USમાં ૮માંથી એક ટીનએજ છોકરીને સંતાન લાવવા બોયફ્રેન્ડ બળજબરી કરે છે

USમાં ૮માંથી એક ટીનએજ છોકરીને સંતાન લાવવા બોયફ્રેન્ડ બળજબરી કરે છે

૧૪થી ૧૯ વર્ષની જાતીય જીવન માણતી ૫૫૦ છોકરીઓનો ઇન્ટરવ્યૂ કરીને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ એવા તારણ ઉપર આવ્યા હતા કે અમેરિકામાં ૮માથી એક ટીનએજ છોકરી ઉપર બોયફ્રેન્ડ તેના સંતાનની માતા બનવા માટે બળજબરી કરતો હોય છે !  આ અભ્યાસના મુખ્ય લેખક ડો. હેથર મેકૌલે કહે છે કે જાતીય સંબંધોમાં પ્રજોત્પતિ માટેની બળજબરી કે અન્ય પ્રકારની હિંસા કેટલી સામાન્ય થઈ ગઈ છે, એ આ અભ્યાસના તારણ પરથી જાણવા મળે છે. એમ છતાં તબીબો, માતા-પિતા અને અન્ય પુખ્ત વ્યક્તિઓ માટે ટીનેજરોના અસ્વસ્થ સંબંધો સમજવા મુશ્કેલ છે. સ્વસ્થ અને અસ્વસ્થ સબંધ વર્તણૂક અંગે પોતાના સંતાનો સાથે ચર્ચા માબાપે કરતા રહીને હિંસા અંગેની જાણકારી મેળવવી જોઈએ. જર્નલ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીમાં સંશોધકો લખે છે કે, અમેરિકામાં ટીનએજ છોકરીઓમાં સંબંધોમાં હિંસા એક ચેતવણીની સપાટીએ પહોંચી ગઈ છે. પ્રજોત્પતિ માટે થતી બળજબરી પણ હિંસાનો જ એક પ્રકાર છે. મહિલાની ઇચ્છા વિરુદ્ધ તેને ગર્ભવતી બનાવવી એ એવી જ હિંસા છે.  તરુણવયે સંબંધોમાં હિંસા જી્ં, તણાવ અને ગેરકાયદે માદક દ્રવ્ય સેવન સાથે પણ સંકળાયેલું હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું.

કેટલાક છોડી દેવાની ધમકી આપતા હોય છે !

કેટલીક ટીનેજરે એવો આક્ષેપ કર્યો હતો કે તેમના બોયફ્રેન્ડ તેમના સંતાનની માતા નહીં બને તો છોડી દેવાની ધમકી પણ આપે છે. બોયફ્રેન્ડ એવી પણ ધમકી આપતા હોય છે કે તેમના સંતાનના બાળકને પેદા કરવા તૈયાર નહીં થાય તો તે બીજી યુવતીને ગર્ભવતી બનાવી દેશે ! છોકરીઓને પૂછવામાં આવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં તેમને ગર્ભવતી થવા માટે બળજબરી કરાય છે કે કેમ ? આ પ્રશ્નના જવાબમાં ૮માથી એકે બળજબરી કરાતી હોવાનું સ્વીકાર્યું હતું. જો કે બળજબરી પછી કેટલી છોકરીઓએ સંતાનને જન્મ આપ્યો એ અસ્પષ્ટ છે.

૧૭% ટીનેજરોને શારીરિક કે જાતીય હિંસા

  • અભ્યાસ હેઠળની ટીનેજર છોકરીઓમાંથી ૧૭ ટકાએ સ્વીકાર્યું હતું કે, તેઓ શારીરિક કે જાતીય હિંસાનો ભોગ બને છે. તેમના સાથીઓ તેમને મારતા પણ હોય છે. જ્યારે ૧૭ ટકાએ એવું પણ સ્વીકાર્યું હતું કે, તેમને પોતાના સાથી સિવાયનો લોકોની જાતીય હિંસાનો પણ ભોગ બનવું પડે છે.
  • ગર્ભવતી બનવા માટે બળજબરીનો ભોગ બનનારી ટીનેજરોએ એની ફરિયાદ કરી છે કે તેઓ સંબંધની અન્ય પ્રકારની હિંસાનો પણ ભોગ ચાર ઘણી વખત વધુ બને છે.