21 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત: ચાલુ વર્ષે ભક્તો શિવલિંગ પર દૂધ અને બિલ્વપત્ર નહીં ચડાવી શકે

21 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત: ચાલુ વર્ષે ભક્તો શિવલિંગ પર દૂધ અને બિલ્વપત્ર નહીં ચડાવી શકે

મંદિરોમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની તકેદારીનું પાલન કરાવાશે

વડોદરા. 21 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે કોરોનાને પગલે શિવમંદિરોના પૂજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા સરકારી ગાઈડ-લાઈનનું પાલન થાય તે માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવ્યું છે. ભક્તો ચાલુ વર્ષે શિવજી પર દૂધ અને બીલી ચઢાવી નહીં શકે. લાલબાગ સ્થિત કાશીવિશ્વનાથ મંદિરના યજ્ઞશાળાના આચાર્ય જયવદનભાઈ જોશીએ જણાવ્યું કે, મંદિરમાં શ્રાવણમાં ભક્તોની ભારે ભીડ રહે છે.શ્રાવણના દરેક સોમવારે 50 હજારથી 1 લાખ ભક્તો ઊમટતા હોય છે. ચાલુ વર્ષે ટ્રસ્ટ દ્વારા દૂધ-બીલી ચઢાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભક્તોએ મંદિરમાં પ્રવેશતાં પહેલાં સેનેટાઇઝ ટનલમાંથી પસાર થઇ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરવાના રહેશે.

ગાઇડ લાઇનના પાલન સાથે શહેરમાં કાવડ યાત્રા નીકળશે
દર વર્ષે શહેરમાં શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળતી હોય છે.ચાલુ વર્ષે પણ કાવડ યાત્રા નીકળશે.જ્યારે યાત્રામાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશિઅલ ડિસ્ટન્સ જળવાશે.>  નિરજ જૈન, હિન્દુ જાગરણ મંચ

મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન કરવાના રહેશે
મંદિરોમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરવાના રહેશે.મંદિરમાં હાથ ધોવા માટે સાબુ અને પાણી કે સેનેટાઇઝરની વ્યવસ્થા ઊભી કરાશે. જ્યારે ચઢાવા અંગે નિર્ણય લેવાશે. > શાલિની અગ્રવાલ,કલેક્ટર

કાયાવરોહણમાં એક સમયે 5 ભક્તો દર્શન કરી શકશેકાયાવરોહન સ્થિત
ભગવાન લકુલેશજીના મંદિરમાં વિશેષ સુવિધા ઉભી કરાઇ છે.મંદિરના ટ્રસ્ટી મુકેશ પંડ્યાએ જણાવ્યું કે, ગેટ પાસે તાપમાન ચેક કરી ભક્તોએ સેનેટાઇઝ ટનલ થકી મંદિર પરિસરમાં પ્રવેશ કરવાનો રહેશે.એક સમયે 5 ભક્તો જ દર્શન કરી શકશે. દૂધ-બિલી ચઢાવવા અંગે રવિવારની મિટિંગમાં નિર્ણય લેવાશે. ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાશે.