NRI ભારતીયો માટે આવ્યા સૌથી મોટા ખુશખબર, CBDTએ કરી સૌથી મોટી જાહેરાત

NRI ભારતીયો માટે આવ્યા સૌથી મોટા ખુશખબર, CBDTએ કરી સૌથી મોટી જાહેરાત

। અમદાવાદ ।

બિનનિવાસી ભારતીયો (NRI)એ, ફક્ત ભારતમાંથી મેળવેલ આવક પર જ ટેક્સ ભરવાનો રહેશે. NRIએ વિદેશમાં મિલકત ધરાવતા હોય તો તે અંગેની વિગતો પણ આપવાની જરૂર નથી તેમજ વિદેશના સ્ત્રોત મારફતે મેળવેલી આવકની વિગતો પણ દર્શાવવાની રહેશે નહીં.

NRIએ વિદેશી કંપનીઓમાં ડિરેક્ટરશિપ ધરાવતા હોય તો તે અંગેની વિગતો પણ દર્શાવવાની રહેશે નહીં. આમ, ૨૦૧૯-૨૦ના આકારણી વર્ષ માટે બિનનિવાસી ભારતીયોએ ફાઈલ કરવા માટેના ઈન્કમટેક્સ રિટર્નમાં આ પ્રકારેની વિગતો આપવામાંથી મુક્તિ આપવાને પરિણામે NRIને રાહત થઈ છે.

બિનનિવાસી ભારતીયોએ I.T. રિટર્ન ફાઈલ કરતી વેળા કઈ આવક દર્શાવવી અને કયા પ્રકારની વિગતો આપવી જરૂરી છે તે અંગે NRI કરદાતાઓમાં પ્રવર્તતી મૂંઝવણ બાબતે કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને CBDTએ કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.

જો NRI કરદાતા કોઈ ભારતીય કંપનીમાં ડિરેક્ટર હોય અને વિદેશી કંપનીમાં પણ ડિરેક્ટર હોય અને આવા કરદાતા ભારતમાંથી કોઈ આવક મેળવતા ન હોય તો તેમણે ફક્ત ભારતીય કંપનીમાં ડિરેક્ટરશિપ અંગેની જ માહિતી પૂરી પાડવાની રહેશે.

NRIએ રિટર્ન ફાઈલ કરવા માટેના ITR ફોર્મ પોર્ટલ પર મૂક્યા પછી તે અંગે NRI કરદાતાઓએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને સ્પષ્ટતા કરતો સરક્યુલર જારી કરાયો છે. જો NRI ભારતીય કંપનીમાં ડિરેક્ટર હોય તો તે કંપનીની વિગત, PAN નંબર, તેના શેર લિસ્ટેડ છે કે અનલિસ્ટેડ અને ડિરેક્ટરશિપ આઈડેન્ટિફિકેશન નંબર (DIN)ની વિગતો આપવાની રહેશે.

NRI કરદાતાએ ITR ફોર્મમાં વિદેશી મિલકતો કે વિદેશી આવકની વિગતો ફક્ત જાણકારી માટે જ આપવાની રહેશે. વિદેશમાંથી મેળવેલી આવક NRI કરદાતાની કુલ ટેક્સ જવાબદારીમાં ધ્યાનમાં લેવાશે નહીં. જ્યારે રેસિડેન્ટ કરદાતાએ વિદેશી કંપની સહિત કોઈપણ કંપનીમાં ડિરેક્ટરશિપ અંગેની વિગતો આપવાની રહેશે.