૧૯મી સપ્ટેમ્બરથી IPLનો પ્રારંભ, આઠમી નવેમ્બરે ફાઇનલ મુકાબલો

૧૯મી સપ્ટેમ્બરથી IPLનો પ્રારંભ, આઠમી નવેમ્બરે ફાઇનલ મુકાબલો

। નવી દિલ્હી ।

બહુઅપેક્ષિત ઇન્ડિયન પ્રીમિયર લીગનો (આઇપીએલ)૧૯મી સપ્ટેમ્બરથી યુએઇમાં પ્રારંભ થશે અને બીસીસીઆઇની આ ટી૨૦ લીગની ફાઇનલ મેચ આઠમી નવેમ્બરે રમાશે તેવી આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે માહિતી આપી હતી. આઇપીએલની ગર્વિંનગ કાઉન્સિલની આગામી સપ્તાહે બેઠક યોજાશે અને તેમાં લીગને અંતિમ સ્વરૂપ આપવાની સાથે કાર્યક્રમને પણ મંજૂરી આપી દેવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની તમામ ફ્રેન્ચાઇઝીઓને આ બાબતની માહિતી આપી દીધી છે.

બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે ગર્વિંનગ કાઉન્સિલની ટૂંક સમયમાં બેઠક યોજાશે પરંતુ અમે આઇપીએલનો કાર્યક્રમ તૈયાર કરી દીધો છે. આ લીગ ૧૯મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને આઠમી નવેમ્બરે ફાઇનલ રમાશે. આ પૂરા ૫૧ દિવસની ટી૨૦ લીગ રહેશે. કોવિડ-૧૯ની મહામારીથી બચવા માટે વિશેષ પ્રકારની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) તૈયાર કરવામાં આવશે. અમને સરકાર તરફથી મંજૂરી મળી જશે તેવી આશા છે. એસઓપી તૈયાર થઈ ગયા બાદ તેને બીસીસીઆઇ યુએઇ ક્રિકેટ બોર્ડને મોકલી આપશે. ક્રિકેટના સમર્થકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં તેનો નિર્ણય યુએઇની સરકાર કરશે. આ બાબતનો નિર્ણય અમે તેમની ઉપર છોડયો છે. તેમ છતાં તમામે સોશિયલ ડિસ્ટન્સ પ્રોટોકોલનું ચુસ્ત રીતે પાલન કરવું પડશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર અસર પડશે નહીં 

બીસીસીઆઇએ અગાઉની અટકળો મુજબ ૨૬મી સપ્ટેમ્બરના બદલે એક સપ્તાહ પહેલાં આઇપીએલને રમાડવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયન પ્રવાસ ઉપર તેની કોઈ અસર પડશે નહીં. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન સરકારના નિયમો અનુસાર ૧૪ દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે. બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે ૫૧ દિવસનો આઇપીએલનો કાર્યક્રમ યોગ્ય છે જેના કારણે એક જ દિવસમાં બે મેચો રમાડવાનું ભાગ્યે જ આવશે. સાત સપ્તાહ સુધી ચાલનારી આ લીગમાં પાંચ દિવસ જ એવા છે જેમાં બે-બે મેચો રમાશે. ફ્રેન્ચાઇઝી ટીમો ૨૦મી ઓગસ્ટ સુધીમાં યુએઇ પહોંચી જાય તેવી સંભાવના છે.

( Source – Sandesh )