OBC અનામતને ૩ કેટેગરીમાં વહેંચવાની પેનલની ભલામણ

OBC અનામતને ૩ કેટેગરીમાં વહેંચવાની પેનલની ભલામણ

કેન્દ્ર સરકાર હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં અન્ય પછાતવર્ગો (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામતમાં મોટાપાયે બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. એક મહત્ત્વની સરકારી પેનલ દ્વારા કરાયેલી ભલામણો કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા સ્વીકારી લેવાશે તો દેશના સામાજિક અને રાજકીય સમીકરણોમાં નાટકીય બદલાવ આવી જશે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અનામત દ્વારા કોને કેટલો લાભ થયો છે તેના આધારે ૨૭ ટકા ઓબીસી અનામતમાં ૩ પેટા કેટેગરી ઊભી કરવાની પેનલની ભલામણ પર વિચારણા કરશે. હાલમાં ૨૬૩૩ જાતિઓને ૨૭ ટકા ઓબીસી અનામતના લાભ આપવામાં આવે છે. આ તમામ જાતિની કોઇપણ વ્યક્તિ આ અનામતના લાભ માટે દાવો કરી શકે છે. પરંતુ હવે સરકારની એક પેનલે ૨૭ ટકા ઓબીસી અનામતને ૩ કેટેગરીમાં વહેચીં નાખવાની ભલામણ કરી છે. જે અંતર્ગત જેમને અત્યાર સુધી કોઇપણ પ્રકારનો લાભ નથી મળ્યો તેવી જાતિઓને ૧૦ ટકા, જેમને થોડે અંશે લાભ મળ્યો છે તેવી જાતિઓને ૧૦ ટકા અને જેમને મહત્તમ લાભ મળ્યો છે તેવી જાતિઓને ૭ ટકા લાભ આપવાની ભલામણ કરાઇ છે.

બંધારણમાં ઓબીસી અનામતનો સમાવેશ કરાયો નથી

એસસી અને એસટીની જેમ ઓબીસી અનામત ભારતના બંધારણનો હિસ્સો નથી. ૧૯૭૯માં રચાયેલા મંડલ કમિશને ઓબીસીને ૨૭ ટકા અનામત આપવાની ભલામણ કરી હતી જેના આધારે ૧૯૯૦માં મંડલ કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને ઓબીસીને ૨૭ ટકા અનામત આપવામાં આવી હતી. જે અંતર્ગત નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં ઓબીસી અનામત દાખલ થઇ હતી. ૨૦૦૬માં આ અનામત ઉચ્ચ સરકારી શિક્ષણ સંસ્થાનોમાં પણ દાખલ કરાઇ હતી.