Pizza Hut નામ કેમ પડ્યું?, બે ભાઇઓએ 600 ડોલરમાં શરૂ કરેલ કંપનીનું આજે અબજોનું સામ્રાજય

Pizza Hut નામ કેમ પડ્યું?, બે ભાઇઓએ 600 ડોલરમાં શરૂ કરેલ કંપનીનું આજે અબજોનું સામ્રાજય

એક ફિલ્મનો સંવાદ છે કે મોટામાં મોટો ધંધો પૈસાથી નહીં પરંતુ એક મોટા આઇડિયાથી મોટો થાય છે. જો તમે આ વાત સાથે સહમત નથી તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. આ વાત છે પિત્ઝા હટની છે. હા, 62 વર્ષ પહેલાં એક સપનું હતું આજે પિત્ઝા હટ સ્વાદની દુનિયામાં એક મોટું નામ બની ગયું છે. બે અમેરિકન ભાઈઓનું સ્વપ્ન અને આજે તેમની સફળતાની વાર્તા એક મિસાલ બની ચૂકયું છે.

કેવી રીતે શરૂ થઈ
વર્ષ 1958માં શરૂ થાય છે. કોલેજમાં અભ્યાસ કરતાં બે ભાઇ ડેન અને ફ્રેન્ક કાર્ની અમેરિકાના કેન્સાસમાં વિશિટામાં રહેતા હતા. એક દિવસ તેમના પારિવારિક મિત્ર જ્હોન બેન્ડરએ તેમને કહ્યું કે તેમને પિત્ઝાની દુકાન ખોલવી જોઈએ. ધંધા માટે પણ રોકાણ જરૂરી છે. બંને ભાઈઓ તેમની માતા પાસે ગયા. માતાએ 600 ડોલર આપ્યા. મજેદાર વાત એ છે કે બંને ભાઈઓમાંથી કોઈને પણ પિત્ઝા કેવી રીતે બનાવવા તે આવતું નહોતું અને ના તો બિઝનેસ ચલાવતા આવડતું હતું.

પહેલું પિત્ઝા હટ આ જગ્યાએ ખૂલ્યું હતું
ભાડાનું મકાન અને સેકન્ડ હેન્ડ સાધનો લીધા
બંને ભાઈઓએ વિશિતામાં 503 સાઉથ બ્લફમાં દુકાન ખોલવા માટે મકાન ભાડે રાખ્યું હતું. પિત્ઝા બનાવવા માટે સેકન્ડ હેન્ડ સાધનો ખરીદ્યા. જે રાત્રે રેસ્ટોરાં ખૂલી, બંને ભાઇઓએ સમુદાયના હિતમાં લોકોને પિત્ઝા વહેંચ્યા. ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે 15 જૂન 1958 ના રોજ ખોલવામાં આવેલી નાની દુકાનમાં 31 ડિસેમ્બર 2019 સુધીમાં વિશ્વભરમાં 18 હજાર 703 રેસ્ટોરાં હશે અને તે લોકેશનની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી પિત્ઝા ચેઇન બની જશે.

પિત્ઝા હટના લોકોની પણ એક વિશેષ વાર્તા છે
બધાએ રેસ્ટોરાંની બહાર પિત્ઝા હટનો લોગો જોયો હશે. એક લાલ ઝૂંપડા નીચે પહેલા પિત્ઝા અને તેની નીચે હટ અંગ્રેજીમાં લખાયેલું હોય છે અને પછી પીળા રંગની લીટી તેની નીચે છે. ખરેખર, જ્યારે કાર્નેઇ બ્રધર્સએ પહેલી દુકાનની શરૂઆત કરી ત્યારે 56 ગજની બિલ્ડિંગની બહાર નામ લખવા માટે માત્ર આઠ અક્ષરોની જ જગ્યા હતી આથી તેમણે તેનું નામ આપ્યું Pizza Hut, જેમાં અંગ્રેજી વર્ણમાલાના આઠ જ અક્ષર છે જેથી આ ખાંચામાં સરળતાથી ફિટ થઇ જાય.

આમ બંને ભાઈઓ પ્રગતિની સીડી ઉપર ચઢ્યા
એવું કહેવામાં આવે છે કે સખત મહેનતનું ફળ મળે જ છે. પિત્ઝા હટ રેસ્ટોરાંને એટલી ઝડપથી પ્રસિદ્ધિ અને વૃદ્ધિ મેળવી કે એક વર્ષમાં જ 1959માં, કેર્ની બ્રધર્સએ કેન્સાસના ટોપેકામાં તેમની પ્રથમ ફ્રેન્ચાઇઝી ખોલી. પિત્ઝા હટનું ગાંડપણ હવે લોકોમાં બોલતું હતું. પૈસા આવતા હતા. હવે બંને ભાઈઓએ વિચાર્યું કે તેઓએ તેમની બ્રાંડને આગલા સ્તર પર લઈ જવી જોઈએ. આ સમયગાળા દરમિયાન, ફ્રેન્ચાઇઝીએ મિત્રો અને સહયોગીઓની સહાયથી વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું, જેના કારણે કાર્નેય બ્રધર્સ ધંધાને વધુ વિસ્તૃત કરી શકયા.

ત્યારબાદ બંનેએ વિચાર્યું કે બિઝનેસની પબ્લિસિટી પણ જરૂરી છે, તેથી તેઓએ તેની જાહેરાત કરી. પિત્ઝા હટની પહેલી જાહેરાત 1967 માં ટીવી પર દેખાઇ હતી અને તે ઓક્લાહોમા સ્ટેટ ફેયરમાં પણ તેને દેખાડાઇ. માત્ર 10 વર્ષમાં, પિત્ઝા હટ પાસે કેનેડા અને અમેરિકામાં ઘણી જગ્યાએ 310 રેસ્ટોરન્ટ્સ ખૂલી ચૂકી હતી. પિઝા હટના લોગોમાં તમે જુઓ છો તે લાલ રંગની ઝૂંપડી વર્ષ 1969માં ડિઝાઇનમાં લાવવામાં આવી હતી.

લોકોની જીભ પર ચઢ્યું પિત્ઝા હટ
1970 થી 1980 સુધીમાં પિત્ઝા હટ વિશ્વભરમાં ખ્યાતિને સ્પર્શી રહ્યું હતું. તેના મેનૂમાં ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવી, તેની રેસ્ટોરાં બ્રિટન, જાપાન જેવા અન્ય દેશોમાં ખુલી અને કંપની ન્યુ યોર્ક સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ થઈ. આ 10 વર્ષોમાં, પિત્ઝા હટ 4 હજાર સ્ટોર્સનો આંકડો પાર કરી ગયું હતું અને 10 હજાર ટીનેજર્સ તેમાં કામ કરતા હતા.

કાર્નેય બ્રધર્સે પેપ્સીકોને બિઝનેસ વેચી દીધો
1977 માં કાર્નેય બ્રધર્સે પરસ્પર સહમતિથી 30 કરોડ ડોલરમાં પોતાનો બિઝનેસ પેપ્સિકોને વેચી દીધો. વેચાણ 43.6 કરોડ પર પહોંચ્યું અને 10 લાખ ડોલરમાં હેડક્વાર્ટર ઓફિસ વિશિટામાં ખૂલી. 1980ની સાલમાં કંપની સામે કેટલાંય હરિફો આવી ગયા જે પિત્ઝા રેસ્ટોરાંના વેપારમાં તેમની પાસેતી નંબર વનનો તાજ છીનવવા માંગતા હતા, જેનો માત્ર અમેરિકામાં જ વાર્ષિક બિઝનેસ 15 અબજ ડોલર હતો.

મેકડોનાલ્ડથી પણ મળી હતી ટક્કર
1991 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં પિત્ઝા હટને ફૂડ ચેઇન કંપની મેકડોનાલ્ડ્સ સામે આકરી ટક્કર મળી. તે સમયે મેકડોનાલ્ડ્સે એક નવું ઉત્પાદન મેકપિત્ઝા લોન્ચ કર્યા અને ગ્રાહકોને હોમ ડિલિવરી પણ આપી. પરંતુ આર્થિક મંદી અને કઠિન સ્પર્ધા છતાં પિત્ઝા હટ નફામાં રહી. પિત્ઝા ચેઇન પર કંપનીનું વેચાણ વિશ્વભરમાં દસ ટકા વધીને 5.3 અબજ ડોલર થઇ ગયું. પિત્ઝા હટ એ 1994માં ઓનલાઇન ઓર્ડરની સેવા આપવાનું શરૂ કર્યું. આમ કરનારી તે પહેલી પિત્ઝા કંપની હતી.

જ્યારે ટ્રમ્પના લીધે 3 કરોડ ડોલરનો નફો થયો
જ્યારે પિત્ઝા હટે પોતાનો પહેલો સ્ટફ્ડ ક્રસ્ટ પિત્ઝા લોન્ચ કર્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વિચાર સંપૂર્ણપણે ફ્લોપ થઈ જશે. પરંતુ 1995 માં ડોનાલ્ડ ટ્રમ્પ (હાલના અમેરિકી રાષ્ટ્રપતિ) અને તેમની ભૂતપૂર્વ પત્ની ઇવાના પિત્ઝા હટની એક જાહેરાતમાં દેખાયા ત્યારબાદ અમેરિકનો પણ સ્ટફ્ડ ક્રસ્ટ પિઝા ખાવા માટે સહમત થયા. આ જાહેરાતથી કંપનીને 3 કરોડ ડોલરનો નફો થયો હતો.

ભારતમાં પોલીસ સુરક્ષામાં પહેલી રેસ્ટોરન્ટ ખોલવામાં આવી
તે સમયે ભારતમાં રાજકીય ઉથલપાથલનો સમય હતો. અટલ બિહારી વાજપેયી પછી 1 જૂન 1996 ના રોજ એચ.ડી.દેવ ગૌડા વડા પ્રધાન બન્યા. વિદેશી કંપનીઓ અંગે ભારતમાં કેટલીક સંસ્થાઓમાં ગુસ્સો હતો. ભારતમાં પિત્ઝા હટની પહેલી રેસ્ટોરન્ટ 18 જૂન 1996 ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં ખુલી હતી. કેટલાક શાકાહારી જૂથો અને કર્ણાટક રાજ્ય રાયથા સંઘ (કેઆરઆરએસ)ના ખતરાઓ અને ધમકીઓ વચ્ચે રેસ્ટોરન્ટની બહાર પોલીસ દળ ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે લોકો અંદર પિત્ઝાની મજા લઇ રહ્યા હતા, ત્યારે બહારના પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રોકાયેલા હતા. ખરેખર, કંપનીએ કેઆરએસએસ એટેકની ધમકીઓને કારણે પોલીસ સુરક્ષા માંગી હતી. આજે પિત્ઝા હટમાં ભારતમાં 422 આઉટલેટ્સ છે. કંપની 2022 સુધીમાં 200 વધુ આઉટલેટ્સ ખોલવા માંગે છે.

આજે 8.5 અબજ ડોલરની બ્રાન્ડ
1958 માં 600 ડોલરથી શરૂ કરીને એક નાની દુકાન આજે 8.5 અબજ ડોલરની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ છે. કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી લઇને તાંઝાનિયાની 5895-મીટર ઊંચા માઉન્ટ કિલિમંજરો સુધી પિત્ઝા ડિલિવર કરી ચૂકી છે. 56 ગજની બિલ્ડિંગમાં સૌથી પહેલાં પિત્ઝા હટ શરૂ થયુ હતું આ બિલ્ડિંગને ત્યાંથી લઇને વિશિટા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં સ્થાપિત કરી દીધી છે. હવે આ એક મ્યુઝિયમ છે જેમાં પિત્ઝા હટનો ઇતિહાસ, મજેદાર તથ્ય અને યાદો છે. આ બધું થયું બે ભાઇઓની તનતોડ મહેનત અને એ આઇડિયા જે ખૂબ જ ઓછી મૂડીમાં શરૂ થયો અને ખૂબ જ મોટો બની ગયો.