કોરોનાએ એક ઝાટકે ખોલી નાખી વિશ્વનાં ‘બાહુબલી’ અમેરિકાની પોલ, ટ્રમ્પ બરાબરનાં ઘેરાયા
કોરોના વાયરસનાં ખતરાએ દુનિયાનાં સૌથી વિકસિત અને સંપન્ન દેશોની પણ પોલ ખોલી દીધી છે. એક મહિના પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતુ કે અમેરિકામાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે, પરંતુ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સાવચેત કર્યા છે કે આખી દુનિયાને ઠપ કરનારા કોરોના વાયરસનું આગામી કેન્દ્ર અમેરિકા હોઈ શકે છે.
કોરોનાનાં ખતરાને સતત ઓછો કરીને દેખાડવાનો પ્રયત્ન કર્યો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસનાં સંકટને લાંબા સમયથી ફગાવતા આવ્યા છે. જ્યારે હેલ્થ એક્સપર્ટ દુનિયાને સંપૂર્ણ તૈયાર રહેવાની સલાહ આપી રહ્યા હતા ત્યારે અમેરિકાની સરકારે કોરોનાનાં ખતરાને સતત ઓછો કરીને દેખાડવાનો પ્રયત્ન કર્યો. ટ્રમ્પે એક નિવેનદનમાં એ પણ કહ્યું હતુ કે એક જાદૂની માફક ગાયબ થઇ જશે. અમેરિકામાં કોરોનાનાં વધી રહેલા કેસોએ સરકારની અડધી તૈયારી અને અમેરિકી હેલ્થકેર સિસ્ટમમાં અવ્યવસ્થાનો પર્દાફાશ કરી દીધો છે.
કોરોનાનાં કેસોમાં આ વધારો ચોંકાવનારો
અમેરિકામાં અત્યાર સુધી 54,941 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે 784 લોકોનાં મોત થયા છે. સોમવારનાં ફક્ત એક જ દિવસમાં અહીં 100 લોકોનાં મોત થયા. કોરોનાનાં કેસોમાં આ વધારો ચોંકાવનારો છે, કેમકે બે અઠવાડિયા પહેલા અમેરિકામાં કોરોનાનાં 2000થી ઓછા કેસ હતા. કોરોનાનાં આ જ વધારાને જોઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી દીધી છે કે અમેરિકા કોરોના વાયરસનું હૉટસ્પોટ બનેલા ઇટાલી જેવા દેશોને પાછળ છોડી શકે છે.
છેલ્લા અનેક અઠવાડિયાઓથી દુનિયાનાં દેશોને ફક્ત 2 જ સલાહ
નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં ઓછા ટેસ્ટિંગનાં કારણે કોરોના વાયરસ સંક્રમણનાં તમામ કેસ અત્યાર સુધી સામે આવી રહ્યા નથી અને થોડાક સમયમાં આ મોટું સંકટ બનીને ઉભરશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોના વાયરસની રોકથામ માટે છેલ્લા અનેક અઠવાડિયાઓથી દુનિયાનાં દેશોને ફક્ત 2 જ સલાહ આપી રહ્યું છે, એક – સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજું કોરોનાથી સંક્રમિત દરેક વ્યક્તિની ઓળખ, પરંતુ અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે જો તમને કોરોનાનો શક છે તો તમે ઘરે રોકાઓ. સંક્રમણમાં આવવાનાં ગંભીર ખતરાનો સામનો કરી રહેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા માટે હતોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જ્યાં સુધી કે તેમને શ્વાસ લેવામાં વધારે મુશ્કેલી ના થાય. અમેરિકામાં તમામ લેબ હોવા છતા સેન્ટર્સ ફૉર ડિસીસી કંટ્રોલ એન્ડ પ્રિવેંશને ટેસ્ટ કરાવવામાં મોડું કર્યું છે.
