USCIRF / નાગરિકતા સુધારા વિધેયક સામે અમેરિકાના પંચને પેટમાં દુખ્યું,ભારતનો જવાબ- આંતરિક બાબતમાં દખલ ન કરો

USCIRF / નાગરિકતા સુધારા વિધેયક સામે અમેરિકાના પંચને પેટમાં દુખ્યું,ભારતનો જવાબ- આંતરિક બાબતમાં દખલ ન કરો

  • અગાઉ 2002ના રમખાણો વખતે નરેન્દ્ર મોદી સામે પ્રતિબંધની ભલામણ કરનાર પંચે હવે અમિત શાહને પણ નિશાન બનાવ્યા
  •  USCIRF પાસેથી આ પ્રકારની પ્રતિક્રિયા મળવાની ખાતરી હતી, એમને ચંચુપાત કરવાનો કોઈ અધિકાર નથીઃ વિદેશ મંત્રાલય
  • વિદેશ તથા દેશની અંદરથી આશરે 1,000 કરતા વધારે ભારતીય વૈજ્ઞાનિકો અને સ્કોલર્સે નાગરિક સુધારા વિધેયકનો વિરોધ કર્યો છે

નેશનલ ડેસ્કઃ સોમવારે મધરાતે લોકસભામાં નાગરિકતા સુધારા વિધેયક (CAB)ને મતદાન બાદ લોકસભાની મંજૂરી મળી છે ત્યારે અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા પંચે (US Commission for International Religious Freedom) તેના અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મંગળવારે પંચ દ્વારા સત્તાવાર રીતે થયેલી જાહેરાત મુજબ, ભારત સરકારનું પ્રસ્તાવિત નાગરિકતા સુધારા વિધેયક ધાર્મિક સ્વતંત્રતા માટે અત્યંત હાનિકારક છે. જો સંસદના બંને ગૃહો આ વિધેયકને પસાર કરે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારને ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002ના ગુજરાતના રમખાણો પછી આ પંચે જ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે પ્રતિબંધની ભલામણ કરી હતી. જેને લીધે મોદી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી અમેરિકાનો પ્રવાસ કરી શક્યા ન હતા.

અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવાથી પંચ ખૂબ જ ચિંતિત છે.

USCIRF એવો આરોપ લગાવ્યો છે કે CAB ધાર્મિક આધારે નાગરિકતા માટે કાયદાકીય માપદંડ નક્કી કરનારું છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી. આ વિધેયક ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલુ છે, જે ભારતના ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઈતિહાસ તથા ભારતીય બંધારણથી તદ્દન વિપરીત છે.

આ સંસ્થાએ આસામમાં ચાલી રહેલી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) ની નોંધણી તથા ગૃહ પ્રધાન શાહ દ્વારા પ્રસ્તાવિત દેશવ્યાપી NRC અંગે કહ્યું છે કે USCIRF ને એવી દહેશત છે કે ભારત સરકાર ભારતીય નાગરિકતા માટે ધાર્મિક પરિક્ષણની સ્થિતિનું સર્જન કરી રહી છે, જેને લીધે લાખોની સંખ્યામાં મુસ્લિમોની નાગરિકતા પર જોખમ સર્જાઈ શકે છે.

ભારતના વિદેશ મંત્રાલયે USCIRFના નિવેદનને બિનજવાબદાર અને બિનજરૂરી ગણાવ્યુ

ભારત વિદેશ મંત્રાલયએ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના પંચ (USCIRF) ના આપવામાં આવેલા નિવેદનને લઈ સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકી પંચનું નિવેદન તદ્દન બિન-જવાબદાર છે અને સટીક નથી, એટલે કે માહિતીનો અભાવ ધરાવે છે. તેમનું આ નિવેદન બિનજરૂરી છે. આ સાથે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRC ની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી. સૌને પૂરતા અધિકાર આપનારું આ વિધેયક છે. એ બાબત અફસોસજનક બાબત છે કે USCIRFએ આ પ્રકારની બાબતમાં પક્ષપાત પ્રેરિત વાત કરી છે, જે અંગે તેને કોઈ જ અધિકાર નથી.

ભારત છેલ્લા એક દાયકાથી USCIRF ને વિઝા આપવાનો ઈન્કાર કરતુ રહ્યું છે
આ સાથે સંસ્થાએ એ એવો આરોપ લગાવ્યો છે કે છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી ભારત સરકાર USCIRFના વાર્ષિક અહેવાલ તથા નિવેદનોને નજર અંદાજ કરી રહી છે. આ અંગે જોકે ભારતનું વલણ બહુ સ્પષ્ટ રહ્યું છે. અગાઉ UPA સરકારના કાર્યકાળથી ભારત દ્વારા સત્તાવાર રીતે કહેવાયું છે કે ત્રાહિત દેશના વિચારો, અભિપ્રાયો કે અહેવાલોને ભારત તેની આંતરિક બાબતમાં માન્યતા આપી શકે નહીં. આ વલણના આધારે જ ભારત છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી USCIRF ને ભારતમાં ધાર્મિક સ્વાતંત્રતાનું મૂલ્યાંકન માટે પ્રવાસ કરવા વિઝા આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરતુ રહ્યું છે.
દરમિયાન દેશમાં રહેલા તેમ જ વિદેશમાં રહેલા આશરે 1,000 કરતા વધારે વૈજ્ઞાનિકો અને સ્કોલર્સે એક સંયુક્ત નિવેદન રજૂ કર્યું હતું, અને ધર્મને આધારે નાગરિક અધિકાર વિધેયક રજૂ કરવાનો વિરોધ કર્યો હતો.

USCIRFની ભલામણથી કંઈ ફરક પડે ખરો?
* યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રિડમ એ અમેરિકન સરકારે ધાર્મિક સ્વતંત્રતાના હેતુથી નિયુક્ત કરેલું કમિશન છે.
* આ પંચની નિયુક્તિને અમેરિકન પ્રેસિડેન્ટ અને સંસદના બંને ગૃહો ઉપરાંત અમેરિકાના બંને મુખ્ય રાજકીય પક્ષોની સૈદ્ધાંતિક મંજુરી મળેલી છે.
* 1998માં તેની સ્થાપના થઈ હતી.
* વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાનું પાલન થાય અને ધાર્મિક સ્વતંત્રતાને ઉત્તેજન મળે એ પ્રકારની નીતિ અમેરિકા ઘડી શકે એ માટે પંચ દ્વારા વખતોવખત ભલામણો થતી રહે છે.
* પંચ દ્વારા થતી ભલામણોનો અમલ કરવા અમેરિકન સરકાર બંધાયેલી નથી, પરંતુ પંચની ભલામણોનો અમલ કરવા અંગે સંસદના બંને ગૃહો પ્રસ્તાવ પસાર કરે તો તેનો અમલ કરવાની સરકારને ફરજ પડી શકે છે.