આ છે અમદાવાદનો સ્યુસાઈડ પોઈન્ટ, 19 દિવસમાં 9થી વધુ લોકોએ કર્યો આપઘાત
અમદાવાદને વિશ્વભરમાં અનોખી ઓળખ આપતો સાબરમતી રિવરફ્રન્ટ હવે સ્યુસાઈડ પોઈન્ટ બનતો જાય છે તેમ લાગી રહ્યું છે. કેમ કે દિવસે ને દિવસે રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને તેમાં પણ ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ વોક વે પરથી આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. રવિવારે સવારના 10.30 વાગ્યે એલિસબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વે પરથી 22 વર્ષીય અજાણી યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આપઘાત અંગે સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. કંટ્રોલરૂમને માહિતી મળતાં સાબરમતી વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નદીમાં ઝંપલાવેલ યુવતીની લાશ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી.
યુવતીની લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવી હતી. સાબરમતી વેસ્ટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. છેલ્લા 19 દિવસમાં 9 કરતાં વધુ લોકોએ સાબરમતી નદીમાં ઝંપલવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અગાઉ સાબરમતી નદી પર બ્રિજ પર છલાંગ લગાવીને આપઘાતના કિસ્સાઓ બનતાં હતા. પણ આ કિસ્સાઓ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા બ્રિજની દિવાલ પર તારની જાળી લગાવી દેવાતા આપઘાતના કિસ્સાઓમાં ઘટાડો થયો હતો. જેને કારણે હવે લોકોએ રિવરફ્રન્ટ વોક વેને આપઘાત માટે પસંદ કર્યું છે. તો હવે અમદાવાદ કોર્પોરેશનને આ પ્રકારનાં કિસ્સાઓ કેવી રીતે અટકાવવા તે દિશામાં પગલા લેવા જોઈએ.
