટોરેન્ટો પોલીસે યુવતીના પૂર્વ પતિ સામે વોરંટ જાહેર કર્યું છે. આ ઘટનામાં કેનેડા પોલીસની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે. 28 વર્ષીય હિરલ પટેલના કેસમાં પૂર્વ પતિ રાકેશ પટેલ શંકાસ્પદ આરોપી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પૂર્વ પતિ રાકેશ પટેલની ધરપકડને લઈ ગુરુવારે ફર્સ્ટ ડિગ્રી હત્યાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

બોરસદ તાલુકાના પામોલની 28 વર્ષીય હિરલ પટેલના આવતીકાલે અંતિમવિધિ કરવામાં આવશે. બીજી બાજુ યુવતીની હત્યા થઈ હોવાનો પરિવારજનો વારંવાર આક્ષેપ લગાવી રહ્યા છે. પરિવારજનો આક્ષેપ કરતા જણાવે છે કે, હિરલને એક વર્ષથી સાસરિયાઓ ત્રાસ આપતા હતા. બીજી બાજુ કેનેડા પોલીસે પૂર્વ પતિ સામે વોરંટ જાહેર કરતા હવે યુવતીના મોતનો ભેદ બે દિવસમાં ઉકેલાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ પોલીસે રાકેશ પટેલ ને કોઈ વકીલનો સંપર્ક કરવા અને પોલીસ સમક્ષ શરણાગતિ કરવા વિનંતી કરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, બોરસદ તાલુકાના પામોલની 28 વર્ષીય હિરલ પટેલનો મૃતદેહ કેનેડાના ટોરન્ટોમાં શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેના મોતને અકસ્માતમાં ખપાવી દેવાનું ષડ્યંત્ર રચાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસને જણાઈ રહ્યું છે. કેનેડા પોલીસે તેના 36 વર્ષીય પૂર્વ પતિ રાકેશ પટેલને વૉન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે યુવતીના કાકા રાકેશ પટેલે તેના જેઠ સુનિલ પટેલે મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીના રહસ્યમય મોત પાછળ અનેક શંકા-કુશંકા સેવાઈ રહી છે.

પરિવારજનો ઈન્ડિયન એમ્બેસી અને આણંદના સાંસદને રજૂઆત કરશે
હિરલના કાકા રાકેશભાઈએ ભત્રીજીની હત્યા તેનાં સાસરિયાએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે હિરલના અમેરિકા રહેતા જેઠ સુનિલે હિરલને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.