અયોધ્યા કેસ : ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલો સંપત્તિનો વિવાદ

અયોધ્યા કેસ : ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલો સંપત્તિનો વિવાદ

ભારતના કાયદા ક્ષેત્રમાં ચાલેલી સૌથી લાંબી લડાઇઓમાંની એકનો અંત આવ્યો છે. અયોધ્યામાં ટાઇટલ વિવાદનો પહેલો કેસ ૧૩૪ વર્ષ પહેલાં દાખલ થયો હતો. દાયકાઓ દરમિયાન આ કાયદાકિય લડાઇ ફૈઝાબાદ સિવિલ કોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચ અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી એ દરમિયાન ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ પ્રજાસત્તાક બની ગયો હતો.  આ કેસના કેટલાક સીમાચિન્હો અહીં છે, જેમાં આધુનિક ભારતમાં રામજન્મભૂમિ આંદોલનરૂપે સૌથી અસરકારક રાજકિય ધ્રુવીકરણમાંના એકનો જન્મ પણ છે.

આઝાદી પહેલાં

અયોધ્યા વિવાદમાં પહેલી નોંધાયેલો કાયદાકીય ઇતિહાસ ૧૮૫૮નો છે. ૩૦ નવેમ્બર ૧૮૫૮ના રોજ એફઆઇઆર મોહંમદ સલિમે બાબરી મસ્જિદ અંદર રામ લખવા સાથે તેમના નિશાન રાખી આવનારા નિહંગ શીખો સામે નોંધાવી હતી. તેઓએ ત્યાં હવન અને પૂજા પણ કરી હતી. અવધના થાનેદાર શીતલ દુબેએ તેના ૧ ડિસેમ્બર ૧૮૫૮ના રિપોર્ટમાં ફ્રિયાદને વેરીફઇ કરી હતી અને કહ્યું હતું કે, શીખોએ ત્યાં ચબૂતરો બાંધ્યો હતો. હિન્દુઓ આંગણાની અંદર જ નહીં બહાર પણ હતા, તેનો એ પહેલો દસ્તાવેજી પુરાવો છે.

૧૮૮૫માં લડાઇ શરૂ થઇ

કાયદાકિય લડાઇ ૧૮૮૫માં શરૂ થઇ હતી, જ્યારે મહંત રઘુબર દાસે ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં કાઉન્સિલમાં ભારતના ગૃહમંત્રી સામે કેસ (નં.૬૧/૨૮૦) દાખલ કર્યો હતો. એ કેસમાં દાસે દાવો કર્યો હતો કે તે પોતે મહંત છે અને બહાર આંગણામાં ચબુતરા પાસે રહે છે અને તેને ત્યા મંદિર બાંધવાની મંજુરી આપવામાં આવે. એ કેસ ડિસમીસ કરાયો હતો. ૧૮૮૬માં ૧૮૮૫ના ચુકાદા સામે સિવિલ અપીલ (નં. ૨૭) દાખલ કરવામાં આવી હતી. ફૈઝાબાદના ડિસ્ટ્રીક્ટ જજ ફેર ચેમિયરે આદેશ કરતાં પહેલાં સ્થળની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.

૬૩ વર્ષ સુધી કેસમાં કોઇ કાયદાકીય પ્રગતિ થઇ ન હતી

૧૯૩૪માં રમખાણમાં વિવાદીત માળખાનો કેટલોક ભાગ તોડી પડાયો એ અપીલ કાઢી નાંખવા સામે બીજી સિવિલ અપીલ (નં.૧૨૨) કરવામાં આવી, જેને કોર્ટ ઓફ જ્યુડિશ્યલ કમિશ્નરને કાઢી નાંખી હતી. એ બાદ ૬૩ વર્ષ સુધી કેસમાં કોઇ કાયકાકિય પ્રગતિ થઇ ન હતી. ૧૯૩૪માં અયોધ્યામાં રમખાણ થયા હતા અને હિન્દુઓએ વિવાદીત માળખાનો કેટલોક ભાગ તોડી પાડયો હતો. અંગ્રેજોએ તે ભાગને ફ્રી બાંધ્યો હતો.

પરિસરમાં મૂર્તિ

૧૯૪૯ ના ડિસેમ્બરની ૨૨-૨૩મી તારીખની રાત્રે મસ્જિદના કેન્દ્રિય ગૂંબજ હેઠળ મૂર્તિઓ જણાઇ હતી. ૨૩મી ડિસેમ્બરે સવારે તત્કાલિન ફૈઝાબાદના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ કે.કે. નાયરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને જણાવ્યું હતું કે હિન્દુઓનું એક જુથે અંદર ઘૂસી આવીને મૂર્તિ ગોઠવી દીધી હતી. આ ઘટના અંગે એફઆઇઆર નોંધાઇ હતી અને એ જ દિવસે પ્રવેશદ્વાર પર તાળા મારી દેવાયા હતા. ૨૯મી ડિસેમ્બરે શહેરના મેજિસ્ટ્રેટે એક ક્રિમિનલ પ્રોસિજર કોડની ૧૪૫મી કલમ હેઠળ સંપત્તિ એટેચ કરવાનો આદેશ કર્યો હતો અને નગર મહાપાલિકાના પ્રમુખ પ્રિયા દત્ત રામને રિસિવર તરીકે નીમી દીધા હતા. અઠવાડિયા બાદ ૫ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે પ્રિયા દત્ત રામે રિસિવર તરીકે ચાર્જ લીધો.

સંપાદન માન્ય ઠેરવાયું । સરકાર દ્વારા સંપાદન થયા બાદ મોહંમદ ઇસ્માઇલ ફરૂકીએ તેને પડકારતી પીટીશન સુપ્રિમમાં કરી હતી. સુપ્રિમ કોર્ટે આ રેફ્રન્સની સુનાવણી માટે પાંચ જજોની બેન્ચ રચી હતી. ૨૪ ઓક્ટોબર ૧૯૯૪ના દિવસે સર્વોચ્ચ અદાલતે સંપાદન માન્ય હોવાનું ઠરાવ્યું હતું.

હાલના કેસનો પાયો

૧૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હિન્દુ મહાસભાના ગોપાલ સિંઘ વિશારદ સ્વતંત્ર ભારતમાં આ વિવાદમાં કેસ કરનારી પહેલી વ્યક્તિ બન્યા હતા. આંગણાની અંદર ગોપાલ વિશારદે પૂજા અને પ્રાર્થનાના હકની વિનંતી કરતો પાંચ મુસ્લિમો, રાજ્ય સરકાર સામે કેસ કરવા સાથે ફૈઝાબાદ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ એ અંગે વિનંતી કરી હતી. એ જ દિવસે સિવિલ જજે ઓર્ડર ઓફ ઇન્જેક્શન પસાર કરી પૂજાને મંજૂરી આપી હતી. ૨૫ મે ના દિવસે પરમહંસ રામચંદ્ર દાસે ઝહૂર અહમદ અને અન્યો સામે કેસ કર્યો હતો, જે પહેલા કેસ જેવો જ હતો. ૯ વર્ષ પછી ૧૭ ડિસેમ્બર ૧૯૫૯ના દિવસે નિર્મોહી અખાડાએ રિસીવર પાસેથી મેનેજમેન્ટ હાથ કરવા માટે ત્રીજો કેસ દાખલ કર્યો હતો. બે વર્ષ બાદ ૧૮ ડિસેમ્બર ૧૯૬૧ના દિવસે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સહિત અગાઉના કેસમાંના તમામ પ્રતિવાદીઓએ ફૈઝાબાદ સિવિલ જજની કોર્ટમાં તમામ મૂર્તિઓ દૂર કરી મસ્જિદનો કબજો સોંપી દેવા માટે ચોથો કેસ દાખલ કર્યો હતો. ૨૦ માર્ચ ૧૯૬૩ના દિવસે કોર્ટે એવું ઠરાવ્યું કે કેટલાક વ્યક્તિઓ આખા હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં.

શિયા વકફ બોર્ડ પણ પ્રતિવાદી બન્યું

૧ જુલાઇ ૧૯૮૯ના દિવસે ફૈઝાબાદમાં સિવિલ જજ સમક્ષ રામ લલા વિરાજમાનના નજીકના મિત્ર તરીકે અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ જજ દેવકીનંદન અગ્રવાલે પાંચમો કેસ દાખલ કર્યો હતો. એ કેસમાં નવું મંદિરના નિર્માણ માટે રામ લલાને આખું સ્થળ સોંપી દેવા વિનંતી કરાઇ હતી. ૧૯૮૯માં શિયા વકફ બોર્ડે પણ કેસ દાખલ કરીને કેસમાં પ્રતિવાદી બન્યું હતું.

વીંછીનો દાબડો ખૂલ્યો

સમયાંતરે આ કેસમાં નવા વળાંક આવતા રહ્યા હતા. ૨૫ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે વકિલ ઉમેશ ચંદ્ર પાંડેએ ફૈઝાબાદના મુન્સિફ મેજીસ્ટ્રેટ સમક્ષ અરજી કરીને તાળા ખોલીને અંદર રહેલી મૂર્તિની પૂજા માટે પરવાનગી આપવા વિનંતી કરી હતી. આ પ્રકારની બાબત હાઇકોર્ટ સમક્ષ હોય મુન્સિફ મેજીસ્ટ્રેટે અરજી નકારી હતી. પાંડે એ આદેશની સામે ૩૧ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે ફૈઝાબાદની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ કરી હતી.

ત્રણ ભાગમાં જમીન વહેંચતો ચુકાદો

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે ત્રણ જજ જસ્ટિસ ધરમવીર શર્મા, જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ એસ.યુ. ખાનની બનેલી અલ્હાબાદ હાઇકોર્ટની બેન્ચે ટાઇટલના કેસમાં ચુકાદો આપ્યો હતો. આદેશમાં વિવાદીત જમીનને ત્રણ ભાગમાં વહેંચી નાંખી હતી, જેમાં રામ લલા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડ એમ ત્રણેને એક એક ભાગ આપવાનો આદેશ હતો.

વિવાદિત સ્થળનાં તાળાં ખૂલ્યાં

ફૈઝાબાદના ડીએમ અને એસપીએ કોર્ટને જણાવ્યું હતું કે, તાળા ખૂલે તો શાંતિ જાળવવામાં કોઇ સમસ્યા થાય એમ નથી. કોર્ટે તાળા ખોલી દેવા આદેશ કર્યો અને એ જ દિવસે તાળા ખોલી દેવાયા હતા. એ અયોધ્યા વિવાદમાં એક ર્ટિંનગ પોઇન્ટ હતો અને તેણે ભારતના રાજકારણને પણ જાગૃત કરી દીધું હતું. તાળા ખુલી ગયા બાદ ૬ ફેબ્રુઆરીએ મુસ્લિમ નેતાઓ દ્વારા બાબરી મસ્જિક એક્સન કમિટીની રચના કરાઈ હતી.

યુપીની સરકારે જમીન સંપાદિત કરી

૭ અને ૧૦ ઓક્ટોબર ૧૯૯૧ના દિવસે ભાજપ રાજ્ય સરકારે જમીન સંપાદન કાયદા હેઠળ પ્રવાસનના હેતુથી વિકાસ કરવા માટે વિવાદિત તથા આસપાસના વિસ્તારમાં ( કુલ ૨.૭૭ એકર જમીન) સંપત્તિ સંપાદિત કરી હતી. જો કે એ સંપાદનને મુસ્લિમોએ ૬ રીટ પીટીશન દ્વારા પડકાર્યું હતું. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના વચગાળાના આદેશ છતાં મસ્જિદનો ધ્વંશ કરી દેવાયો હતો. બીજી તરફ ડિમોલિશન બાદ ૨૧ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે હરિ શંકર જૈને અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચ સમક્ષ એક પીટીશન દાખલ કરી હતી કે, ભગવાન રામની પૂજા અર્ચના કરવી એ મૂળભુત અધિકાર છે. ૧ જાન્યુઆરી ૧૯૯૩ના દિવસે હાઇકોર્ટે ભગવાન રામની જન્મભૂમિ મનાતા સ્થળે પૂજા કરવાનો દરેક હિન્દુને હક હોવાનું મંજુર રાખ્યું હતું. આમ છતાં ૭ જાન્યુઆરી ૧૯૯૩ના દિવસે કેન્દ્ર સરકારે અયોધ્યાના કેન્દ્રિય વિસ્તારના સંપાદનનો આદેશ બહાર પાડી અને વિવાદિત અને તેની આસપાસની ૬૭ એકર જમીન સંપાદન માટે કાર્યવાહી હાથ ધરી હતી.

ચુકાદા સામે અપીલ

ત્રણે પક્ષકારો-રામ લલા વિરાજમાન, સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાએ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. ૯ મે ૨૦૧૧ના દિવસે જસ્ટિસ આફ્તાબ અલામ અને આર.એમ.લોધાની બેન્ચે હિન્દુ અને મુસલમાન સંગઠનોની અપીલને એડમિટ કરી હતી અને હાઇકોર્ટની લખનૌ બેન્ચના ૨૦૧૦ના ચુકાદા પર સ્ટે આપી સ્થળ પર યથાવત સ્થિતિ જાળવી રાખવા તમામ પક્ષકારોને આદેશ કર્યો હતો. કાયદાની આંટીઘુંટી વચ્ચે અટવાતો આ કેસ આખરે ગત વર્ષે સુપ્રીમમાં ટ્રેક ઉપર આવ્યો. સુપ્રીમે સતત ૪૦ દિવસ સુધી સુનાવણી કરી હતી તમામ પક્ષકારોની દલીલ ૧૬ ઓક્ટોબરે પૂરી થઇ હતી અને ચુકાદો અનામત રખાયો હતો. ગત નવેમ્બરમાં સુપ્રીમ દ્વારા વિવાદિત સ્થળે રામ મંદિર બાંધવાનો આદેશ અપાયો અને મસ્જિદ માટે બીજા સ્થળે જમીન ફાળવવાની પણ જોગવાઈ કરવામાં આવી.