PM મોદી આજે દુનિયાની સૌથી લાંબી ટનલનું કરશે ઉદ્ગાટન, જાણો તેની ખાસિયતો

PM મોદી આજે દુનિયાની સૌથી લાંબી ટનલનું કરશે ઉદ્ગાટન, જાણો તેની ખાસિયતો

લાહોલ સ્પીતીના રહેવાસીઓ માટે આજે મોટો દિવસ છે. વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (3 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે વિશ્વની સૌથી મોટી ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે.

રોહતાંગમાં આવેલ 9.02 કિમી લાંબી ટનલ મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડે છે. આ ટનલને કારણે મનાલી અને લાહૌલ સ્પીતી વેલી આખા વર્ષ દરમિયાન એકબીજા સાથે જોડાયેલા રહી શકશે. અગાઉ બરફવર્ષાને કારણે, લાહૌલ સ્પિતી ઘાટી વર્ષના 6 મહિના સુધી દેશના બાકીના ભાગોથી કપાય જતી હતી.

આપને જણાવી દઇએ કે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પીર પંજલની ટેકરીઓમાં ‘અટલ ટનલ’ બનાવવામાં આવી છે. તે દરિયાઇ સપાટીથી 10,000 ફૂટની ઉંચાઇ પર આવેલ છે. ‘અટલ ટનલ’ બની જવાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટી ગયું છે અને બંને સ્થળોની મુસાફરીનો સમય 4 થી 5 કલાક ઘટી જશે.

‘અટલ ટનલ’નો આકાર ઘોડાની નાળ જેવો છે. તેનો દક્ષિણ છેડો મનાલીથી 25 કિલોમીટરના અંતરે સમુદ્ર સપાટીથી 3060 મીટરની ઉંચાઈ પર આવેલ છે, જ્યારે ઉત્તર છેડે લાહૌલ ઘાટીમાં તેલિંગ અને સિસ્સૂ ગામની નજીક સમુદ્ર સપાટીથી 3071 મીટરની ઉંચાઇએ આવેલ છે. આ ટનલ પર 10.5 મીટર પહોળાઈ પર 3.6 x 2.25 મીટરનો ફાયરપ્રૂફ ઇમરજન્સી એક્ઝિટ ગેટ બનાવવામાં આવ્યો છે. ‘અટલ ટનલ’માંથી દરરોજ 3000 કાર અને 1500 ટ્રક 80 કિ.મી.ની ઝડપે નીકળી શકાશે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘોડાના નાળના આકારવાળી બે લેન ટનલમાં 8 મીટર પહોળો રસ્તો છે. 3300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ટનલ દેશની રક્ષાના હેતુથી બહુ જ મહત્વપૂર્ણ છે. 

સુરક્ષાની પૂરતી વ્યવસ્થા
‘અટલ ટનલ’માં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દર 150 મીટરના અંતર પર ટેલિફોનની વ્યવસ્થા કરાઇ છે જેથી કરીને ઇમરજન્સીમાં સંપર્ક સ્થાપિત થઈ શકે. ફાયરસેફ્ટીના સાધનો દર 60 મીટર પર મૂકવામાં આવ્યા છે. 250 મીટરના અંતરે સીસીટીવી ઉપલબ્ધ છે. હવાની ગુણવત્તા ચકાસવા માટે દર 1 કિલોમીટર પર મશીનો લગાવવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે રોહતાંગ પાસ હેઠળ તેને બનાવવાનો નિર્ણય 3 જૂન, 2000ના રોજ લેવામાં આવ્યો હતો. તેનો શિલાન્યાસ 26 મે 2002 ના રોજ કરવામાં આવ્યો હતો.