USમાં અભ્યાસ બાદ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે ફરજિયાત વતન જવું પડશે

USમાં અભ્યાસ બાદ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે ફરજિયાત વતન જવું પડશે

। નવી દિલ્હી ।

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના નિયમો વધુ આકરા બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. હાલમાં અમેરિકા અભ્યાસ કરવા જતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટનું સ્ટેટસ લિબરલ રાખવામાં આવે છે પરંતુ ટ્રમ્પ સરકારની યોજના અનુસાર વિદેશી વિદ્યાર્થી અમેરિકામાં અભ્યાસના નિશ્ચિત સમયગાળા સુધી જ અધિકૃત રીતે રહી શક્શે. જે સ્પષ્ટ દર્શાવે છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે અભ્યાસ પૂરો થયા પછી અમેરિકાથી સ્વદેશ પરત જવું પડશે. જોકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અધિકૃત સમયગાળો લંબાવવાનો વિકલ્પ અપનાવી શક્શે.

૩ જૂનના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ સમક્ષ સમીક્ષા માટે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં નોન ઇમિગ્રન્ટ એકેડેમિક સ્ટુડન્ટ, એક્સ્ચેન્જ વિઝિટર્સ અને ફોરેન ઇન્ફર્મેશન મીડિયાના પ્રતિનિધિઓ માટે અમેરિકામાં રહેવાનો સમયગાળો નિશ્ચિત કરવા અને રોકાણ લંબાવવાનો નિયમ સામેલ કરાયો છે. ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા થનારી સમીક્ષા નિયમ બનાવવાની પ્રક્રિયામાં અંતિમ પગલાં પૈકીનું એક ગણાય છે. ઓએમબીની સમીક્ષા બાદ પ્રસ્તાવિત નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રસિદ્ધ કરી તેના અમલ પહેલાં જાહેર સૂચનો આમંત્રિત કરાશે. ટ્રમ્પ સરકાર દ્વારા હવે ડયૂરેશન સ્ટેટસ જ હટાવી દેવાનો પ્રસ્તાવ મુકાયો છે.

હાલ શું છે નિયમ

અત્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તેમને જે પ્રવૃત્તિ માટે વિઝા અપાય છે તે પ્રવૃત્તિમાં સંકળાયેલ રહે ત્યાં સુધી અમેરિકામાં રોકાણ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને તેના સ્ટુડન્ટ વિઝાની મુદત લંબાવી શકે છે. ટેક્નિકલ ટર્મમાં તેને એડમિશન ફોર ડયૂરેશન સ્ટેટસ કહેવાય છે. એફ-વન વિઝા પર અમેરિકામાં અભ્યાસક્રમનો સમયગાળો, વચ્ચે અધિકૃત પ્રેક્ટિકલ ટ્રેનિંગનો સમયગાળો અને અભ્યાસ પૂરો થયા પછી અમેરિકા છોડવા માટે ૬૦ દિવસનો સમય આપવામાં આવે છે.