PoKની બે બહેનો ભૂલથી કાશ્મીર પહોંચી, બન્નેને તેમના ઘરે પરત મોકલવા ભારતીય સેનાએ પ્રક્રિયા શરૂ કરી

PoKની બે બહેનો ભૂલથી કાશ્મીર પહોંચી, બન્નેને તેમના ઘરે પરત મોકલવા ભારતીય સેનાએ પ્રક્રિયા શરૂ કરી

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK) માંથી બે સગી બહેનો રવિવારે સીમા પાર કરી ભૂલથી કાશ્મીરમાં દાખલ થઈ ગઈ હતી. આ બન્ને બહેન પૈકી એકની ઉંમર 17 વર્ષ અને બીજી બહેનની ઉંમર 13 વર્ષ હતી. પુંછ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર રહેલા સૈનિકોએ આ બન્ને બહેનને જોઈ હતી અને તેમને આશ્ચર્ય થયું હતું. સૈનિકોએ પહેલા તો બન્ને બહેનોને અટકાયતમાં લીધી હતી. પૂછપરછ બાદ હવે સૈનિકો આ બહેનોને તેમના ઘરે પરત મોકલવાના પ્રયત્ન કરી રહ્યા છે.

સેના પાસેથી મળેલી માહિતી પ્રમાણે, બન્ને છોકરીની ઓળખ 17 વર્ષની લાયબા જબૈર અને 13 વર્ષની સના જબૈર તરીકે કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બન્ને બહેનો ફરવા નીકળી હતી. તેમને સીમા વિશે કોઈ માહિતી ન હતી અને અહીં આવી પહોંચી હતી. બન્ને બહેનો PoKના કહુટા તાલુકાના અબ્બાસપુર ગામની રહેવાસી છે.

બન્ને બહેનો ભૂલથી અહીં આવી ગઈ- સેના
સેનાના PROએ કહ્યું હતું કે બન્ને બહેનો ભૂલથી કાશ્મીરમાં આવી ગઈ. અમે બન્ને દીકરીને તેમના ઘરે મોકલવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પાકિસ્તાન સેના સાથે પણ સંપર્ક કર્યો છે. ત્યાંથી ઓળખ થયા બાદ પાકિસ્તાન સેનાને સોંપી દેવામાં આવશે.