અમદાવાદ / ટો કરેલું ટૂ વ્હીલર છોડવા 300ની લાંચ લેવા હેડ કોન્સ્ટેબલ સહિત ચાર ગયા, ACBએ પકડ્યા
- સુભાષબ્રિજ ખાતે એસીબીએ માણસ મોકલી નો પાર્કિંગમાં વ્હીકલ મુકાવી ટ્રેપ કર્યા
- કોન્ટ્રાક્ટ પર ચાલતી ટોઈંગ વાનના 3 કર્મચારીઓએ સોદો કર્યો, હેડ કોન્સ્ટેબલે નાણાં લેવા સંમતિ આપી
અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓ પાસે છટકું ગોઠવી ટો કરેલું વ્હીકલ છોડવા રૂ. 300ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ સહિત 4ની એસીબીએ ધરપકડ કરી હતી. સોમવારે સવારે એસીબીએ માણસ મોકલી નો પાર્કિંગમાં વ્હીકલ મૂકાવી ટ્રેપ ગોઠવી હતી. જેમાં ટોઈંગ વાનના મેહુલ ગોહેલ, અલ્તાફ સંધી અને સલીમ પઠાણે નો પાર્કિંગમાં પાર્ક કરેલું ટૂ વ્હીલર ઊપાડી લીધી હતું અને પાવતી ફાડ્યા વિના પતાવટ કરવા માટે લાંચની માગણી કરી હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ ઉક્કડભાઈ વસાવાએ પતાવટ માટે 3 કોન્ટ્રાક્ટરના માણસોને સંમતિ આપી દીધી હતી. જેમાં મેહુલ ગોહેલના કહેવા પ્રમાણે અલ્તાફ સંધી અને સલીમ પઠાણે રૂ. 300ની રકમ સ્વીકારી હતી. લાંચના નાણાં સ્વીકારતા જ એસીબીએ ચારેયને પકડી લીધા હતા અને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસીબીના મદદનીશ નિયામ ડી.પી. ચુડાસમાએ કહ્યું કે, જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી.
ટોઈંગ વાનના માણસોનું વેપારીઓ સાથે સેટિંગ નો પાર્કિંગમાંથી ગ્રાહકોના જ ટૂ વ્હીલર ટો થાય છે
ટોઈંગવાન અમુક વેપારીઓની દુકાનની બહાર ઊભેલા વાહનોને ટો કરતા નથી પરંતુુ તેની બાજુમાં આવેલા વાહનોને ટો કરી જાય છે. આ બાબતે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોતાને ત્યાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોના વાહનો ટો ન થાય તે માટે ટોઈંગવાન અને વેપારી વચ્ચે સમજૂતી થયેલી હોય છે જેમાં મહિનાના હપતા બાંધેલા હોય છે. આ સંજોગોમાં જો અન્ય કોઈ દુકાનનો ગ્રાહક હપતો આપનાર વેપારીની દુકાનની બહાર આવી વાહન પાર્ક કરે તો તેના ગયા પછી વેપારી આંગળી ચીંધે તે વાહનને લેનમાંથી બહાર કાઢી ફોટો પાડી ટો કરવામાં આવે છે જેથી વાહનચાલક ફરિયાદ કરે તો ફોટો બતાવી ગાડી રોડ પર પડી હોવાનું બતાવી દેવાય.
